નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ (Kalol Gandhinagar) ના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હૉમગાર્ડ પર એસિડ ફેંકનારા રિક્ષા ચાલકને અદાલતે 15 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે પીડિતાને 2 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે. ગાંધીનગરમાં એસિડ એટેકની ઘટનામાં પ્રથમ વખત સજા (First Conviction in Acid Attack Case) ફટકારવામાં આવી છે.
રિક્ષા ચાલકે નજીવી બાબતમાં કર્યો હતો જીવલેણ હુમલો
18 જુલાઈ 2025ના રોજ છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોઈન્ટ પર ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરુષ હોમગાર્ડ ફરજ પર હાજર હતા. આ સમયે આરોપી રિક્ષા ચાલક અશોક રમેશભાઈ રાવતે (રહે. કલોલ) પોતાની રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી. આથી ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ચાલ્યો ગયો હતો. આ સામાન્ય ઠપકાની અદાવત રાખીને આરોપી અડધા કલાક બાદ એસિડની બૉટલ સાથે પરત આવ્યો હતો. ફરજ પરની મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યો હતો. આ હુમલામાં ભાવનાબેનને પીઠ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મહિલા કર્મચારીઓ પર પણ એસિડના છાંટા પડ્યા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથક (Kalol Taluka Police Station) ના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. પટેલે (PI Unnati S Patel) કેસની તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી.
કડક સજા ન થાય તો રાજ્ય સેવકોનું મનોબળ તૂટી શકે છે : અદાલત
એસિડ એટેક કેસ કલોલ કોર્ટ (Kalol Court) માં ચાલી જતા કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતે (Judge B R Rajput) અવલોકન કરતા નોંધ્યું છે કે, આ હુમલો માત્ર એસિડ એટેક નથી પણ રાજ્યની સુરક્ષા ઉપર આક્રમણ છે. જો આવા આરોપીઓને કડક સજા ન કરવામાં આવે તો રાજ્ય સેવકોનું મનોબળ તૂટી શકે છે. અદાલતે દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું છે કે, મહિલા સુરક્ષાકર્મી પર કરવામાં આવેલો આ હુમલો અત્યંત નિર્દયી અને ગંભીર છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી અશોક રાવતને દોષિત જાહેર કરી કોર્ટે સજા ફટકારી છે.








