Father and son murdered in Surat city within six months : છ મહિનામાં પિતા-પુત્રની હત્યા થતાં સુરત શહેર પોલીસ સામે સવાલો ઉઠ્યા (Questions raised against Surat city police after youth’s murder) છે. સુરતના ઉધના વિસ્તારમાં 23 વર્ષીય યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. ઘરના મોભી એવા પિતા બાદ પરિવારનો એકમાત્ર સહારો એવા પુત્રની હત્યા થઈ જતાં માતા અને બહેનો ભારે આઘાતમાં સરી ગયા છે.
મૂળ મહારાષ્ટ્રનો લક્કી ધનરાજ તાયડે ઉર્ફે વિકી ઉધના વિસ્તારમાં માતા અને બહેનો સાથે રહે છે. ડિલિવરી બોય તરીકે કામ કરતા લક્કી ઉર્ફે વિકી ઉપર અજાણ્યા હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા મૃત્યુ પામ્યો છે. આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું મનાય છે. મૃતક વિકી તાયડેના પિતાની છએક મહિના અગાઉ ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. ધનરાજ તાયડેના અવસાનના આઘાતમાંથી પરિવાર હજી માંડ બહાર આવ્યો હતો, ત્યાં ફરી એક દુઃખદ ઘટનાએ પરિવારને નિરાધાર બનાવી દીધો છે. મૃતક વિકીની બહેન મનીષાએ જણાવ્યું હતું કે, જાવેદ નામના એક શખ્સે ચપ્પા વડે હુમલો કરી ભાઈને મારી નાંખ્યો છે. જાવેદ અગાઉ આ વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવતો હતો, જે હાલમાં બંધ છે. આ ઘટના બની તે પહેલાં જે ગુનેગારો જેલમાંથી છૂટીને આવ્યા હતા, તેઓ મારા ભાઈને ધમકી આપતા હતા કે ‘તારા પપ્પાને જ્યાં માર્યા છે, ત્યાં જ તને પણ મારીશું.’ આ વાતને લઈને મારી માતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા પણ ગઈ હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ના કરી અને માતાને ત્રણેક કલાક બેસાડી રાખી.








