નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ બાળક પાસે આવી ઘડિયાળ કે સ્પ્રે જેવું દેખાતી વસ્તુ સમજી માતા-પિતાને કોઈ વહેમ જતો નથી કે આ તેમના બાળકને મોત તરફ લઈ જનારું એક સાધન છે પરંતુ અમદાવાદ પોલીસના હાથે એવી કેટલીક વસ્તુઓ લાગી છે જેના અંગે જાણીને આપ ચોંકી જશો. ખરેખર ઘડિયાળ, સ્પ્રે વગેરે જેવી દેખાતી આ વસ્તુઓ જેને સ્કૂલ બેગમાં કે કોલેજ બેગમાં કે પોકેટમાં સરળતાથી રાખી શકાય છે તે છે સિન્થેટિક નિકોટિન ધરાવતો ઈલેકટ્રીક હુક્કો. ગુજરાત પોલીસના ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે જેમાં પોલીસે ઈલેક્ટ્રોનિક હુક્કાના નશાનો પર્દાફાશ કર્યો છે.

માતા-પિતા માને છે કે બાળકે ઘડિયાળ પહેરી છે, તેની પાસે સ્પ્રે બોટલ છે પરંતુ તે ઈલેક્ટ્રિક હુક્કો છે. આ હુક્કાની જોખમતાની વાત કરીએ તો તે એટલો જોખમી છે કે આ હુક્કાનો એક કસ લગાવવાથી ત્રીસ સિગારેટ જેટલું નિકોટિન બોડીની અંદર જાય છે. હવે તેનાથી તમે અંદાજી શકો છો કે આ તમારા બાળક માટે કેટલું જોખમી છે. આ હુક્કાની માર્કેટમાં પ્રાઈઝ 5 હજારથી 15 હજાર સુધીની કિંમતના હોય છે. આ કેવા પ્રકારના દેખાય છે તેના માટે અહીં તમારી સામે અમે તમામ તસવીરો દર્શાવી છે. આ હુક્કામાં લીકવીડ સિન્થેટિક નિકોટિન ધરાવતું કેમિકલ હોવાથી તે પુરુ થાય પછી માત્ર તેને રિફિલ કરાવી ફરી વાપરી શકાય છે. બાળકો તેને ખિસ્સા, સ્કૂલ બેગ કે પોતાના હાથમાં સરળતાથી રાખી શકે છે.
પોલીસને જાણકારી મળી હતી કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ રાત્રે જાગવા માટે આવા હુક્કાનો ઉપયોગ કરે છે. પીસીબી પીઆઈ તરલ ભટ્ટના આદેશથી સતત આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખતી પીસીબી અમદાવાદની ટીમને કેટલીક ચોંકાવનારી વિગતો મળી હતી. પીએસઆઈ જે જી ચારણ અને તેમની ટીમ દ્વારા આ જોખમી હુક્કા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સ્મોકર્મ રિટેઈલ નામની ઈ સીગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડ્યા છે. PCBએ દુકાન માલિક, સિગારેટ સપ્લાય કરનાર સહિત 10 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. નિકોટિન યુક્ત ફ્લેવર રિફિલ્સનો 2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસે આ કેસમાં સન્ના ઉધ્ધવદાસ કાકવાણી ઉં. 40 (રહે સુર્યા એમરલેંડ બોપલ)ને ઝડપી પાડ્યો છે. સાથે જ માલ આપનાર અલીભાઈ, મમલી, ઐબાની, આણંદમાં રહેતા ઈ-મીસ્ટ કંપનીના માલિક હાર્દિક ત્રિવેદી તથા માલ ખરીદનાર આશીકી પાન પાર્લર રીલીફ રોડના વ્યક્તિ, જેનીશ શાહ (ગાંધીનગર), એસ કે સન (જુહાપુરા) શેખ (અમદાવાદ) ને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ કેસની તાપસમાં જે નામો સામે આવશે તે તમામ સામે કાર્યવાહી કરવાની તત્પરતા બતાવી છે.








