નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ પછી બે ધર્મના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી અને તે રમખાણોમાં ઘણા જીવ ગયા હતા. નિર્દોષો આ ઘટનાનો ભોગ બન્યા અને તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. હવે લાંબા સમયથી આ ઘટના કોર્ટના કાગળો અને તારીખો વચ્ચે હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે આજે રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ કર્યો હતો. ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચે કહ્યું કે, આટલો સમય વીતી ગયા પછી હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે રમખાણોને લગતી અરજી સુપ્રીમમાં દાખલ થઈ હતી. આ તોફાનો સાથે જોડાયેલા કેસમાં 9 પૈકીના 8 પર નીચલી અદાલતોએ ચુકાદા આપ્યા છે. નરોડા ગામના કેસમાં પણ હજુ સુનાવણી ચાલી રહી છે ત્યારે સુપ્રીમે કહ્યું છે કે રમખાણો સાથે જોડાયેલા કોઈ કેસમાં સુનાવણીની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે ગત 24 જુને ઝાકિયા જાફરી કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરાયેલી અરજીને ફગાવી હતી અને ચુકાદો સંભળાવતા ઝાકિયાની અરજીમાં મેરિટ ન હોવાનું કહ્યું હતું. 2002માં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા તોફાનો મામલે ગુલબર્ગ સોસાયટીને નિશાન બનાવી ઝાકિયાના પતિ અને કોંગ્રેસના પૂર્વ એમપી અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ માર્યા ગયા હતા. 31ને ગુમસુદા દર્શાવ્યા હતા. ઝાકિયાએ હાઈકોર્ટમાં જ્યારે ક્લોઝર રિપોર્ટનો ચુકાદો પડકાર્યો ત્યારે તે યથાવત રખાયો હતો. તે મામલે ઝાકિયા દ્વારા સુપ્રીમનો દરવાજો ખટખટાવાયો ત્યાં સુપ્રીમે આજે કેસ બંધ કરવાનો આદેશ કર્યો છે.








