પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): માણસની જીંદગી પણ ક્યારેય પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલતી નથી આવું જ કંઈક ગુજરાતના દરિયામાં આવી રહેલા કરોડો રૂપિયાના નશીલા પદાર્થમાંથી 3500 કરોડનું નાર્કોટિક્સ પકડનાર એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાના જીવનમાં પણ બન્યું છે. ભાવેશ રોજીયાનું વતન ભાવનગર, પિતા કસ્ટમ અધિકારી હતા,. પ્રારંભમાં ક્યારેય ભાવેશ રોજીયાને પોલીસમાં જોડાવવાનો વિચાર આવ્યો ન્હોતો, પરંતુ રોજીયા ભાવનગરમાં જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આઈપીએસ અધિકારી અભય ચુડાસમાની અવરજવર હતી કારણ અભય ચુડાસમાના ભાઈ ભાવેશ રોજીયાની સોસાયટીમાં રહેતા હતા, અભય ચુડાસમા જ્યારે પણ પોતાના ભાઈને મળવા આવે ત્યારે ભાવેશ રોજીયા તેમને કૌતુકભાવે જોતા હતા. પોલીસનું વાહન તેમને સાથે રહેલા કમાન્ડો જોઈ એક દિવસ વિચાર આવ્યો કે મારે પણ પોલીસ અધિકારી થવું છે.
2001માં પોલીસ સબઈન્સપેકટરની ભરતી આવી ભાવેશ રોજીયાએ પોલીસમાં જોડાવવાનો નિર્ણય કર્યો અને પીએસઆઈની પરિક્ષા આપી, પરિક્ષા તો પાસ થઈ પણ વેઈટીંગ લીસ્ટમાં તેમનો નંબર હતો. જેના માટે વેઈટીંગ લીસ્ટમાં રહેલા ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા અને આખરે તેમની જીત થઈ, ભાવેશ રોજીયાએ પોલીસ સબ ઈન્સપેકટર તરીકે પોતાની કેરિયરનો પ્રારંભ કર્યો. અસામાન્ય સ્થિતિ નિર્માણ થાય ત્યારે પોતાના જીવની ચિતા કર્યા વગર કુદી પાડવાની ભાવેશ રોજીયાને ટેવ જેના કારણે વ઼ડોદરા જિલ્લામાં જ્યારે સબ ઈન્સપેક્ટર તરીકે હતા ત્યારે દારૂ ભરેલી એક ટ્રકને રોકવા ટ્રકની પાછળ લટકી ગયા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ભારત સરકારે આ ઘટનાની કદર રૂપે ભાવેશ રોજીયાને શૌર્ય ચંદ્રક દ્વારા સન્માનીત કર્યા હતા.
ભાવેશ રોજીયાની મહેનત અને સોંપવામાં આવેલા ટાસ્કને પાર પાડવાની તૈયારીથી આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલ ખાસ્સા પ્રભાવિત થયા એટલે જ્યારે હિમાંશુ શુકલ ખેડાના એસપી હતા ત્યારથી ભાવેશ રોજીયા તેમની ટીમનો હિસ્સો બન્યા. હિમાંશુ શુકલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે આવ્યા ત્યાર પછી ભાવેશ રોજીયા પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આવ્યા. ક્રાઈમ બ્રાન્ચમાં તેમણે પોલીસ સબ ઈન્સપેકટર અને બઢતી મળ્યા પછી ઈન્સપેકટર તરીકે પણ ફરજ બજાવી. આ દરમિયાન તેમણે અનેક મોટા ઓપરેશન પાર પાડયા. ચહેરા ઉપરથી મૃદુ લાગતા ભાવેશ રોજીયાની ખાસીયત છે કે ગુનેગાર હોય કે ગુનાખોરી સ્થિતિ ક્ષણમાં પારખી લેવાની તેમની આવડત છે. તેમની જમણા હાથે કરેલુ કામ ડાબા હાથથી ગુપ્ત રાખવાની ક્ષમતાને કારણે અનેક અધિકારીઓના વિશ્વાસુ રહ્યા છે.
હિમાંશુ શુકલ સાથે તેમણે ગુજરાત એટીએસમાં પણ કામ કર્યું અને ગુજરાતના ઈતિહાસમાં કોઈ અધિકારીએ એકલા હાથે ઝડપ્યું ના હોય એટલું 3500 કરોડનું નાર્કોટિક્સ ભાવેશ રોજીયાએ પકડ્યું છે. હાલમાં એટીએસના ડીઆઈજી દિપેન ભદ્રનના પણ તેઓ વિશ્વાસુ અધિકારી રહ્યા છે. આમ હમણાં સુધીની ભાવેશ રોજીયાની સફર રોમાંચક રહી છે. ગૃહ વિભાગના આદેશ બાદ હવે એટીએસમાંથી તેમની બદલી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂંક આપવામાં આવી છે, ગુજરાત એટીએસમાં તેમના સ્થાને એસ એલ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે.
મૂળ બનાસકાંઠાના વતની એસ એલ ચૌધરીનો કોલેજનો અભ્યાસ અમદાવાદની એચ કે કોલેજમાંથી થયો છે, ખેડૂત પરિવારમાંથી આવેલા એસ એલ ચૌધરીએ અનુસ્નાતક થયા પછી શિક્ષક તરીકે નોકરી શરૂઆત કરી પરંતુ 2001માં પીએસઆઈની ભરતીમાં પરિક્ષા પાસ કરી તેઓ ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા હતા. ગુજરાતની સાહિત્યની સારી જાણકારી સાથે સાહિત્યકારો સાથે મિત્રતા રાખવાનો તેમનો શોખ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ક્રાઈમ સબ ઈન્સપેકટર અને ઈન્સપેકટર તરીકે તેઓ કામ કરી ચુકયા છે. હાલમાં તેઓ ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના નાર્કોટિક્સ સેલમાં ડીવાયએસપી તરીકે કાર્યરત હતા. હવે તેઓ ભાવેશ રોજીયાના સ્થાને એટીએસમાં આવ્યા છે.








