નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (GTU)માં પ્રથમ વખત કુલપતિ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ગુજરાત યુનિવર્સીટીના સ્થાપના દિને પ્રથમ વખત મહિલા કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની વરણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત યુનિવર્સીટી બાદ GTUમાં પણ કુલપતિ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે. GTUની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 7 કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે GTUના આઠમાં કુલપતિ (Chancellor) તરીકે ડૉ. રાજુલ ગજ્જરની (Dr Rajul Gajjar) નિમણૂક કરવામાં આવી છે.
ડૉ. રાજુલ ગજ્જર એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. અગાઉ તેમણે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચુક્યા છે. સાથે જ એપ્લાઈડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પણ રહી ચુક્યા છે. તેમણે 31 ઓક્ટોબરે નિવૃત્ત થવાના હતા, પરંતું તે પહેલા જ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ડૉ. રાજુલ ગુજ્જર અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઈન્ચાર્જ કુલપતિ રહી ચુક્યા છે. ડૉ. રાજુલ ગજ્જરે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તે જ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. તેમણે સરકારના આ ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ પણ કુશળતાપૂર્વક પાર પડ્યા હતા, જેથી ઘીમે-ધીમે તેમના હોદ્દામાં બઢતી થતી ગઈ અને તેમણે કમિશન ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. ડૉ. રાજુલ ગજ્જર હાલ એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. તેમણે છેલ્લા 38 વર્ષથી એન્જિનિયરિંગ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે ચાર પુસ્તકો લખ્યા છે અને 3 પેટન્ટ પ્રકાશિત કર્યા છે.
અત્યાર સુધીમાં GTUમાં કુલ 8 કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. જેમાંથી પ્રથમ વખત મહિલાને સ્થાન મળ્યું છે. GTUના પ્રથમ ઇન્ચાર્જ કુલપતિ એ. બી. પંચાલ 31-12-2007થી 6-02- 2008 સુધી રહ્યા હતા. ત્યાર બાદ ઈન્ચાર્જ કુલપતિ મનીષ ભારદ્વાજ 07-02-2008થી 01-03-2009 સુઘી રહ્યા હતા, ઈન્ચાર્જ કુલપતિ ડો. એમ. એન. પટેલ 02-03-2009થી 09-04-2010 સુધી રહ્યા, રેગ્યુલર કુલપતિ આકાશ અગ્રવાલ 10-04-2010થી 07-06-2016 રહ્યા, ઈન્ચાર્જ કુલપતિ રાજુલ ગજ્જર 08-06-2016થી 30-12-2016 સુધી રહ્યા, રેગ્યુલર કુલપતિ નવીન શેઠ 31-12-2016થી 30-12-2022 રહ્યા, ઈન્ચાર્જ કુલપતિ પંકાજરાય પટેલ 31-12-2022 સુધી રહ્યા અને આજે આઠમાં કુલપતિ તરીકે ડૉ. રાજુલ ગજ્જરની નિમણૂક કરવામાં આવી છે.








