હું અહિયા જે પિતાના સંદર્ભમાં વાત કરવા જઈ રહ્યો છુ, તેવા પિતાઓ આ દેશમાં કરોડો છે,જેઓ અનેક અભાવ વચ્ચેથી પસાર થયા છે, જેમની પાસે ઈશ્વરે આપેલુ અનેક ઘણુ છે તેવા પિતાની હું વાત કરતો નથી,જો કે જે પિતાના જન્મ પહેલા તેમની પાસે ઘણુ બધુ હતુ અથવા છે તે પિતા પણ એક પિતા તરીકે ઉત્તમ જ છે, પરંતુ આ આપણા દેશમાં આવા સદ્દનસીબ પિતાની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેવી હોય છે, મોટા ભાગના પિતાઓના મનમાં સતત એક વેદના હોય છે કે જે મનોદશામાંથી હું પસાર થયો તેવી મનોદશામાં મારૂ સંતાન કયારેય પસાર થાય નહીં, પોતાને પડેલી અગવડો, સામાન્ય માણસ હોવાને કારણે અનેક વખત સહન કરવા પડેલા અપમાનો, અનેક વખત મારી નાખેલી પોતાની ઈચ્છાઓ, આવતીકાલની ચીંતામાં આજની આપેલી બલી વગેરે વગેરે.
આપણે ત્યાં કાયમ એક માતા પોતાના સંતાનો માટે શુ કરે છે તેની જ ચર્ચા હોય છે આપણે કયારેય પિતાની ચર્ચા કરતા નથી સ્ત્રી બાળકને જન્મ આપે છે, એક શરિરમાંથી બીજા શરિરનું સર્જન કરવુ તે પારાવાર વેદનામાંથી સ્ત્રી પસાર થઈ એક સંતાનને જન્મ આપે છે એટલે જ સ્ત્રી પોતાના સંતાનને મારો ટુકડો તેવુ કહે છે તેમા ખોટુ કઈ નથી પરંતુ સંતાનના જન્મ પછી સંતાનને સુખી જોવા માટે એક પિતા કદાચ રોજ પ્રસુતી જેવી માનસીક વેદનામાંથી પસાર થાય છે, પણ આ વેદનાનો ખુદ પિતાને કયારેય અંદાજ આવતો નથી, એટલે આપણે કયારેય પિતાની વેદનાની વાત કરતા નથી, પોતાના સંતાનના સુખ માટે તે તુટેલી ચપ્પલ પહેરે,બસમાં ફરે અથવા જુના પુરાણુ સ્કુટર હજી સારૂ જ છે તેવુ કહી પોતાને સંભાળી લે છે, દિવાળીમાં પણ જુુના કપડાંમાં ઉજવે, પોતાના માટે પૈસાનો ખર્ચ કરશે તો સંતાનને અન્યાય થશે તેવા છુપા દોષીતપણામાં તે ક્રમશ પોતાને ભુલતો જાય છે, સતત આવી માનસીક પ્રક્રિયા પછી તેને પોતાને પણ યાદ રહેતુ નથી તે શુ ગમે છે, તે પિતા બધી સ્થિતિમાં પોતાને ગોઠવતો જાય છે .
બાળક નાનું હોય ત્યારે એક પિતા પોતાના બાળકને અનેક વખત ખભે બેસાડી ફરે છે, આવા દર્શ્ય તમે બગીચાઓ, મેળામાં અને રસ્તા ઉપર જોયા હશે, આવુ એક પિતા શુ કામ કરતો હશે તેવુ મેં પોતે પણ એક સંતાન તરીકે અને પિતા તરીકે પણ વિચાર કર્યો ન્હોતો,મને લાગે છે પિતા જયારે પોતાના સંતાનને પોતાના ખભા ઉપર બેસાડે છે,ત્યારે એક સંતાનને પિતા જોવે છે તેની કરતા ઉપર અને પિતાની નજર પહોંચે તેના કરતા વધુ દુરનું દેખાય છે, પિતા પોતાના દિકરાને ખભે બેસાડી એવી દુનિયા દેખાડવા માગે છે જે દુનિયા તે પોતે જોવા માગતો હતો પણ પરિસ્થિતિવશ તે પોતાની સ્વપ્નની દુનિયા જોઈ શકયો નહીં તે દુનિયા પોતાનું સંતાન જોઈ શકે તે માટે સંતાનને ખભા ઉપર બેસાડી તેને એક ઉંચાઈએથી દુનિયા બતાડે છે.
બાળક જયારે પહેલી વખત પા પા ડગલી માંડતુ થાય છે ત્યારે મા કરતા પિતાને અધિક આનંદ થાય છે પિતા માને છે કે હવે તેની સાથે કઠોર સ્થિતિમાં ડગ માંડનાર એક સાથે આવી ગયો છે, તે સંતાનને આંગળી પકડી એટલે ચલાવે છે રખેને તેને ઠેંસ વાગે અને તે પડી જાય નહીં, તે ખભા ઉપર બેસાડી નવી દુનિયા સર કરવાનું સ્વપ્ન બતાડે છે, માતા બાળકને જન્મ આપવા નવ મહિના યાતના સહન કરે છે, પણ એક પિતા સંતાનને પોતાના કરતા પણ મોટો બનાવવા જીવનના બે અઢી દાયકા આપે છે, પણ મઝાની વાત એવી છે આ બધુ કરવામાં તેને કંટાળો, થાક લાગતો નથી અને પોતે કઈક મહાન કામ કરે છે તેવા ભારથી તે સહજ રીતે પોતાને દુર રાખવામાં સફળ રહે છે આ સંતાન જયારે પિતાના ખભાની સમકક્ષ આવી જાય છે ત્યારે સ્થિતિ બદલાય છે.
મેં પણ સાંભળ્યુ છે અને તમે પણ સાંભળ્યુ હશે કદાચ આપણા બધાના ઘરમાં આ સંવાદ તમે સાંભળ્યો હશે પણ તમે તે તરફ ખાસ ધ્યાન આપ્યુ નથી, પિતાને સમકક્ષ થઈ ગયેલો દિકરા અથવા દિકરી પોતાની માતા અને પિતાને બહુ જ સહજતાથી કહે છે તમને કઈ ખબર પડતી નથી, મોટા ભાગે વાત પણ સાચી છે, જે વાતની સંતાનને ખબર પડે છે તેના માતા પિતાને ખબર પડતી નથી,, પણ સંતાનને સમજદાર બનાવવા માટે તેને માનસીક સક્ષમ બનાવવા માટે પિતા માત્ર આર્થિક જ નહીં પણ જેનો પૈસામાં હિસાબ માંડી શકાય નહીં તેવી જીંદગી ખર્ચી નાખે છે તે પિતાને જયારે સંતાન કહે છે કે તમને ખબર પડતી નથી, ત્યારે તેના માટે આ મોટો માનસીક આધાત હોય છે, કદાચ એક પિતા પોતાના સંતાન જેટલુ ભણ્યો નથી, પિતા વર્તમાન દુનિયા સાથે તાલમેલ મીલાવી શકતો નથી, આ બધુ જ સાચુ હોવા છતાં તમને ખબર પડે નહીં તેવુ સંતાન જયારે કહે છે ત્યારે એક પિતાની સ્થિતિ દરિયા કિનારે માટીનું ઘર બનાવી ખુશ થઈ રહેલા બાળક જેવી હોય છે અચાનક દરિયાની એક લહેર આવી સુંદર મઝાનું રેતીના ઘર વિખેરી નાખે છે.