Wednesday, December 11, 2024
HomeGujaratબા હંમેશા પાણિયારે દીવો કરીને પાલવમાં હાથ જોડીને ગિરનારની માફી માગતી રહેતી!

બા હંમેશા પાણિયારે દીવો કરીને પાલવમાં હાથ જોડીને ગિરનારની માફી માગતી રહેતી!

- Advertisement -

ગિરનાર સાથે સીધો સંબંધ એ છે કે, મારા જન્મનું કારણ ગિરનાર છે. બા કહેતી કે એ સાસરિયે આવી એ પછીના પાંચ વરસેય સંતાન નહોતું થતું ત્યારે પાણિયારે દીવો કરીને સાડીના પાલવનો ખોળો બનાવી એણે માનતા માનેલી, ‘હે ગિરનાર, હે દત્તબાવા, મને સંતાન દે. સંતાન થશે તો એને હું તારી ટુંક સુધી તારા ધુણાએ પહોંચાડીશ.’ એ પછી મારો જન્મ. મારી બા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી એને ગિરનારનો વિશિષ્ટ લગાવ. બાર વર્ષની ઉંમરે એ ગિરનારની ત્રણ દિવસની પ્રદક્ષિણા કરી આવેલી. જેને ‘લીલી પરકમ્મા’ કે ‘લીલી પરિક્રમા’ કહેવાય છે. બસ પછી તો દિવસો પર દિવસો પસાર થઈ ગયા અને મારું તેવીસમું વર્ષ પુરું થવા આવ્યું પણ ગિરનાર સુધી પહોંચાતું નહોતું. બા હંમેશા કહેતી કે ‘અંજળ હશે ત્યારે જવાશે. ગિરનારી હુકમ કરશે ત્યારે ટુંક પર પહોંચાશે!’ ગિરનાર ચઢવાના અંજળ તો નહોતા આવ્યા પણ બે વખત ગિરનારની પ્રદક્ષિણા કરી લીધેલી. બા હંમેશા પાણિયારે દીવો કરીને પાલવમાં હાથ જોડીને ગિરનારની માફી માગતી રહેતી.

અચાનક ગ્રહ નક્ષત્ર ફર્યા કે શું! મિત્રો ગિરનાર જવા ઉપડ્યા અને મને સંગાથે લીધો. અત્યાર સુધી જે અંજળ નહોતા આવ્યા એ આ ‘કલાક’માં આવી ગયા. તાત્કાલિક ગામડે બાને ફોન કરી દીધો કે મને ગિરનાર બોલાવે છે. એનો રાજીપો મને ફોનમાંય છલકાતો અનુભવાયો. ત્યાં ઘરે બેઠાં બેઠાં એણે ગિરનારના ઓવારણા લઈ લીધા. વિજયગીરી બાવા, મયુરસિંહ સોલંકી, મેહુલ સોલંકી અને પાર્થ તારપરા સાથે સંઘ નીકળી પડ્યો. વહેલી સવારે સાડાચાર આસપાસ બા-બાપુજીને ફોન કરી ગિરનાર ચઢવાનું શરું કર્યું. સાતસો પગથિયા ચઢ્યા હોઈશું અને મિત્ર વિજયગીરીની તબિયત સહેજ લથડી. મનમાં એક થડકાર પેસી ગયો. અમને લોકોને આગળ વધતા રહેવાનું કહી એ બેસી પડ્યો અમે બધા પણ બેસી રહ્યા. ‘જઈશું તો બધા સાથે, નહીંતર સાથે જ પાછા વળી જઈશું’ પાર્થ જ્યારે આવું બોલતો હતો ત્યારે કોઈક જંગ પર હોઈએ કે સમંદર ખેડવા નીકળેલા મછવારાનું વહાણ ડૂબતું હોય એવો ભ્રમ થયો.

- Advertisement -

અંધારામાં હું ગિરનારને અને એની ટુંકને ફંફોસતો રહ્યો. જંગલમાં નિરવ શાંતિ હતી. મારા મનમાં ફફડાટ હતો કે, ખરેખર આજે છેક અહીંયા આવ્યા પછી પણ અંજળ નહીં આવ્યા હોય! મારા દાદા હંમેશા એવું બોલે કે ‘તમારું આવવું નો આવવું એ કહેણ ગિરનાર મોકલે’ તો ખરેખર ગિરનારે આજે મને કહેણ નથી મોકલ્યું! એવો વિચાર મનમાં ઘુમરાયા કરતો હતો. વિજયગીરી માટે પાણીની બોટલ લેવા અંધારું ઉલેચતો પગથિયા ઉતરતો હતો ત્યારે સ્હેજ મન ભરાઈ આવ્યું. આંખે થોડું પાણી બાઝી ગયું. થયું કે બાને ફોન કરીને કહી દઉં કે ગિરનાર નથી ચઢવાનો. અત્યારે એ વહેલી સવારની ભેંસ દોહતી હશે. એના હાથમાં પકડેલા તાંબા પિત્તળનાં બોઘડામાં દૂધની શેડ થતી હશે પણ મનમાં તો હરખાતી હરખાતી એ ગિરનારના પગથિયા ગણતી હશે કે, મારો રામ આટલા પગથિયા ચઢી ગયો હશે. વિજયગીરીને પાણીની બોટલ આપી. એણે પાણી પીધું અને પંદર મિનીટ પછી બધાના આશ્ચર્ય વચ્ચે એ ઊભા થઈને બોલ્યા, “ચલો, બધા ગિરનાર ચઢો!” હું આભો બનીને એની સ્વસ્થતા જોઈ રહ્યો અને એ મક્કમ પગલાં ગિરનારના દેહ પર મુકી ચાલવા લાગ્યા.

હવે તો ઝૂંડમાંથી છૂટીને હરણનું બચ્ચું દોડે એમ હું ગિરનારની છાતી પર દોડવા લાગ્યો. સવાર ઉઘડતી ગઈ અને ગિરનાર કોઈ જુગજૂના જોગી જેવો ધીમે ધીમે અમારી સામે આળસ મરડીને ઊભો થયો. લીલા રંગના ધોતી-ખેસ ઓઢીને કોઈ અઘોરી સમાધિમાં લાગેલો હોય એવો ગિરનાર ધીમે ધીમે હોંકારા આપતો સંભળાયો. એક એક પગથિયે શરીરમાં જાણે નવી નવી ચેતના કૂંપળની જેમ ફૂટવા લાગી. જેમ જેમ હું પગથિયા ચઢતો હતો એમ એમ હું જાણે કે નાનો બનતો જતો હતો. સાવ પાંચેક વર્ષનો રામ. રાત્રે જમીને દાદાના ખાટલે સૂતો હોંઉ. દાદા મારી પીઠ પર એમના ખરબચડા હાથ પસવારતા જાય અને ગિરનારની વાતો કરતા જાય.

“પછી તો દેવતાઓ મુંઝાણા કે ભઈ આ ગિરનારને મોટી મોટી પાંખો સે અને ઈ તો મન ફાવે ન્યાં બેહી જાય છે… પશી ભરમા(બ્રહ્મા)એ સસતર(શસ્ત્ર) ફેક્યું અને ધરતી માથે મોટી ભ્રમખાઈ(બ્રહ્મખાઈ) પડી ગઈ. સપતરશી(સપ્તર્ષી) મુંઝાણા કે યગન(યજ્ઞ) કરવા ભ્રમખાઈની ઓલી સાઈડ કેમ જાવું? ગિરનારને હાથ જોડીને વિનંતી કરી કે, એ ગિરનાર, ભ્રમખાઈ પૂરી દ્યો. ગિરનાર ઉડતો આયવો અને ભ્રમખાઈમાં બેહી ગ્યો. સપતરશી ગિરનાર ચડીને ઓલી પા વીયા ગ્યા તાં ઈન્દ્રદેવે આવીને ગિરનારની પાંખો કાપી નાખી. પારવતીને ચડી દાઝ કે, મારા ભાઈની પાંખો કાપી! દેવતાઓએ શાંત પાડ્યા અને તેત્રી(તેત્રીસ) કરોડ દેવીદેવતા ગિરનાર પર જઈને વશ્યા(વસ્યા). પારવતી કે(કહે) મને તમારા કોઈ પર ભરોસો નથ અટલે ઈ ખુદ અંબા બનીને ગિરનારની માથે બેઠાં.’’

- Advertisement -

પાંચ હજાર પગથિયા ચઢીને અંબાજી મંદિરે પહોંચ્યા ત્યાં સુધીમાં દાદાનો અવાજ મોટા મોટા વૃક્ષોમાંથી, ઊંડી ઊંડી ખીણોમાંથી, ધોળાં વાદળાઓના ટોળાંમાંથી અને મોટા મોટા તોતિંગ પથ્થરોમાંથી પડઘાઈ પડઘાઈને સંભળાતો હતો.

“અને પશી એ રીતે અંબાજીમાતા ગિરનાર પર બિરાજી ને ટુંક પર ત્રણ દેવ દત્તાત્રેય બનીને બેઠાં.” અંબાજીએ દર્શન કરી આગળની ટુંક તરફ નજર કરી. પાંચ હજાર પગથિયા ચઢ્યા ત્યાં સુધીમાં દિવસ સંપૂર્ણ ઊગી ચૂક્યો હતો. વાદળાં ઉપર આવ્યાં હતાં. ધીમો ધીમો ઠંડો પવન વાઈ રહ્યો હતો. વાતાવરણમાં ભીની ભીની લીલી સુગંધ આવતી હતી. પાંચ હજાર પગથિયામાં અનેક જૈન મંદિર અને બીજા મંદિર હોવાથી લોકોની ચહલ પહલ રહેતી હતી, પણ અંબાજી પછીના પાંચ હજાર પગથિયા પછી તો વાતવારણમાં માત્ર વાણિયા(અહીં તીડ સમજવા), ભમરાઓ અને પીછોળિયાં જેવા જીવડાઓ જ ઉડતા દેખાતાં હતાં. અંબાજી પછી ગોરખનાથની ટુંક સુધી એ લોકોનો સથવારો રહે છે.

ગોરખનાથ એ ગિરનારની સૌથી ઊંચામાં ઊંચી ટુંક છે જ્યાં ગુરુ ગોરખનાથનો ધુણો છે. ત્યાંથી નીચે જગતને જોવું એ ખરેખર શબ્દમાં ન વર્ણવી શકાય એવો લ્હાવો છે. લાકડીથી વાદળને હટાવીને રસ્તો કરવો પડે એ રીતે વાદળા રસ્તો રોકીને બેઠાં હતાં. એક ઊંડો શ્વાસ લઈને આ હવાને, આ તાજગીને શ્વાસમાં ભરી શકાય એટલાં ભરી લેવાનો પ્રયત્ન કર્યો. નાનો હતો ત્યારે અજવાળી બીજના રામદેવના પાટમાં આખી આખી રાત ચાલતાં ભજનમાં ગોરખનાથના ભજનો સાંભળેલાં એ બધા ભજનો, મંજીરા અને તબલાનો નાદ સંભળાતો રહ્યો અને ગોરખનાથની ટુંક ઉતરી, આગળ દત્તાત્રેયની ટુંકે જવા નીકળ્યા. પગ ધીમા પડી ગયા, કેમકે ગિરનાર પોતાના અસ્સલ મિજાજમાં ઊભો હતો. જેમ જેમ દત્તાત્રેયની ટુંક નજીક આવે એમ એમ અનુભવાય કે, ગિરનાર પોતાના બે લાંબા જુગજૂના હાથને ફેલાવીને તમને છાતી વળગાડી રહ્યો છે.

- Advertisement -

પથ્થરોની મોટી મોટી કોતરોની ધારમાંથી પાણી નીકળતું હતું. તડકાના અજવાસમાં સફેદ પોલાં વાદળોની ચાદર ઉતારતો ગિરનાર આળસ મરડતો જાણે તમને કહી રહ્યો હોય, “અલખ નિરંજન”. દત્તાત્રેયની ટુંક નીચે પહોંચ્યા ત્યારે આજુબાજુ ખીણમાંથી સફેદ વાદળાના ઝૂંડ બહાર નીકળતાં હતાં. એક ક્ષણ તો એવું લાગ્યું કે, કોઈ ધુણામાંથી ભસ્મની સેર ઊડી રહી છે અને ગિરનારે આંખો ખોલી. હું અમારા ગ્રૂપથી આગળ નીકળીને દત્તાત્રેયની ટુંક ચઢવા લાગ્યો. જેમ જેમ દત્તાત્રેયની નાનકડી દેરી પાસે પહોંચી રહ્યો હતો એમ એમ ઝાકળથી શરીર ભીનું થઈ રહ્યું હતું. દસ હજારમાં એ પગથિયે પહોંચીને નીચે બેસી ગયો. આંખો બંધ કરીને કેસરી રંગે રંગાયેલી દીવાલને ટેકો આપી હાંફી રહ્યો હતો. એવું લાગતું હતું કે, મારી સાથે બા, બાપુ ને આખું ઘર દત્તના દેરા સુધી પહોંચી ગયું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular