નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: ગત વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસ છોડી ભાજપ (BJP)માં સામેલ થઈ ધારાસભ્ય બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ (Arrest Warrant) કર્યું છે. કોર્ટે પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan Samiti) સમયની સભામાં આચારસંહિતા ભંગ બદલ થયેલા કેસમાં હાર્દિક પટેલ હાજર નહીં રહેતા હોય કોર્ટે આ કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલ દ્વારા ધ્રાંગધ્રા (Dhrangadhra)ના હરિપર ગામ ખાતે એક સભા યોજવામાં આવી હતી. સબા દરમિયાન આચારસંહિતાનો ભંગ થયો હોય હાર્દિક પટેલ વિરૂધ્ધ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાનો મામલો ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલતો હોય કોર્ટ દ્વારા સુનાવણ માટે મુદત નિયત કરી હતી. પંરતુ હાર્દિક પટેલ મુદત પર હાજર નહીં રહેતા કોર્ટે હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.

મહત્વની વાત છે કે, તાજેતરમાં જ હાર્દિકને વર્ષ 2017ના ગુનાના કેસમાં જામનગર (Jamnagar)ની કોર્ટે નિર્દોષ છોડાવનો હુકમ કર્યો હતો. જેમાં 4 નવેમ્બર 2017ના રોજ પાસના કન્વિનર હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર ધુળશીયા ગામ ખાતે એક સભાનું આયોજન કર્યું હતું. આ સભાના મંચ પરથી આપવામાં આવેલા વિવાદાસ્પદ ભાષણોને કારણે 12 જાન્યુઆરી 2018ના રોજ જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિડીયોગ્રાફીના આધારે જી.પી. એક્ટની કલમ 36(3) તેમજ 12(2) અને કલમ 134 હેઠળ ગુનો (Case) નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનવણીમાં કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ વિરૂધ્ધ કેટલાક ગુના પેન્ડીંગ પડેલા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનથી નેતા બની કોંગ્રેસના રાજકારણમાં સક્રિય થયેલા હાર્દિકે ગત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો કેસરીયો ધારણ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાય હતા. બાદમાં તેઓ ભાજપના મેન્ડેટથી વિરમગામ વિધાનસબા બેઠક પર ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ધારાસભ્ય હાર્દિક પટેલ વિરૂધ્ધ ધ્રાંગધ્રા કોર્ટના ધરપકડ વોરંટના આધારે તેમની ધરપકડ થાય છે કેમ ?








