નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ Union Public Service Commission (UPSC)ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં અનેક સફળ ઉમેદવારોની પ્રેરણાદાયક કહાણીઓ સામે આવી રહી છે. એવી જ એક કહાણી દિલ્હી પોલીસમાં ફરજ બજાવતી ACP અપુર્વા વર્માની છે. તેમણે પોતાની પોલીસ ફરજ સાથે તૈયારી કરીને UPSC પરીક્ષામાં 42મી રેન્ક મેળવી ટોપ-50માં સ્થાન મેળવ્યું છે.
અપુર્વા વર્માએ એક મીડિયાને જણાવ્યું કે નોકરી સાથે UPSC જેવી કઠિન પરીક્ષાની તૈયારી કરવી સરળ નહોતી, પરંતુ સતત મહેનત અને પરિવારના સહકારથી તેઓ આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં.
અપુર્વા વર્માએ સમાચાર એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ પ્રયાસ તેમના માટે ખાસ રહ્યો. તેમણે કહ્યું કે ફરજ બજાવતા બજાવતા પરીક્ષા પાસ કરવી તેમના માટે ગર્વની બાબત છે.
તેમણે જણાવ્યું કે દિલ્હી પોલીસ વિભાગે પણ અભ્યાસ માટે રજા આપી અને તૈયારીમાં સહયોગ આપ્યો. તેમના પતિ પણ સિવિલ સર્વિસમાં કાર્યરત છે અને તેમણે પણ અપુર્વાને તૈયારી દરમિયાન ખૂબ સહકાર આપ્યો હતો.
દાદા અને નાનાથી મળી પ્રેરણા
અપુર્વાએ જણાવ્યું કે તેમના જીવનમાં દાદા અને નાનાનો ખાસ પ્રભાવ રહ્યો છે. બંને પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવાથી બાળપણથી જ શિક્ષણ પ્રત્યે સન્માન અને મહેનત કરવાની પ્રેરણા મળી.
પરિવારમાં અભ્યાસને મહત્વ આપવામાં આવતું હોવાથી તેમણે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં પ્રયાસ કરવાનો નિર્ણય લીધો.
બિહારના ચંપારણની વતની
અપુર્વા વર્મા બિહારના ચંપારણ જિલ્લાના નરકટિયાગંજ વિસ્તારની વતની છે. તેમના દાદા ટી.પી. વર્મા કોલેજમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમના પિતા સિવિલ એન્જિનિયર છે.
બાળપણનો સમય ચંપારણમાં વિતાવ્યા બાદ તેમના પિતા બોકારો સ્ટીલ પ્લાન્ટમાં જોડાતા પરિવાર બોકારો શિફ્ટ થયો હતો અને તેમની આગળની શિક્ષણયાત્રા ત્યાંથી આગળ વધી.
અપુર્વાએ એક મીડિયાને જણાવ્યું કે ચંપારણ વિસ્તારમાં આજે પણ શિક્ષણ સંબંધિત ઘણી સમસ્યાઓ છે અને ત્યાંના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.








