કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):‘વિશ્વએ તિબેટ તરફ પીઠ ફેરવી લીધી હતી. સૌથી દુઃખદ બાબત એ હતી કે અમારા સૌથી નજીકના પાડોશી અને ધર્મના કેન્દ્ર ભારતે ચુપચાપ તિબેટ પર ચીનના દાવાનો સ્વીકાર કરી લીધો હતો. એપ્રિલ 1954માં નેહરુએ ચીનના સાથે એક નવી ચીન-ભારત સંધિ પર હસ્તાક્ષર કરી લીધા, જેમાં ‘પંચશીલ’ નામની આચારસંહિતા હતી. જે અંતર્ગત એ નિર્ધારીત થયું કે ભારત તથા ચીન કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાના ‘આંતરિક’ મુદ્દામાં દખલ કરશે નહીં. આ સંધિ અનુસાર તિબેટ ચીનનો એક ભાગ હતો. વર્ષ 1955ના ઉનાળામાં નિશ્ચિત રૂપે મારા પોતાનું તિબેટી શાસન તથા ચીની અધિકારીઓની વચ્ચે અસમંજસના સહઅસ્તિત્વનો સૌથી શ્રેષ્ઠ સમય હતો.’ તિબેટ વિશે આ લખનારા છે વર્તમાન દલાઈ લામા. તેઓ 1940થી તિબેટના સર્વોપરી આધ્યાત્મિક ગુરુ તરીકે છે અને તેમનું મૂળ નામ તેનજીન ગ્યાત્સો છે. તેમના પુસ્તકની હિંદી આવૃત્તિ ‘મેરા દેશ નિકાલા’માં તેમને પોતાના સ્વદેશ તિબેટમાંથી કેવી રીતે નીકળી જવું પડ્યું તેની કહાની છે. આ પુસ્તકમાં અનેક બાબતો તેમણે ટાંકી છે, પણ અહીંયા આગળ ‘નેહરુ કા ઇન્કાર’ નામના પ્રકરણમાંથી ફકરો ટાંક્યો છે. ભારતમાં કાયમ માટે રાજ્યાશ્રય મેળવતા પહેલાં તેમની સામેના પડકારોની વાત તેમણે કરી છે. હાલમાં જ્યારે વર્તમાન દલાઈ લામા તેમના ઉત્તરાધિકારીની નિમવા જઈ રહ્યા છે ત્યારે તેમનાં જીવનના મહત્ત્વના આ દિવસોની કહાની જાણવા જેવી છે.

આગળ તેઓ આ પ્રકરણમાં ચીની અધિકારીઓ કેવી રીતે કાર્યવાહી કરવા લાગ્યા તેની વિગત મૂકી છે. તેઓ લખે છે : ‘ઘર, જમીન અને ઢોરઢાંખર પર નવા કર લગાવવામાં આવ્યા અને એટલું જ નહીં, પરંતુ મઠો પર કર નાંખવામાં આવ્યા. મોટા જમીનદારોને પોતાના તરફી કરવા માટે ચીની અધિકારીઓ પ્રયાસ કરવા લાગ્યા. જમીનના માલિકોને ‘પ્રજા વિરુદ્ધ ગુના’ના આરોપ હેઠળ જાહેરમાં અત્યાચાર ગુજારવામાં આવ્યા. હું આ સાંભળીને દંગ રહી ગયો અને કેટલાંકને તો મોતના ઘાટ ઉતારવામાં આવ્યા. આ રીતે ચીની અધિકારીઓએ રોજબરોજનું કમાવીને ગુજરાન કરનારાઓને લાખો ખેડૂતોની ધરપકડ શરૂ કરી. આ નવા માલિકો[ચીની અધિકારીઓ]ના દૃષ્ટિથી રોજનું કમાવીને ગુજરાન જીવવું તે બર્બરતાની નિશાની હતી.’

દલાઈ લામા તેમની લાંબી કહાનીમાં ભારત આવવાની વાત લખે છે અને અહીંયા આવીને તેમના અનુભવો પણ વર્ણવે છે. તેઓ એક સ્થાને નેહરુ વિશેના પોતાની નિરીક્ષણ લખે છે : ‘નેહરુથી હું ઘણી વખત મળી ચૂક્યો હતો. તેઓની ઊંચાઈ ખાસ્સી હતી, અને તેઓ સુંદર હતા. ‘ઉત્તરી’ ક્ષેત્રનું નાક-નકશા ધરાવતા હતા અને માથે ગાંધી ટોપી. માઓના મુકાબલે તેમનામાં ઓછો આત્મવિશ્વાસ હોય તેવું અનુભવતું હતું. પરંતુ તેમના વ્યવહારમાં સરમુખત્યારપણું જરાસરખું પણ નહોતું. તેઓ દેખાવે પ્રામાણિક લાગતા હતા. જ્યારે પ્રથમ વાર અમારી મુલાકાત થઈ, તો મેં ખૂબ વિસ્તારથી કહ્યું કે ચીનીઓએ અમારા શાન્તિપ્રિય જમીન પર આક્રમણ કર્યું છે. આવા દુશ્મનો સાથે લડવાની શક્તિ અમારા દેશ પાસે નથી અને મને જેવું જ્ઞાન લાદ્યુ કે વિશ્વનો કોઈ દેશ અમારી સ્વાધીનતાના ન્યાયપૂર્ણ દાવાને સ્વીકાર કરવા માટે તૈયા નથી, તે સમયથી હું ચીનીઓ દ્વારા આવનારા મોટી મુશ્કેલીઓને સહન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પહેલાં તો તેઓ મારી વાત નમ્રતાથી સાંભળતા રહ્યા. પરંતુ મારી વાત જરા લાંબી હતી, તેથી તેમનું ધ્યાન હટ્યું અને એવું લાગ્યું જાણે તેમને ઊંઘ આવવા લાગી હોય. અંતે તેમણે મને કહ્યું કે હું તમારી વાત સાંભળી ચૂક્યો છું અને કહ્યું કે, ‘તમારે એ સમજવું જોઈએ કે ભારત તમારી મદદ નહીં કરી શકે.’ તેઓ ખૂબ સ્પષ્ટ અને સરસ રીતે અંગ્રેજી બોલી રહ્યા હતા. મારા માટે આ ખરાબ સમચાર હતા. પરંતુ અનઅપેક્ષિત નહોતા. જોકે નેહરૂજીએ આ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હોવા છતાં હું તેમને કહેતો રહ્યો કે હું ભારતમાં શરણ લેવા વિશે વિચારી રહ્યો છું. તે વિશે તેમણે કહ્યું કે : ‘તમારે પોતાના દેશમાં પાછું જતું રહેવું જોઈએ અને સત્રહસૂત્રી ‘અનુબંધ’ કરાર અનુસાર કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ’ મેં તેનો વિરોધ કરતા કહ્યું કે હું તે વિશેના દરેક પ્રયાસ કરી ચૂક્યો છું. અને દરેક વખતે મેં વિચાર્યું કે તેમની સાથે વિશ્વાસનું વાતાવરણ બની ચૂક્યું છે ત્યારે મારી સાથે તેમણે દગો કર્યો છે.’
આજે દલાઈ લામા ભારતમાં શરણ લઈ રહ્યા છે તેને દાયકાઓ વીતી ચૂક્યા છે અને તિબેટની સરકાર ભારતના ધર્મશાલા શહેરમાંથી કાર્યરત છે. અહીં દલાઈ લામા આવ્યા તે પહેલાંનો આ સંવાદ છે. તે વખતે ભારત-ચીનની નજદીકી હતી અને તેથી તિબેટને ભારત કોઈ પણ રીતે બાંયધરી ન આપી શક્યું. આગળ તેઓ નેહરુને કહે છે કે, ‘હવે પૂર્વી તિબેટની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે મને વ્યાપક હિંસાની શક્યતા નજરે ચઢે છે, જે અમારા રાષ્ટ્રને તહસનહસ કરી નાંખશે. આ સાંભળીને તેમણે ચીનના રાજકીય આગેવાન ચાઉ એન-લાઈ સાથે વાત કરવાનો દિલાસો આપ્યો. ચાઉ એન-લાઈ તે વખતે યુરોપ જતી વેળાએ દિલ્હીમાં થોડા દિવસ માટે રોકાયા હતા. નેહરુજીએ પોતાનું વચન પાળ્યું. બીજા દિવસે મને તેઓ પાલમ એરપોર્ટ પર લઈ ગયા અને તે જ સાંજે મારી મુલાકાત ચાઉ સાથે નક્કી કરાવી. મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમના અધિકારી કેવી રીતે પૂર્વી તિબેટમાં દુર્વ્યવહાર કરી રહ્યા છે. મેં તેમને એમ પણ કહ્યું કે ભારતીય સંસદ અને ચીની શાસન વ્યવસ્થામાં મને અંતર દેખાયું. ભારતમાં લોકો જેવું માને છે તેવી જ રીતે અભિવ્યક્ત થવાની અહીં આઝાદી છે. અને જરૂર પડે ત્યારે તેઓ સરકારની ટીકા પણ કરે છે. ચાઉ હંમેશાની જેમ મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યા.’ તે પછી ચાઉએ તેમને ભારતમાં નિવાસ ન કરવા માટે ચેતવણી આપી અને એમ પણ કહ્યું કે તિબેટમાં પહેલાંના કરતા હવે વાતાવરણ સુધરી ગયું છે.
જોકે ચીનના ચાઉ જે દાવા કર્યા હતા તે પ્રમાણેનું કોઈ વાતાવરણ તિબેટમાં નહોતું. દલાઈ લામાએ જે જોયું તે વાતાવરણ આ પ્રકારે હતું – જેનું તેમને વર્ણન કર્યું છે : ‘ચીની આક્રમણ પછી લ્હાસામાં ખૂબ પરિવર્તન આવી ચૂક્યું હતું. કમ્યુનિસ્ટ અધિકારીઓ અને તેમના પરિવારોના નિવાસ માટે એક પૂરો વિસ્તાર તૈયાર થઈ ચૂક્યો હતો. તેમાં આધુનિક ચીની નગરના તમામ સગવડ ઉપલબ્ધ હતી. તેમણે એક હોસ્પિટલ અને એક નવી સ્કૂલ પણ નિર્માણ કરાવી હતી. જોકે તેનો લાભ તિબેટીઓને નહોતો મળતો.’
તિબેટની સ્થિતિ એટલી બગડતી ગઈ કે આખરે દલાઈ લામાએ તિબેટ છોડી દેવાનું વિચાર્યું અને તેઓ પોતાના મહેલમાંથી નીકળી પડ્યા અને આખરે તેઓ ત્રણ અઠવાડિયે ભારતમાં સુરક્ષિત રીતે પહોંચ્યા. આ અનુભૂતિ તેમણે પોતાના શબ્દોમાં આ રીતે લખી છે : ‘આખરે અમે લ્હાસા છોડીને અહીંયા પહોંચ્યા. જોકે અમને લાગી રહ્યું કે એક યુગ પસાર થઈ ગયો. મારા જૂના સંપર્ક અધિકારી અને દુભાષિયા મિ. મેનને મારું સ્વાગત કર્યું. અને મને વડા પ્રધાન નેહરુનો તાર આપ્યો. તેમાં લખ્યું હતું : ‘તમે અને તમારા સહયોગી ભારત સુરક્ષિત પહોંચી ચૂક્યા છો તે માટે અમે તમારુ સ્વાગત કરીએ છીએ. અમને, તમારા અને તમારા પરિવાર તથા દોસ્તોને ભારતમાં નિવાસ માટે જરૂરી સગવડ પૂરી કરવામાં આનંદ થશે. ભારતના લોકો જેમના મનમાં તમારા માટે ઊંડો ભક્તિભાવ છે, તમને હંમેશા પારંપરિક સન્માન આપતી રહેશે. સદ્ભાવનાપૂર્વક -નેહરુ.’’
ભારત આવ્યા પછી પણ નેહરુ સાથેની દલાઈ લામાની મુલાકાતમાં ફરી ઘણી દલીલો થઈ. નેહરુ તિબેટની સરકારને માન્યતા આપવા તૈયાર નહોતા. દલાઈ લામાએ એવી પણ નોંધ કરી છે કે નેહરુ તેમને જાણે બાળક સમજતા હોય તેમ ઠપકો આપતા. આ સમય સુધી પણ નેહરુ ચીન સાથે તેમનો મૈત્રીપૂર્ણ સંબંધ ઇચ્છતા હતા અને પંચશીલના દસ્તાવેજનું પાલન કરવા ઇચ્છતા હતા. દલાઈ લામા ભારત આવ્યા તે પછી પણ તેમની સમક્ષ અહીંયા વસવાનો અને તિબેટની સરકારની માન્યતાના પ્રશ્નો હતા. હાલમાં દલાઈ લામાની ચર્ચા થઈ રહી છે એટલે તેમના જીવનનું એક પ્રકરણના કેટલાંક અંશો અહીં ઉતાર્યા છે. ભારતમાં વસતા પહેલાં દલાઈ લામાને લાંબા સંઘર્ષ પછી ધર્મશાલાનું સ્થાન મળ્યું હતું.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796