નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એક વખત તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ઝડપે વધી રહેલા કેસોમાં હવે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે, જ્યાં એક જ હોસ્પિટલમાં બે મહિલાઓના મોત સાથે ચિંતા વધી ગઈ છે.
એલજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દાણીલીમડાની 47 વર્ષીય મહિલા અને 18 વર્ષીય યુવતીનું મોત થયું છે. બંને દર્દીઓને કોરોના પોઝિટિવ આવતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. 47 વર્ષીય મહિલા 23 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. જ્યારે 18 વર્ષીય યુવતીએ પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
અમદાવાદ શહેરમાં હાલ 197 સક્રિય કેસ છે અને છેલ્લા 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે તંત્ર માટે ચિંતા જનક સંકેત છે. આરોગ્ય વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અને જરૂરી બધી તકેદારીઓ લેવા અનુરોધ કર્યો છે.
રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં પણ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે ગુજરાતના વિવિધ શહેરોમાં કોરોનાની સતત વધી રહેલી અસર તરફ ઈશારો કરે છે.
જરૂરી સૂચન:
આ વધતા કેસો અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે તેનાથી તકેદારી રાખવાની જરૂર છે પરંતુ ગભરાવાની જરૂર નથી. જેના માટે સરકારના આરોગ્ય વિભાગ તરફથી મળતી ગાઈડલાઈન્સને ફોલો કરો અને લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી ટેસ્ટ કરાવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે.








