ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આપણે ૨૦૨૧માં ચાર્જ થયેલી કોમોડિટી બુલમાર્કેટના ૨૦૨૨ના ૭માં સપ્તાહમાં દાખલ થઈ ગયા છીએ. અલબત્ત, દરેક બુલમાર્કેટમાં કરેક્શન આવતા હોય છે, ત્યારે આખલા વધુ ભરાટા થતાં હોય છે. તમામ કોમોડિટી બજારો હવે પુરવઠા અછતના આંતરપ્રવાહમાં દાખલ થઈ ગઈ છે. એક નોંધમાં ગોલ્ડમેન સાસ કહે છે કે આજના જેવી કોમોડિટી કાચામાલની અછત, અમે છેલ્લા ૩૦ વર્ષમાં કદી જોઈ નથી. સિસ્ટમમાં અત્યારે ખૂબજ નાણાં પ્રવાહિત થઈ રહ્યા છે, પરંતુ કોમોડિટી ઉત્પાદનમાં મૂડીરોકાણ ખૂબ ઘટી ગયું છે. આજ કારણે ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડિટીના ભાવને ઉપર જવાનો માર્ગ મોકળો થયો છે. ગજબ પ્રકારની આ એક કટોકટી છે.
કોમોડિટી રોકાણકારો માટે આગામી મહિનાઓમાં વૈકલ્પિક વ્યૂહ એ હોવો જોઈએ કે, જ્યારે જ્યારે બજાર ઘટે ત્યારે લઈને ધંધો કરવો વાજબી ગણાશે. તમારી કોમોડિટી વ્યૂહ રચનાઓનું એક આંતરિક પાસું, ભાવ જ્યારે જ્યારે મલ્ટી-યર નવી ઊંચાઈ ધારણ કરે ત્યારે, થોડા હળવા થઈને નવી અને જોખમી પોઝિશન સ્થાપિત કરવાની રહેશે. જેપી મોર્ગને એક વખત કહ્યું હતું કે વહેલા વેચીને અમે માલદાર બન્યા છીએ.
અનાજના ભાવનો ખૂબજ સટીક ગણાતો ઇંડેકસ કેટલાય વર્ષોની ઊંચાઈએ પહોંચી ગયો છે, કેટલાંકે નવા વિક્રમ સ્થાપિત કર્યા છે. સીઆરબી ફૂડ ઇંડેક્સ જેને વધુ સટીક માનવામાં આવે છે, તે અત્યારે માર્ચ ૨૦૧૧ પછીની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. જો છેલ્લા ૮ વર્ષના સર્વાંગી ભાવને આધારે જોઈએ તો ક્રૂડ ઓઇલના ભાવએ નવી ઊંચાઈ સ્થાપિત કરી છે. સોયાબીન, મકાઇ, ઘઉના ભાવ ૧૦ વર્ષની સપાટી વટાવી ગયા છે. આ બધી કોમોડિટીએ ગરીબ લોકોના ઘરના ચૂલા ઠંડા પાડી દીધા છે તેમાં કોઈ શંકા નથી. આશ્ચર્ય તો એ છે કે અમેરિકન ડોલર મજબૂત થઈ રહ્યો હોવા છતાં, કોમોડિટીના ભાવ વધી રહ્યા છે.
અમેરિકન ડોલર ગત વર્ષના તળિયેથી ૮ ટકા મજબૂત થયો હોવા છતાં, હવે પ્રશ્ન એ થવા લાગ્યો છે કે શું હજુ પણ અનાજના ભાવ વધતાં રહેશે? આપણે હવે એ જોવાનું રહેશે કે ગત દાયકામાં અનાજ કટોકટી સર્જાઇ ત્યારે ઘટાનોએ કેવો આકાર લીધો હતો. પુરવઠા પ્રવાહનું દબાણ સાથેસાથે જળવાઈ રહેશે તો એનર્જી અને મેટલના ભાવ ઝોલાખાવા લાગશે. પણ આવું તાત્કાલિક થવાની શક્યતા ઓછી છે. આપણે અત્યારે એવા સમયમાં દાખલ થયા છીએ જ્યાં ક્રૂડ ઓઇલ, કોલસો, કોપર, એલ્યુમિનિયમ, કોટન, સોયાબીન, ઘઉ, કોઈ પણ કોમોડિટીનું નામ લો બધે ખલ્લાસના પાટિયા લટકે છે.
ઓમિક્રૉન કોરોના વાયરસનો પ્રભાવ બહુ બધો ન હોવાથી ગોલ્ડમેન સાસ કહે છે કે ક્રૂડ ઓઇલની માંગ આપણે વિચારી છીએ તેના કરતાં ખૂબ વધુ છે, આ જ કારણ છે, વર્તમાન તેજીનું. જાન્યુઆરીના આરંભે ક્રૂડ ઓઇલ ૮૦ ડોલર હતું આજે ૯૫ ડોલર છે. એનર્જી, મેટલ, અને કૃષિ સહિત ૨૩ કોમોડિટીનો બનેલો બ્લૂમબર્ગ કોમોડિટી સ્પોટ ઇંડેક્સ જાન્યુઆરીમાં નવી વિક્રમ ઊંચાઈએ પહોંચ્યો હતો. દરમિયાન, ક્રૂડ ઓઇલ સહિતની અસંખ્ય કોમોડિટીમાં ઉંધા બદલા (વાયદા સામે હાજર ખરીદીનું પ્રીમિયમ) સર્જાયા હતા. ઉંધા બદલા બજારની એવી સ્થિત દાખવે છે કે, હાજરમાં ફરતા માલની તીવ્ર આછત છે, તેથી વાયદા કરતાં હાજરમાં ઊંચા ભાવ આપવા પડે.
ગોલ્ડમેન સાસ એ જાન્યુઆરીમાંજ આગાહી કરી હતી કે જો ઈરાન આ વર્ષે તેના ક્રૂડ ઓઇલ વેચાણ માટે બજારમાં નહીં આવે તો તે સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ ૯૫ ડોલર થશે. આજે પણ તેઓ કહે છે કે કોમોડિટી બજારમાં તેજી ભરી પડી છે. ગોલ્ડમેન સાસ કહે છે કે એક દાયકા અગાઉ જે રીતે તેજી વકરી હતી, તેવી જ કોમોડિટીની સુપર બુલ સાયકલ અત્યારે ચાલી રહી છે. આખા વિશ્વની નાણાનીતિ સામાન્ય સ્થિતિમાં આવશે ત્યારે વર્તમાન તેજી ઠરવા લાગશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.