નવજીવન. અમદાવાદ:
ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને લાંબા સમયના લોકડાઉન પછીના સંજોગોમાં અલગ અલગ સરકારી પરિક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિપક્ષ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે કે તેમના દ્વારા ગેરરીતિ કરીને પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હોવાનું તો સરકારે જાતે જ સ્વીકાર્યું હતું. થોડા સમય અગાઉ લેવામાં આવેલી માહિતી ખાતાની પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ છે તેવી પિટિશન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે માહિતી ખાતાની વર્ગ 1 અને 2ની ભરતી પર રોક લગાવી છે.
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અર્જુન મોઢવાડીયાએ આજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે,” મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી લઈને ગુજરાતના વ્યાપક ભરતી કૌભાંડ ભાજપ પ્રેરિત છે. ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપને સગા ભાઈ-બહેન જેવો સબંધ છે. ગુજરાતમાં જે માહિતી ખાતાની પરીક્ષા લેવામાં આવી તેમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે. અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષામાં પણ પેપર લીક થયું હતું, જે પણ વર્ષોથી ભાજપ માટે કામ કરતા પ્રિન્ટર પર તેનો આરોપ છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “માહિતી ખાતાની પરીક્ષા સંપૂર્ણપણે કમલમ્ પ્રેરિત હતી. વર્ગ 1 અને 2ની પરીક્ષા લેવાની હોય તો કાયદા મુજબ આ પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવી જોઈએ, પરંતુ ગેરરીતિ કરવાના ઇરાદે ભાજપ સરકારે એક સમિતિ બનાવીને જાતે જ ઠરાવ પસાર કરીને પરીક્ષા લીધી હતી. જેના કારણે તેમને ગમતા ઉમેદવારોની પસંદગી કરી શકે. ઇન્ટરવ્યૂમાં પણ ગુજરાત સરકારના ત્રણ નિવૃત્ત અધિકારીઓને બેસાડવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં કોને કેવી રીતે માર્ક્સ આપવામાં આવ્યા તે અંગે સૌને અંધારામાં રાખવામાં આવ્યા છે.”
અર્જુન મોઢવાડીયાએ માહિતી ખાતાની પરીક્ષા રદ્દ કરીને કાયદાકીય રીતે ફરીથી પરીક્ષા લેવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે માહિતી ખાતાની વર્ગ 3ની પરીક્ષા પણ રદ્દ કરવાની માગણી કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












