કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ન્યાયપાલિકા પર હંમેશા સામાન્યજનનો વિશ્વાસ કાયમ રહ્યો છે. આપણા દેશની ન્યાયિક વ્યવસ્થાએ પણ લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે રીતે કાર્યરત રહી છે. પરંતુ આ ન્યાયતંત્ર પર ધબ્બા લાગે તેવી ઘટનાઓ હવે વધુ સામે આવવા લાગી છે. હાલમાં જ 2006માં થયેલા મુંબઈ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટે 12 આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા સુનાવી હતી – તે આરોપીઓને મુંબઈ હાઈકોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. ઓગણીસ વર્ષ સુધી આ આરોપીઓ જેલમાં રહ્યા, પરંતુ જ્યારે હાઈકોર્ટ અગાઉ ટ્રાયલ કોર્ટમાં તેમનો કેસ ચાલ્યો ત્યારે મુંબઈ ‘એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ’[એટીએસ]ના તમામ પુરાવાને ટ્રાયલ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. આ કેસ જ્યારે હાઈકોર્ટમો આવ્યો ત્યારે ‘એટીએસ’ના કોઈ પુરાવા ટકી ન શક્યા અને તમામ આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા. ભારતની ન્યાય વ્યવસ્થાનો આ તાજો પુરાવો છે. એ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના પદે રહેનારા યશવંત વર્માના નિવાસસ્થાને મળેલી રોકડ રકમ પછી અનેક પ્રક્રિયાના અંતે તેમના પર મહાભિયોગની પ્રક્રિયા થવાની વાત સામે આવી છે. ન્યાયાધીશ તરીકે યશવંત વર્માએ રાજીનામું આપવું જોઈતું હતું, પરંતુ તેઓ રાજીનામું આપવા તૈયાર ન થયા. હવે તેમના પર મહાભિયોગ ચલાવાશે.

ન્યાયતંત્રની છબિ બગડી રહી છે તેવું માત્ર મીડિયામાં નથી કહેવાઈ રહ્યું, બલકે સુપ્રિમ કોર્ટે સુધ્ધા હાઈકોર્ટના ન્યાયાધીશોને ચેતવ્યા હતા કે – ન્યાયતંત્રની છબિ બગડે તેવું વલણ ન રાખવું. 2024માં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ દિપાંકર દત્તા અને પી.કે. મિશ્રાએ ચેતવણી આપતા કહ્યું હતું કે અનેક વાર ટકોર કરી હોવા છતાં હાઈકોર્ટના ન્યાયાધીશ નીતિનિયમો મુજબ વર્તતા નથી. આશ્ચર્ય થાય પણ થોડાંક વર્ષોના આવાં કેસ જોઈએ તો ખ્યાલ આવે કે કેટલાંક કિસ્સામાં ન્યાયાધીશોની ટિપ્પણી કેટલાં હદે બેહૂદી હોય છે. જેમ કે, 2022માં કોઝીકોડ સેશન કોર્ટમાં ‘શેરી જે. થોમસ વિ. કેરળ રાજ્ય’ના કેસમાં સેશન જજ 74 વર્ષીય સિવિક ચંદ્રન નામના વ્યક્તિને મહિલાની જાતિય સતામણીના કેસમાં જામીન આપ્યા હતા. જામીન આપ્યા પછી સેશન જજે કહ્યું હતું કે મહિલાની ફરિયાદ એ રીતે વાજબી નહીં ઠરે જો મહિલાનો પહેરવેશ જાતિય આવેગને પ્રેરતો હોય. સેશન જજના આ નિરીક્ષણને કેરલ હાઈકોર્ટે ‘સંવેદનહીન’ ગણાવ્યું હતું. કેરળ હાઈકોર્ટે તે પછી જામીન રદ કર્યા અને સેશન જજની લેબર કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી.

સેશન અને હાઈકોર્ટની જેમ કેટલાંક કિસ્સામાં સુપ્રિમની પણ ટીકા થાય છે. ‘બીબીસી’ પર 2023માં એક લેખ પ્રકાશિત થયો હતો. આ લેખનું મથાળું હતું : ‘સુપ્રિમ કોર્ટ : વાય ઇન્ડિયાઝ પાવરફૂલ ટોપ કોર્ટ ઇઝ ઇન અ ‘ક્રાઇસિસ’’ – મતલબ કે સુપ્રિમ કોર્ટ કેમ મુશ્કેલીમાં છે. તેનો જવાબ આ લેખમાં આપ્યો છે. આ અહેવાલના લેખક સૌતિક બિશ્વાસ લખે છે કે, ‘આજે સુપ્રિમના 34 ન્યાયાધીશો 70,000 અપીલ અને પીટીશનોને સાંભળે છે. વર્ષાન્તે 1000 ચૂકાદા આપે છે.’ આ લેખમાં સુપ્રિમ કોર્ટ વિશે કેટલાંક નિરીક્ષણ મૂક્યા છે તેનાથી ખ્યાલ આવે છે કે સુપ્રિમમાં કોઈ કેસ ધીમી રફ્તારથી ચાલે તો તેને ચાર વર્ષ જેટલો સમય જાય છે અને જો ઝડપથી તેનો નિકાલ લાવવાનો થાય તો તેમાં ત્રણ મહિના જેટલો સમય જાય છે. સુપ્રિમ કોર્ટમાં કર સંબંધિત કેસોનો નિકાલ લાવવામાં સરેરાશ ચાર વર્ષનો સમય જાય જ છે. કેટલાંક કિસ્સામાં સુપ્રિમમાં કેસ ચાલે ત્યારે કોર્ટની બહાર કેસ સંબંધિત વિગતો જાણવા જેવી છે. જેમ કે, સુપ્રિમ કોર્ટમાં પ્રાઇવસીને લઈને આધાર કાર્ડની સુનાવણીમાં પાંચ વર્ષનો સમય નીકળી ગયો હતો. ચૂકાદો આવ્યા ત્યારે સુપ્રિમે જણાવ્યું કે આધારની યોજનામાં પ્રાઈવસીનો ભંગ નથી. આ દરમિયાન દેશમાં આધાર ઇસ્યૂ થતા રહ્યા અને એક અંદાજ મુજબ આ પાંચ વર્ષ દરમિયાન કરોડો આધાર કાર્ડ ઇસ્યૂ થયા. એ રીતે ઇલેક્ટોરલ બોન્ડના કિસ્સામાં થયું હતું. વર્તમાન ભાજપ સરકાર રાજકીય પક્ષોને મળતાં ભંડોળ પારદર્શક રહે તે ઉદ્દેશથી ઇલેક્ટોરબ બોન્ડ લાવી હતી. પરંતુ ઇલેક્ટોરલ બોન્ડમાં રાજકીય પક્ષને કોણ નાણાં આપી રહ્યું છે – તે જાહેર થતું નહોતું. સુપ્રિમમાં સુનાવણી થઈ અને તેનો ચૂકાદો 2024ની ચૂંટણી પહેલાં આવ્યો હતો.
અલ્લાહાબાદ હોઈકોર્ટમાં ન્યાયાધીશ ક્રિશ્ના પહલે કેરળના પત્રકાર સાદિક કપ્પન પર એ રીતે ‘અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ’ની કલમો લગાવી હતી. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં દલિત યુવતિ સાથે ગેંગ રેપ થયા બાદ તે યુવતિ મૃત્યુ પામી હતી. આ ઘટનાનું કવરેજ કરવા માટે સાદિક કપ્પન ઉત્તર પ્રદેશ આવ્યો હતો. ન્યાયાધીશની ટિપ્પણી એવી હતી કે – કપ્પનને હાથરસમાં કોઈ કામ નહોતું – આ આધાર પર તેના પર આતંકવાદીઓને જે કલમ લગાડવામાં આવે તે લગાવવામાં આવી હતી. તે પછી સાદિક કપ્પનને 2022માં સુપ્રિમ કોર્ટે જામિન આપ્યા હતા. તેમ છતાં સાદિકને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો નહોતો કારણ કે અન્ય કલમોમાં સાદિકને જામીન સ્થાનિક કોર્ટે આપ્યા નહોતા. આ રીતે જાણે દ્વેષભર્યો વ્યવહાર કોર્ટ રાખતી હોય તેવું ચિત્ર ઉભું થાય છે.
સુપ્રિમ કે હાઈકોર્ટની કેટલીક ઇનસાઇટ વાતો જાહેરમાં આવે છે તેનું એક કારણ પૂર્વ ન્યાયાધીશો છે. દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ નિવૃત્ત થયા ત્યારે સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકરે જાણીતા પત્રકાર કરન થાપરના ઇન્ટરવ્યૂમાં એવી અનેક વાતો કહી હતી – જેનાથી ન્યાયાધીશ ચંદ્રચુડની ભૂલો તેમણે દાખવી હતી. ન્યાયાધીશ મદન લોકરે જે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો તે રોસ્ટર સંબંધિત હતો. મતલબ કે સુપ્રિમ કોર્ટમાં કંઈ બેંચ પાસે કયો કેસ જશે અને કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં કયા બેંચને સોંપવી તેમાં મુખ્ય ન્યાયાધીશનો એકાધિકાર છે. પરંતુ ન્યાયાધીશ ચંદ્રચુડના કાર્યકાળમાં રોસ્ટર સંબંધિત અનેક પ્રશ્નો સામે આવ્યા. ઘણાં કેસ નિર્ધારીત બેંચ સામે જતા હતા. ન્યાયાધીશ મદન લોકર એટલે સુધી કહે છે કે દિલ્હીમાં વૃક્ષો કાપી નાંખવાના કેસ- જે પર્યાવરણનો મુદ્દો હતો તે એક બેંચ પાસેથી સઉદ્દેશ લઈ લેવાયો અને બીજી બેંચ સમક્ષ તેની સુનાવણી થઈ. તેઓ અર્ણબ ગોસ્વામીના કેસની પણ વાત કરતા કહે છે કે – આ કેસ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ પાસે આવ્યો હતો અને ઉમર ખાલીદનો કેસ તેમની પાસે ન આવ્યો. સુપ્રિમ કોર્ટમાં આવું ઘણું થાય છે – જેની નોંધ સામાન્ય લોકો લઈ ન શકે – પરંતુ આ પ્રકારના કેસ આપણા જીવનને અસર કરતા હોય. ન્યાયતંત્રની મર્યાદા આમ અનેક સ્તરે છે અને જુદી જુદી વ્યક્તિ પોતપોતાના દૃષ્ટિકોણ અને માહિતીથી તેને જાહેરમાં મૂકે છે.
ન્યાયાધીશો જ ન્યાયપાલિકાની છબિ ઉપસાવે છે. પરંતુ જ્યારે તેમના થકી ન્યાયપાલિકાની છબિ ખરડાય છે ત્યારે તેમની સામે કાર્યવાહી કરવી મુશ્કેલ બની જાય છે. ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી અમર્યાદિત રોકડ મળી હોવા છતાં આજે પણ ન્યાયાધીશ તરીકે યશવંત વર્મા પદ પર છે. તેમની બદલી થઈ છે – પણ તેઓને પદ પરથી હજુ સુધી હટાવી શક્યા નથી. મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે. વીરાસ્વામીએ અમર્યાદ સંપત્તિ એકઠી કરી હતી. ‘સીબીઆઈ’એ કે. વીરાસ્વામી સામે ચાર્જશીટ સુધ્ધા ઘડી નાંખી હતી. પરંતુ ન્યાયાધીશ કે. વીરાસ્વામી પોતાના મૃત્યુ સુધી ટ્રાયલને પાછી ઠેલી શક્યા હતા. એ રીતે 2009માં ન્યાયાધીશ પી. ડી. દિનાકરન પણ આવકથી વધુ સંપત્તિ ધરાવનાર હતા. તેમની સામે ટ્રાયલ શરૂ થઈ હતી- પણ તે પછી તેમણે રાજીનામું આપ્યું હતું. 1993માં ન્યાયાધીશ રામાસ્વામીના તો 14માંથી 11 દોષ પુરવાર થઈ ચૂક્યા હતા. પરંતુ તેમ છતાં તેમના પર મહાભિયોગ ચલાવી શકાયો નહોતો. કોંગ્રેસ પક્ષ આ મહાભિયોગની પ્રક્રિયામાં મત આપવાથી વેગળો રહ્યો હતો.
એ રીતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગાઈ સામે થયેલા જાતિય સતામણીના આરોપો પણ ગંભીર હતા. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરવાની હોય છે – પરંતુ 27માંથી સાત ન્યાયાધીશો જ સંપત્તિ જાહેર કરી હતી. દેશની ન્યાયપાલિકા સામેના અમર્યાદ પડકારો અને પ્રશ્નોને સર્ચ કરીએ ત્યારે આપણી સમક્ષ હજારો કેસ ખુલે છે – જેમાં ન્યાયાધીશોએ પોતાનું વલણ બેહૂદું રાખ્યું હોય. ભ્રષ્ટાચારના મુદ્દા પણ અનેક છે. પરંતુ હાલમાં તો જે રીતે રાજકીય નેતાઓનું વલણ છે – તે પ્રમાણે તો સામાન્યજનને આશા માત્ર ન્યાયપાલિકા પાસે છે. આશા છે ન્યાયપાલિકા સારી રીતે કાર્યરત થાય.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796