નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં શિક્ષણના ધામ બાદ હવે કોર્પોરેશન સંચાલતિ નર્સરીમાથી શંકાસ્પદ ગાંજાનો છોડ (Ganja Plants) મળી આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઈકાલે ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના (Gujarat University) હોસ્ટેલમાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા હતા, તે વિવાદ હાલ શમ્યો નથી. તેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન સંચાલિત નર્સરીમાંથી (AMC Nursery) શંકાસ્પદ ગાંજાનો છોડ મળી આવતા અનેક વિવાદ સર્જાયા છે. આ ગાંજાનો છોડ કેવી રીતે નર્સરીમાં આવ્યો, કોઈએ આ છોડને ઉગાડ્યો કે પછી આપમેળે આ છોડ અહિયાં ઉગી નીકળ્યો છે. તેવા તમામ સવાલો હાલ નર્સરીનું સંચાલન કરતા લોકો સામે ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ વિજય ચાર રસ્તા પાસે આવેલી AMC સંચાલિત સૌરભ નર્સરીમાંથી આજે સવારના સમયે શંકાસ્પદ ગાંજાનો છોડ મળી આવ્યો છે. જેમાં આ છોડ સામાન્ય નહીં પરંતુ 5 થી 6 ફૂટનો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ અંગે વાત કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના PI વી. જે. જાડેજાએ જણાવ્યું હતું કે, અમને હજુ સુધી AMC તરફથી કોઈ જાણકારી મળી નથી. પરંતુ અહિયાં સવાલ એ ઉઠી રહ્યા છે કે આ નર્સરીનું સંચાલન કરતા લોકોના ધ્યાન પર આ વાત અત્યાર સુધી કેમ આવી ન હતી. શું તેઓ ખરેખર આ બાબતથી અજાણ હતા કે પછી તેમના દ્વારા જ આ છોડ ઉગાડવામાં આવી રહ્યા છે. તે તમામ બાબતો તપાસનો વિષય બની છે.
એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નશાખોરીને લઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની પ્રવૃતિ જોવા મળશે તો કડક કાર્યવાહી થશે, તેવી વાતો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેશન સંચાલિત નર્સરીઓમાંથી આ પ્રકારના છોડ મળી આવતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ ઘટના આટલેથી ન અટક્તા વધુ એક ગાંજાનો શંકાસ્પદ છોડ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલી રિવરફ્રન્ટ્ર ઓથિરીટીની ઓફિસ પાસે બગીચામાંથી મળી આવ્યો છે. આ બગીચામાં જ્યાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ આવતા હોય છે. મોટી સંખ્યામાં યુવાધન ત્યાં હરવા-ફરવા માટે આવતું હોય છે. ત્યાં આ પ્રકારનું કૃત્ય નજરે પડતા વધુ એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ત્યારે બીજી તરફ આ પ્રકારના ગાંજાના છોડ બગીચામાંથી મળી આવતા કોર્પોરેશન પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, બગીચામાં અલગ-અલગ પ્રકારે બીજ આવતા હોય છે. તેમજ પક્ષીઓના ચરખથી પણ આ ગાંજોનો છોડ ઉગી નીકળ્યો હોવાનો ગાર્ડન વિભાગ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, હજારો રૂપિયા નર્સરીમાં કામ કરતા માળીઓને પ્રજાના ટેક્સના પૈસામાંથી ચૂકવામાં આવતા હોય છે. છતાં ગાંજાના આ પ્રકારે છોડ મળી આવતા નર્સરી સંચાલકો તેમજ AMC વિવાદમાં સપડાઈ છે.








