નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ પોલીસે (Ahmedabad Police) વીમા કંપનીને લાખોનો ચૂનો લગાવનારી ટોળકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ટોળકીઓ હોસ્પિટલમાં સારવારના બિલોથી 23 લોકોના ક્લેમ કરીને વીમા કંપનીને 24 લાખનો ચૂનો લગાવ્યો છે. વીમા કંપનીએ હોસ્પિટલના બીલોની તપાસ કરતા આવી કોઈ જ હોસ્પિટલ હકિકતમાં ન હોવાનું સામે આવતા કૌભાંડ સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, ચિરાગ પટેલેનામ ના વ્યક્તિએ વીમા કંપનીમાં રૂ.99,999નો ક્લેમ કર્યો હતો. આ ક્લેમમાં સાબરકાંઠામાં આવેલી એક હોસ્પિટલમાં હાથના સ્નાયુઓની સારવાર લીધી હોવાના બિલો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કંપનીએ તપાસ કરી તો હકિકતમાં આવી કોઈ હોસ્પિટલ ન હોવાનું સામે આવ્યુ હતું. અન્ય એક મહિલાએ વીમા કંપનીમાં રૂ.89,634નો ક્લેમ કર્યો હતો. જેમાં બનાસકાંઠાના ભગવાન ગઢ ગામમાં આવેલી એક હોસ્પિટલમાં પગના સ્નાયુની સારવાર લીધી હોવાના બિલો રજૂ કરવામાં આવ્યા હતા. વીમા કંપનીએ બનાસકાંઠા જઈ હોસ્પિટલ અંગે તપાસ કરતા આવી કોઈ હોસ્પિટલમ ન હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ મહિલાએ ક્લેમ પાછો ખેંચી લીધો હતો. આ પ્રકારની ઘટના બનતા વીમા કંપનીએ અગાઉ ક્લેમ મંજૂર કરાવી ગયેલા 23 લોકોની ફાઇલોની તપાસ કરી હતી. જેમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં અસ્તિત્વમાં ન હોય તેવી હોસ્પિટલો અને તબીબોના નામે બિલો રજૂ કરવામાં આવ્યા હતા.
એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રદ્ધા હેરભાએ છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદના નેહા કુચ્છા અને લક્ષ્મી શર્મા, ભાવનગરના સંજય ખીમાણી અને કિશોર કામલિયા, મહેસાણાના અમી પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, આરોપીઓએ બે વર્ષમાં 23 લોકોના નામે અલગ-અલગ બીમારીઓ બતાવીને અસ્તિત્વમાં જ ન હોય તેવી હોસ્પિટલના નામે બોગસ બિલો, ડોક્ટરના સહી સિક્કા, ખોટા લેબ રિપોર્ટ, સારવાર ખર્ચ વીમા કંપનીમાં રજૂ કરીને 23.89 લાખ ખંખેરી લીધા હતા. કુલ 31 આરોપીમાંથી સંજય પટેલ એજન્ટ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આખી ચેન સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે. આ કૌભાંડનો તાર અન્ય શહેરો સુધી પણ પહોંચી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796