નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ગઇકાલે ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો છે. છેલ્લા કેટલાક સમયથી લૂંટારાઓના રડારમાં આંગડિયા પેઢીના કર્મીઓને લઈને લૂંટ ચલાવતા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ગઈ કાલે સમી સાંજે જાહેર રોડ પરથી બે ગઠિયાઓ આંગડિયા પેઢીના કર્મી જોડેથી 42 લાખ ભરેલી બેગ ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા છે.
અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા સી.જી રોડ પર દિલધડક લૂંટ ચલાવવામાં આવી છે. સીજી રોડ પર આવેલા ઇસ્કોમ આર્કેટમાં આવેલી સમકીત નિધી આંગડીયા પેઢીમાં કુમારપાળ કેસ ગણતરી કરવાનું કામ કરે છે. પેઢીના માલિક ભાવેશભાઇ સંઘવીએ 18 જુલાઇના રોજ કુમારપાળને સીજી રોડ પર આવેલી મહેન્દ્ર સોમા આંગડીયા પેઢીમાંથી હીશાબના 42 લાખ લેવા માટે કહ્યું હતું. કુમારપાળ અને પેઢીના અન્ય કર્મચારી ધર્મેન્દ્ર માલિકનું એક્સેસ લઇને પૈસા લેવા માટે નીકળ્યા હતા.
સી.જી રોડ પર ગીરીશ કોલ્ડ્રિંક્સ નજીક આવેલા સમુદ્ર કોમ્પલેક્ષમાં મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઈને ટુ-વ્હીલર પર પરત ઓફિસ જઈ રહ્યા હતા. તે સમયે બોડી લાઈન ચાર રસ્તાએ સિગ્નલ બંધ હોવાથી તેઓ ત્યાં ઉભા રહી ગયા હતા ત્યારે એક બાઈક પર બે વ્યક્તિ આવીને ટુ-વ્હીલર પર આગળની ભાગે મૂકેલી રૂપિયાની બેગ ચીલ ઝડપ કરીને ફરાર થઇ ગયા હતા.
આંગડિયા પેઢીના કર્મીએ લૂંટારાઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના હાથમાં આવ્યા ન હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બનાવ સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.








