નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં હવે ચૂંટણીના પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. હાલમાં જ વીજળી, એજ્યૂકેશન, આરોગ્ય, રોડ રસ્તા સહિતની સુવિધાઓને મુદ્દો બનાવી આગામી ચૂંટણીમાં પોતાનો પ્રબળ પગ મુકવા આમ આદમી પાર્ટી જોર કરી રહી છે ત્યારે ભાજપ દ્વારા મફત આપવાના વાયદાઓને રેવડીઓ ગણાવી તેને અયોગ્ય પણ ઠેરવવામાં આવી છે. આવા સંજોગોમાં જ્યાં દિલ્હીમાં આપની સરકાર છે ત્યાં વીજળીને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વીજળી જેમને મફત જોઈએ છે તેમણે ફોર્મ ભરીને સબ્મીટ કરવાનું રહેશે અને તેમને જ મફત વીજળી આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે જાણકારી આપતા કહેવાયું કે, કેટલાક લોકોને મફત વીજળી જોઈતી નથી. હવે દિલ્હીમાં તેમને જ પાવર સબસીડી મળશે જે તેના માટે અરજી કરશે. આપ તે માટે એપ્લાય કરી શકો છો. આ માટે દિલ્હીની જનતાએ વીજ બીલ સાથે આવનારું ફોર્મ ભરીને મોકલવાનું રહેશે. અથવા જો તેઓ ઈચ્છે તો 7011311111 પર મિસ્કોલ કરીને મેસેજ કે વોટ્સએપ પર ફોર્મ મેળવી શકાશે. તે ફોર્મ ભરીને આપવાનું રહેશે. આવો જોઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શું કહે છે.








