નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં ગઇકાલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે સંદર્ભે આજે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતનાં નેતા પ્રવીણ રામ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુવરાજસિંહે એક કોન્સટેબલ ઉપર ગાડી ચઢાવી દીધી હતી, જેના તેમણે વિડીયો પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે પ્રવીણ રામે યુવરાજસિંહની ધરપકડને રાજકીય કાવતરું ગણાવ્યું હતું અને આગામી LRD ભરતી અંગેના આક્ષેપો કર્યા હતા.
ગુજરાતનાં આપના નેતા અને વિદ્યાર્થીઓના નેતા તરીકે જાણીતા બનેલા યુવરાજસિંહે પહેલા પણ ઘણા પેપરલીક અને સરકારી ભરતીયો અંગેના કૌભાંડ બહાર પાડ્યા છે. હવે જ્યારે આગામી સમયમાં LRD ભરતીની પરીક્ષા યોજવા જઈ રહી છે તે પૂર્વે ગાંધીનગર પોલીસે 307 જેવી ગંભીર કલમમાં યુવરાજસિંહની ધરપકડ કરી છે, આ સંદર્ભે આજે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ યુવરાજસિંહની મદદે સામે આવ્યા છે. તેમણે આજે પત્રકારોને જણાવ્યુ હતું કે, યુવાનો માટે અવાજ ઉઠાવતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરીને યુવાનોના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઘટના નિંદનીય છે અને વખોડવા લાયક છે.
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, “અગાઉ પણ યુવરાજસિંહને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું અને તેમના ઘરે પરેશાની ઊભી કરીને ઘર ખાલી કરવાનું દબાણ કરવામાં વાયુ છે, જ્યારે હવે યુવરાજસિંહ વિદ્યાસહાયકોને સમર્થન આપવા પહોંચ્યા ત્યારે પોલીસે ખોટી ગેરરીતિ કરીને 307 જેવી ગંભીર કલમ મુજબ જેલમાં મોકલવાનું કાવતરું ઘડ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં યોજવા જય રહેલી LRD ભારતીમાં કૌભાંડની આશંકાઓ વચ્ચે એક હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થતી જણાય તો તાત્કાલિક આ હેલ્પલાઇન(998203556) ઉપર સંપર્ક કરવો.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “સરકાર અને તેમના માળતીયાઓ ભરતીમાં કોઈ કૌભાંડ કરે અને યુવરાજસિંહ આ કૌભાંડ ઉજાગર ન કરે તે બીકના કારણે સરકારે પાણી આવે તે પહેલા પાળ બાંધવાની વ્યવસ્થા કરી હોય તેમ યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. LRD ભારતીના કૌભાંડ બહાર ન આવે તેની સરકારે અગાઉથી વ્યવસ્થા કરી લીધી છે.”
આ ઉપરાંત આપ ગુજરાતનાં યૂથ વિંગ દ્વારા માગણી કરવામાં આવી છે કે યુવરાજસિંહ ઉપર લગાવવામાં આવેલી ખોટી કલમો દૂર કરવામાં આવે અને આગામી સમયમાં યોજવા જય રહેલી LRD ભરતીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવામા આવે. આ ઉપરાંત વિદ્યાશાયકો દ્વારા જે માગ કરવામાં આવી રહી છે તેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. આમ આદમી પાર્ટીની લીગલ ટિમ યુવરાજસિંહ અને યુવાનો સાથે ખાડે પગ ઊભા છે તેવું પ્રવીણ રામે જણાવ્યુ હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.