હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): છેલ્લાં 18 વર્ષથી સુરત પોલીસને તપાસના કામે મદદરૂપ બનનારા એક યુવાનની કામગીરી એટલી હદે અસરકારક પૂરવાર થઈ કે રાષ્ટ્રીય સ્તરની તપાસ એજન્સી એનઆઈએ અને ડીઆરઆઈની ટીમે પણ તપાસના કામે આ યુવાનની મદદ લીધી હતી. આ યુવાન અંગે પણ જાણવા જેવું છે, આવો જાણીએ.
સુરત શહેર પોલીસ ઉપરાંત સુરત રેન્જ એટલે કે દક્ષિણ ગુજરાતની પોલીસને તપાસના કામમાં મદદરૂપ બનનારા આ યુવાને લગભગ 1000 જેટલા ગુનાની તપાસમાં મદદરૂપ બની મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. આટલું જ નહીં પણ બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાની પોલીસ માટે ચેલેન્જિંગ તપાસમાં પણ આ યુવાન પોલીસને મદદરૂપ બન્યા હતા.
આ યુવાનનું નામ છે દીપેન જગીવાલા. જેમની સ્કેચ (રેખાચિત્રો) બનાવવામાં માસ્ટરી છે. એ ઉપરાંત ટેક્નિકલ બાબતની જાણકારી પણ વિપુલ માત્રામાં ધરાવે છે. પરિણામે વર્ષો પૂર્વે જ્યારે પોલીસ પાસે આધુનિક ઉપરકણો ઉપલબ્ધ ન હતા ત્યારે દીપેન જગીવાલા પોલીસને મદદરૂપ બનતા હતા. વર્ષો સુધી એટલે કે લગભગ 18 વર્ષ સુધી પોલીસને આ રીતે મદદરૂપ બનનારા દીપેન જગીવાલાને 2020ના વર્ષમાં ખાસ પોલીસ અધિકારી તરીકે ગૃહ વિભાગે નિમણૂંક આપી છે. આ નિમણૂંક માટે અગાઉ રાકેશ અસ્થાના, આશિષ ભાટિયાએ પણ ગૃહ વિભાગમાં અરજી કરી હતી. ત્યાર બાદ સુરત રેન્જના આઇજીપી ડો. એસ.પી. રાજકુમારે દરખાસ્ત કરી હતી. જે માન્ય રાખી તેમને ખાસ પોલીસ અધિકારી (ક્લાસ ટુ ) તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

દીપેન જગીવાલાએ અત્યાર સુધીમાં 1 હજાર જેટલાં રેખાચિત્રો (સ્કેચ) બનાવ્યાં છે. જેમાંથી કેટલાક કિસ્સામાં સ્કેચના આધારે આરોપી પકડાયા છે અને આજીવન કેદની સજા પણ થઈ છે. જેની વિગતો અહીં પ્રગટ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |











