નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના જાણે હાલ વળતા પાણી ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં જ જયરાજસિંહ પરમાર જેવા લડાયક નેતા તેમના પુત્ર સહિત 100 કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. હજુ તે બાબતના આઘાતમાંથી સ્થાનીક કોંગ્રેસી ઉચ્ચ નેતાઓ બહાર આવ્યા નથી ત્યાં અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં કાર્યપ્રણાલી અને નિર્ણય શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસને અલવિદા કહેવું જ યોગ્ય લાગી રહ્યું છે અને નવી દિશા તરફ આગળ વધી રહ્યો છું.
મંગળવારે જ કોંગ્રેસના દિગ્ગજ લડાયક નેતા જયરાજસિંહે કોંગ્રેસનો પંજો મુક્યો અને હવે કમળ હાથમાં પકડ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક નેતાના જવાથી મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના નેતા દિનેશ શર્માના રાજીનામાએ તેમને હચમચાવી મુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પરથી પ્રદેશ પ્રમુખ જગ્દીશ ઠાકોરને પોતાનું રાજીનામું આપ્યું છે. દિનેશ શર્મા કોંગ્રેસની કામગીરીથી નારાજ હતા. 21 ફેબ્રુઆરીએ જ પ્રિયંગા ગાંધીને ટેગ કરતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે પત્રમાં લખ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની કાર્યપ્રણાલી અને નિર્ણાયક શક્તિના અભાવને કારણે થતા રાજકીય નુકસાનને પોતાના સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. મેં પક્ષને ઘણી વખત કુંભકરણ નિંદ્રાથી જગાડવાનો પ્રયત્ન કર્યો, પક્ષમાં સંગઠનને મજબૂત કરવા તાત્કાલીક નિર્ણય શક્તિને આગળ લાવવા અને સકારાત્મક સૂચનો કરતો રહ્યો છું પણ આખરે પરિણામ શૂન્ય જ મળતું હતું છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસને અલવિદા કહેવું જ મને યોગ્ય લાગી રહ્યું છે તેવું માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












