Vadodara Ragging case Gotri Medical hospital: વડોદરા શહેરની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. કોલેજના હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરોને અડધી રાત્રે રૂમમાં બોલાવી ગાળો આપવી, માનસિક ત્રાસ આપવો અને MBBSનું કરિયર ખતમ કરવાની ધમકી આપવાના આક્ષેપ થયા છે. આ ઘટનામાં માનસિક ત્રાસથી પરેશાન ત્રણ વિદ્યાર્થીઓમાંથી એકે હોસ્ટેલના રૂમમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં કોલેજના હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને વિવાદ થયો હતો. ત્યારબાદ બીજા વર્ષના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ મોડી રાત્રે જુનિયર વિદ્યાર્થીઓને બોલાવીને રેગિંગ કર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે પીડિત વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશન (NMC)માં ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. રેગિંગના આક્ષેપોનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને હાલ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 27 નવેમ્બરે મેડિકલ કોલેજના ડીન દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી, જ્યારે 28 નવેમ્બરે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીએ પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને હોસ્ટેલના આઠમા માળે આવેલા રૂમ નંબર 814માં બોલાવવામાં આવ્યા હતા. નાના રૂમમાં આશરે આઠ લોકો હાજર હતા અને ત્યાં તેમની સાથે માનસિક રીતે ભારે ટોર્ચર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તે યરબેક એટલે કે એક વર્ષ પાછળ હોવાથી તેની સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. MBBSમાં ચાર અટેમ્પ્ટ મળતા હોવાની વાત કરીને એક અટેમ્પ્ટ પૂરો થઈ ગયો હોવાનું કહી તેના પર માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. આ ત્રાસને કારણે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે તેને હેરાન કરનારા મુખ્ય પાંચ લોકો હતા, જેમાં એક ફાઇનલ યરના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.
પીડિત વિદ્યાર્થીએ માત્ર છ મહિના કે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાને બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેના કહેવા પ્રમાણે, જો માત્ર થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવશે તો આરોપી વિદ્યાર્થીઓ ફરી કોલેજમાં પાછા આવી શકે છે. આ સાથે જ તેણે સમગ્ર મામલે સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ માગ કરી છે.
હોસ્ટેલમાં રહેતા અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, જે બાબતમાં તેમની કોઈ સંડોવણી નહોતી તે કબૂલવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આખી બેચને તેમની વિરુદ્ધ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો ત્રણેય વિદ્યાર્થીઓ આ વાત સ્વીકારશે નહીં તો બધા ભેગા થઈને તેમને મારશે એવું પણ કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, ઠંડી હોવા છતાં તેમને માત્ર શોર્ટ્સમાં બહાર બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે નાના રૂમમાં 8થી 10 વિદ્યાર્થીઓને ભેગા કરીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને MBBSનું કરિયર બરબાદ કરી નાખવાની ધમકી આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા.
MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, 25 નવેમ્બરની મોડી રાત્રે આશરે 1થી 1:30 વાગ્યે ગ્રુપમાં મેસેજ મોકલીને CR મારફતે આખી બેચને નીચે બોલાવવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે, સિનિયરોના ત્રાસથી એક વિદ્યાર્થીએ રૂમનો દરવાજો ખોલીને રેલિંગ પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેનો એક પગ રેલિંગમાં ફસાઈ જતાં તે નીચે પડતાં બચી ગયો હતો. ત્યારબાદ તેણે અને અન્ય મિત્રોએ સમયસૂચકતા દાખવી વિદ્યાર્થીને બચાવી લીધો હતો. વિદ્યાર્થીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાંચ કલાક સુધી તેમને ઊભા રાખીને રેગિંગ કરવામાં આવ્યું હતું અને જાતિ સંબંધિત ટિપ્પણીઓ સહિત માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે મેડિકલ કોલેજનાં ડીન ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ મળી છે. તેના કારણે એક વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પણ અસ્વસ્થ થઈ હતી. કોલેજ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સંબંધિત તમામ વિદ્યાર્થીઓને સાંભળવામાં આવી રહ્યા છે. ડીનના જણાવ્યા પ્રમાણે, હાલ પ્રાથમિકતા માનસિક રીતે અસ્વસ્થ થયેલા વિદ્યાર્થીની સંભાળ રાખવાની છે.
એન્ટી રેગિંગ કમિટીના સભ્ય ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, આ ઘટના બે દિવસ પહેલાં બની હતી. UGCના નિયમો મુજબ રેગિંગની ફરિયાદ મળે ત્યારે કમિટી બનાવીને કાર્યવાહી કરવાની હોય છે. આ મામલે ડીન દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા છે. પરીક્ષા અને ફટાકડા ફોડવા બાબતે થયેલી બબાલમાંથી આ વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. જો તપાસમાં રેગિંગ થયાનું સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગની ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. ચાર મહિના પહેલાં સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતા ડો. હર્ષે ચાર સિનિયરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. જ્યારે પાંચ મહિના પહેલાં ભાવનગરની સર ટી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પણ રેગિંગનો મામલો સામે આવ્યો હતો. તે કેસમાં છ વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને છ મહિનાથી લઈને બે વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વડોદરાની હાલની ઘટનામાં પણ તપાસ બાદ જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.








