Ahmedabad Police caught Drugs: અમદાવાદમાં રિલિફ રોડ પરથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા એક શખ્સને ચરસ અને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસ પહેલા અમદાવાદ એસઓજીએ 800થી વધુ ડ્રગ પેડલર્સ અને એનડીપીએસને લગતા અન્ય ગુનાઓના આરોપીઓને એક સ્થાન પર ભેગા કરી શીખામણ આપી હતી કે અહીંથી જ સુધરી જવાનું છે. નહીં તો કાયદો કાયદાનું કામ કરશે. જોકે શેઠની શીખામણ અહીં ઝાંપા સુધીની કહેવત અહીં પરફેક્ટ ફીટ બેસતી હોય તેવો ઘાટ ઘડાયો છે.
છેલ્લા ઘણા સમયથી આપણા ત્યાં જેમ ડ્રગ્સ, ચરસ, ગાંજાનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ અમદાવાદ સાથે ગુજરાતભરની પોલીસનું કામ પણ વધી ગયું છે. પોલીસ સતત આવા શખ્સોને દબોચવા માટે કાર્યરત રહેવા લાગી છે. હાલમાં જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકો અને વિંગ્સને આ અંગે નક્કર કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ દરમિયાનમાં અમદાવાદ પોલીસ દ્વારા થોડા જ દિવસો અગાઉ ડ્રગ પેડલર્સ અને નશાનો વેપાર કરતા નાના-મોટા પેડલર્સને નાગરવેલ સ્ટેડિયમ ખાતે એક સાથે બોલાવવામાં આવ્યા હતા. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ હાજર હતો અને તેમને ત્યાં જ સુધરી જવાની વૉર્નિંગ મીઠી ભાષામાં આપવામાં આવી હતી. જોકે આમાંથી કેટલા લોકો સાનમાં સમજી ગયા તેની ખબર નથી પરંતુ હજુ પણ ઘણા છે જેમને અક્કલ ના આવતા પોલીસે આપેલી વોર્નિંગ પ્રમાણે જ કાયદો કાયદાનું કામ કરવા લાગ્યો છે. હવે આ જ કડક કામગીરીના ભાગ રુપે પોલીસની નજર શહેર જિલ્લાઓમાં ચાલતા ડ્રગ નેટવર્ક પર સતત મંડરાઈ રહી છે.
આ દરમિયાનમાં એસઓજીના પીઆઈ સીબી ચૌહાણ તથા પીએસઆઈ જે બી દેસાઈને એક બાતમી મળી. તેમણે જાણકારી મળી કે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રિલિફ રોડ પર આવેલા મુર્તિમંત કોમ્પલેક્ષની પાસે એક શખ્સ નશીલા માદક પદાર્થ સાથે છે. બાતમી પ્રમાણે તેમણે ત્યાં કાર્યવાહી કરતા ત્યાંથી પ્રેમદરવાજા નજીક રહેતો નાસીરખાન ખલીલખાન પઠાણ 2.720 ગ્રામ ચરસ અને 4.3 ગ્રામ મેફેડ્રોન સાથે મળી આવ્યો હતો. જેની કુલ કિંમત 18680 રૂપિયાની હતી.








