Monday, November 23, 2026
HomeGujaratPSI ને મુર્ખ બનાવી SP એ કરાવી નાખ્યું એન્કાઉન્ટર, સત્ય ખબર પડી...

PSI ને મુર્ખ બનાવી SP એ કરાવી નાખ્યું એન્કાઉન્ટર, સત્ય ખબર પડી તો… | શતરંજ-98

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-98, નવજીવન ન્યૂઝ): દિવ્યાંગ જ્યારે સીઆઇડી ક્રાઇમની ઑફિસનાં પગથિયાં ચઢી રહ્યો હતો ત્યારે તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તે છાતી ઉપર હાથ મૂક્યા વગર પોતાના હૃદયના ધબકારા સાંભળી શકતો હતો. તે જ વખતે તેની પાસેથી સીડી ઉપરથી કોઈ પસાર થયું. તેને લાગ્યું કે તે વ્યક્તિએ પણ તેના હૃદયના ધબકારા સાંભળ્યા હશે, એટલે દિવ્યાંગે પાછું વળી તેની તરફ નજર કરી. પછી પોતાની ઉપર હસવું આવ્યું. કઈ રીતે પેલી વ્યક્તિએ તેના ધબકારા સાંભળ્યા હશે! પણ દિવ્યાંગના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો હતો. તે નક્કી કરી શકતો ન હતો કે તેને પરસેવો પગથિયાં ચઢી રહ્યો છે માટે થયો કે તેને ડર લાગી રહ્યો હતો! તે એક ક્ષણ પગથિયાંમાં ઊભો રહી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું કે શ્વાસ લેવાને કારણે તેના હૃદયના ધબકારા પહેલાં કરતાં કંઈક ઓછા થયા છે. પાછો તે ચાલવા લાગ્યો, સીઆઇડી ક્રાઇમનું નામ ભલે મોટું હોય પણ તેની ઑફિસની દશા કંઈ સારી હોતી નથી. પોલીસ સ્ટેશનના લૉકઅપ કરતાં પણ નાની ચેમ્બરમાં ઇન્સ્પેક્ટરો બેસતા હોય છે. દિવ્યાંગની નજર ત્યારે એક નેમપ્લેટ ઉપર પડી જેની ઉપર લખ્યું હતું : ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર. દિવ્યાંગ ફરી ત્યાં ઊભો રહી ગયો. એક તબક્કે તો લાગ્યું કે, અત્યારે જ તે અહીંયાંથી પાછો ફરી જાય. બીજી જ મિનિટે લાગ્યું કે આજે નહીં તો કાલે આ સ્થિતિનો સામનો તો કરવાનો જ છે. તે જેવો ચેમ્બર તરફ આગળ વધ્યો તે વખતે એક માણસ જેની ચાલ રુઆબદાર હતી તેના વ્યવહારમાં એક પ્રકારનું અધિકારપણું હતું. તે સીધી આવી પરમારની ચેમ્બરમાં દાખલ થઈ. ચેમ્બરની બહાર બે પોલીસવાળા ઊભા હતા. તેમણે પણ તેને સલામ કરી.

દિવ્યાંગ વિચારમાં પડી ગયો કે ‘કોણ હશે?’ આ ઇન્સ્પેક્ટર પરમાર હશે? ના, પરમાર તો ન હતા, કારણ કે રામના ઍન્કાઉન્ટર સ્પૉટ ઉપર અને હિંમતનગરમાં તેમને મળ્યો હતો. તો કોણ હશે? દિવ્યાંગ પોતે પણ પોલીસ-અધિકારી હતો. છતાં કોણ જાણે તેની બૉડી લૅંગ્વિઝ જ બદલાઈ ગઈ હતી! તેની અંદર એક પ્રકારની લાચારી અને ડર દાખલ થઈ ગયાં હતાં. તેના કારણે જ પરમારની ચેમ્બર બહાર પોલીસવાળાની નજર જ્યારે દિવ્યાંગ ઉપર પડી ત્યારે તેમને લાગ્યું કે કોઈ પબ્લિકનો માણસ હશે. એટલે કૉન્સ્ટેબલે પણ દિવ્યાંગને આરોપીને પૂછતો હોય તે રીતે પૂછ્યું : “કોનું કામ છે ભાઈ?” દિવ્યાંગ પોતે સબ-ઇન્સ્પેક્ટર છે તેવો પરિચય પણ આપી શક્યો નહીં. તેણે નમ્રતા સાથે કહ્યું : “પરમાર સાહેબને મળવું છે.” કૉન્સ્ટેબલે કહ્યું, “થોડી વાર ઊભા રહો. સાહેબ અંદર ગયા છે. બહાર આવે એટલે કહું.” દિવ્યાંગ પૂછવા માગતો હતો કે, અંદર ગયા તે સાહેબ કોણ છે. પણ પૂછી શક્યો નહીં. તે વિચારમાં હતો ત્યારે પરમારની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો. પરમારે જાતે દરવાજો ખોલ્યો અને થોડી વાર પહેલાં જે માણસ અંદર ગયો હતો તેની સાથે પરમાર ‘સર’ ‘સર’ કહી વાત કરતા હતા. દિવ્યાંગ સમજી ગયો કે આ કોઈ મોટા અધિકારી છે. પેલા અધિકારી જરૂરી સૂચના આપી ત્યાંથી રવાના થયા. બહાર ઊભા રહેલા પોલીસ-કૉન્સ્ટેબલ પણ સાવધાન પોઝિશનમાં હતા. પરમાર પાછા પોતાની ચેમ્બરમાં જઈ રહ્યા હતા. ત્યારે કૉન્સ્ટેબલે દિવ્યાંગ તરફ ઇશારો કરતાં કહ્યું, “સાહેબ, આપને મળવા કોઈ આવ્યું છે.” પરમારે દિવ્યાંગ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તરત દિવ્યાંગે સલામ કરતાં કહ્યું, “સર, સબ-ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ભટ્ટ.” પરમાર તેને તરત ઓળખી ગયા. પરમારના ચહેરા ઉપરના હાવભાવ બદલાઈ ગયા. જાણે લાંબો પરિચય હોય તેવો ચહેરો થઈ ગયો, તેમણે તરત દિવ્યાંગને કહ્યું : “અરે આવ દિવ્યાંગ. હમણાં ડીઆઇજી પંત આવ્યા હતા. તારી જ વાત કરતા હતા. “દિવ્યાંગને ખ્યાલ આવી ગયો કે, હમણાં જે અધિકારી ગયા તે ડીઆઇજી વિવેક પંત હતા. દિવ્યાંગને જેનો ડર લાગી રહ્યો હતો તે અધિકારી પણ હાજર હતા!

- Advertisement -

દિવ્યાંગના મગજમાં ઘમસાણ ચાલવા લાગ્યું. તે ભૂલી ગયો કે તેની સામે પરમાર ઊભા છે. તે જ વખતે પરમારે તેને કહ્યું, “આવ દિવ્યાંગ, અંદર આવ.” તે પોતાની ચેમ્બરમાં તેને લઈ ગયા. પોતાની ખુરશી ઉપર બેસતાં પરમારે દિવ્યાંગને બેસવાનો ઇશારો કર્યો અને તરત પોતાની પાસે રહેલા પાણીના જગમાંથી એક ગ્લાસ પાણી ભરી દિવ્યાંગની સામે મૂક્યો. દિવ્યાંગને બહુ આશ્ચર્ય થયું. કોઈ સિનિયર અધિકારીએ પોતે પાણીનો ગ્લાસ ભરી આ રીતે પાણી આપ્યું હોય તેવું પહેલી વખત બન્યું હતું. જોકે પરમાર પણ આવો વ્યવહાર પંત પાસેથી જ શીખ્યા હતા. પાણીનો ગ્લાસ જોતાં દિવ્યાંગને લાગ્યું કે, જાણે તેણે ઘણાં વર્ષોથી પાણી પીધું નથી. તેણે તરત ગ્લાસ ઉપાડ્યો અને બહુ તરસ્યો હોય તે રીતે એક ઝાટકે પાણી પી ગયો. પરમાર તેના વ્યવહારની નોંધ લઈ રહ્યા હતા. પરમારે દિવ્યાંગ સામે જોતાં કહ્યું, “રિલૅક્સ; ચિંતા કરવા જેવું કંઈ નથી. અમે અમારું કામ કરી રહ્યા છીએ. અમારો વ્યક્તિગત કોઈ એજન્ડા નથી. બસ, એક જ વિનંતી છે તને… હજી તું પોલીસ ફૉર્સમાં નવો છે. તને આ શતરંજની રમત નહીં સમજાય. એટલે શતરંજની રમતના ભાગીદાર થવાને બદલે આ રમતમાંથી બહાર નીકળી જાય તેમાં જ તારી ભલાઈ છે.” દિવ્યાંગે નાના બાળકની જેમ સવાલ પૂછ્યો : “મારે શું કરવું પડશે?” પરમાર હસવા લાગ્યા. દિવ્યાંગના ચહેરા ઉપર એક પ્રકારની નિર્દોષતા હતી.

પરમારે ખુરશીનો ટેકો લેતાં કહ્યું, “કંઈ ખાસ નહીં. જે સાચું છે તે તારે કહી દેવું પડશે. બસ! આટલું જ.” પછી એક શ્વાસ લેતાં કહ્યું, “નહીંતર…” પછી પરમાર ચૂપ થઈ ગયા. પરમાર આગળ કંઈ બોલશે તેની દિવ્યાંગ રાહ જોવા લાગ્યો પણ પરમાર કંઈ જ બોલ્યા નહીં. એટલે દિવ્યાંગે અધીરાઈ સાથે પૂછ્યું, “નહીંતર સાહેબ?…” પરમારે દિવ્યાંગની આંખમાં જોતાં કહ્યું, “નહીંતર વછરાજાની સાહેબની સાથે સેન્ટ્રલ જેલમાં રહેવું પડશે.” વાક્ય સાંભળતાં દિવ્યાંગના શરીરમાંથી એક કંપારી છૂટી ગઈ. વાત જેલ સુધી પહોંચી ગઈ હતી. મોકાનો લાભ લેતાં પરમારે પૂછ્યું : “બોલ દિવ્યાંગ, હમણાં તારું નિવેદન નોંધતો નથી, પણ મારે તારા મોઢે સાંભળવું છે કે, રામને તારા સુધી કોણ લઈ આવ્યું? તેં કોના કહેવાથી ખૂન…” પરમાર ખૂન શબ્દ ઇરાદાપૂર્વક બોલ્યા હતા. આમ છતાં તરત તેમણે કહ્યું, “સૉરી, ખૂન નહીં ઍન્કાઉન્ટર… કોની સૂચનાથી કર્યું તે મારે જાણવું છે.” દિવ્યાંગે સ્વસ્થ હોવાનો ડોળ કરતાં કહ્યું, “નહીં સર, તમે સમજો છો તેવી કોઈ વાત નથી. આ એકદમ જેન્યુઇન ઍન્કાઉન્ટર છે. ફરિયાદમાં જે લખ્યું છે તેવું જ થયું છે.” પરમાર શાંત થઈ ગયા. ચૂપચાપ બેસી ગયા પછી થોડો વિચાર કરી કહ્યું, “જો દિવ્યાંગ, તને સવાલ થતો હશે કે, રામના ઍન્કાઉન્ટરને અમારે શું નિસબત છે, એટલે નક્કી કરી લીધું હશે તેં કે તારું મોઢું બંધ રાખવું. પણ તારી જાણકારી માટે કહી દઉં કે નિઝામ કેસ અમારી પાસે છે તે તો તને ખબર જ હશે. નિઝામ અને રૂપાનું અપહરણ થયું ત્યારે તેની સાથે ત્રીજી પણ એક વ્યક્તિ હતી અને તે રામ હતો. અને માટે રામનું કામ તમામ થઈ ગયું.”

દિવ્યાંગના માથે વીજળી પડી હોય તેવું લાગ્યું. વછરાજાની તેની સાથે આટલી મોટી રમત રમી ગયા તેનો જરા પણ અંદાજ ના આવ્યો! રામનું કામ કરવા માટે વછરાજાની અમદાવાદથી સાબરકાંઠા આવ્યા હતા. એકસાથે અનેક પ્રશ્નો આંખ સામે આવી ગયા. દિવ્યાંગને લાગ્યું કે જાણે તે કોઈ અંધારિયા કૂવામાં આવીને પડ્યો હતો, જ્યાં પ્રકાશની એક પણ આછી રેખા પણ નજરે પડતી ન હતી. તે બહાર નીકળવા માટે બૂમો પાડી રહ્યો હતો પણ તેની બૂમ સાંભળનાર કોઈ ન હતું. દિવ્યાંગ સૂનમૂન થઈ ગયો. પરમારે તેનો હાથ હલાવી ઢંઢોળતાં પૂછ્યું : “દિવ્યાંગ…” તે ઝબકી ગયો. પરમાર શાંત હતા. એક ઇન્વેસ્ટિગેટર તરીકે તેમનું નિશાન તીર ઉપર લાગ્યું હતું તેનો અંદાજ આવી ગયો હતો. તે દિવ્યાંગને સમય આપવા માગતા હતા. મિનિટો સુધી ચેમ્બરમાં શાંતિ છવાઈ ગઈ. દિવ્યાંગને આ શાંતિ ડરામણી લાગતી હતી. તેને થયું કે પરમાર તેને કંઈક પૂછે અથવા વાત કરે તો સારું. પણ પરમાર કંઈ જ બોલ્યા નહીં. તે દિવ્યાંગ સામે જ જોઈ રહ્યા હતા. અને ત્યારે જ દિવ્યાંગને વિચાર આવ્યો કે, તે શા માટે પરમારની વાતથી આટલો ડરી ગયો?! તે પોતે પણ એક પોલીસ-અધિકારી હતો. તેણે પણ અનેક આરોપીઓની પૂછપરછ કરી હતી, જેમાં તેણે પણ આરોપીઓને આ રીતે જ મૂર્ખ બનાવી સાચી વાત કઢાવી લીધી હતી. તેને લાગ્યું કે કદાચ પરમાર તે જ પદ્ધતિ તેની ઉપર અપનાવી રહ્યા છે.

- Advertisement -

આ વિચારે જ દિવ્યાંગના શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થયો. તે થોડો ટટ્ટાર થયો અને તેણે કહ્યું, “સર, મેં મારી ફરિયાદમાં જે વિગતો નોંધી છે તે જ સાચી છે. રાજસ્થાન પોલીસ તરફથી મળેલા સંદેશા પ્રમાણે અમે નાકાબંધીમાં હતા ત્યારે રામ અમને મળી ગયો. તેણે અમારી ઉપર ગોળીબાર કર્યો જેના જવાબમાં થયેલી કાર્યવાહીમાં તે માર્યો ગયો.” પરમારના ચહેરા ઉપર એક હાસ્યની લહેર આવી. પરમારે પૂછ્યું : “દિવ્યાંગ, રામ રિવૉલ્વર ક્યાંથી લાવ્યો?” આ પ્રશ્ન અનપેક્ષિત હતો. દિવ્યાંગે ખચકાતાં કહ્યું, “સર, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. મને પણ તમારો જેવો જ પ્રશ્ન થયો. કારણ કે પોલીસ-કસ્ટડીમાંથી ફરાર થયેલો આરોપી કઈ રીતે રિવૉલ્વર મેળવે તેવો પ્રશ્ન મને પણ થયો હતો, પણ સર, હજી તે દિશામાં ખાસ કંઈ મળ્યું નથી.” પરમારને લાગ્યું કે દિવ્યાંગ ધાર્યા કરતાં વધુ સ્માર્ટ નીકળ્યો. તે આટલી સરળતાથી જવાબ નહીં આપે તેવો અંદાજ આવી ગયો હતો. સાથે દિવ્યાંગ ડરી ગયો હતો તે વાત પણ એટલી જ સાચી હતી. આ સંજોગોમાં તેના ડરને એન્કૅશ કરવો જરૂરી હતો. પરમાર એકદમ ઊભા થઈ ગયા અને દિવ્યાંગને કહ્યું, “ચાલો આવીએ.” દિવ્યાંગ ઊભો થયો નહીં, પણ તેણે તરત પૂછ્યું : “ક્યાં જવું છે સર?” પરમારે સહજતાપૂર્વક જવાબ આપ્યો : “ડીઆઇજી સાહેબ પણ તારી સાથે વાત કરવા માગતા હતા. ચાલ આપણે મળી લઈએ.” દિવ્યાંગને લાગ્યું કે જાણે તે કતલખાને જઈ રહ્યો હતો. પંતના નામથી તે ધ્રૂજી ગયો હતો. તે હજી ખુરશીમાં જ બેઠો હતો. દિવ્યાંગને લાગ્યું કે પંત પાસે જવા કરતાં તે પરમારને ખરેખર શું બન્યું હતું તે કહી દે. તેના માથામાં કોઈ બોથડ પદાર્થ વાગ્યો હોય અને મગજે વિચારવાનું છોડી દીધું હોય તેવી માનસિક દશામાં તે આવી ગયો હતો. પરમારે ફરી કહ્યું, “ચલ દિવ્યાંગ, સાહેબને મળતા આવીએ.” તે કંઈ પણ બોલ્યા વગર ઊભો થયો અને પરમારની પાછળ ચાલવા લાગ્યો. તેનું મગજ વિચારશૂન્ય થઈ ગયું હતું.

પરમારે પંતની ચેમ્બર આવતાં દરવાજો નૉક કર્યો અને અંદર દાખલ થયા. પરમાર અને દિવ્યાંગ બંનેએ પંતને સલામ કરી. પરમારે તેની તરફ ઇશારો કરતાં કહ્યું, “સર, પીએસઆઇ દિવ્યાંગ ભટ્ટ.” પંતે તરત જે ફાઈલ તેઓ જોઈ રહ્યા હતા તે બંધ કરતાં બંનેને બેસવાનો ઇશારો કર્યો. પંત પોતાની ખુરશીમાંથી ઊભા થયા. બારી પાસે જઈ બહાર જોવા લાગ્યા. ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી સિગારેટ સળગાવી બે-ત્રણ કશ મારી ચેમ્બરમાં ચક્કર મારતાં કહ્યું, “દિવ્યાંગ બેટા, ઍન્કાઉન્ટર મેં આપકો ભી ગોલી લગી થી ના?!” પોલીસખાતામાં કોઈએ ‘બેટા’ કહ્યું હોય તેવું પહેલી વખત થયું હતું. દિવ્યાંગ કંઈ જ જવાબ આપી શક્યો નહીં, એટલે પંત રોકાયા અને તેમણે દિવ્યાંગ સામે જોયું. પરમારે તેને ઇશારો કરી જવાબ આપવા કહ્યું, એટલે તરત તેણે ડાબા ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું, “સર, યહાં લગી થી.” પંતે જાણે ચિંતા કરતા હોય તે રીતે પૂછ્યું, “અબ કૈસા હૈ? ઘાવ ભર ગયા?” દિવ્યાંગે હા પાડી. આટલી વારમાં બહુ ઓછા સંવાદ થયા હતા. પંતે ઍશ-ટ્રેમાં સિગારેટ ઓલવી નાખી અને પાછા પોતાની ખુરશીમાં બેસતાં કહ્યું, “મુઝે દિખા સકતે હો ગોલી કહાં લગી થી?” દિવ્યાંગ પરમાર સામે જોવા લાગ્યો. પરમારે આંખના ઇશારે પંત સાહેબ જે કહે છે તે કરવાની સૂચના આપી. દિવ્યાંગને સંકોચ થતો હતો કારણ કે ડાબા ખભા ઉપર થયેલી ઈજા બતાવવા માટે શર્ટ કાઢવું પડે તેમ હતું.

પરમારે ફરી વખત સામે જોતાં દિવ્યાંગ ઊભો થયો અને તેણે શર્ટ કાઢી ડાબા ખભા ઉપર રહેલું નિશાન બતાવ્યું. પરમાર અને પંત બંનેએ ધ્યાનથી તેના ખભા ઉપર થયેલી ઈજાનું નિશાન જોયું. પરમારે ઇશારો કરતાં દિવ્યાંગે શર્ટ પહેરી લીધું. પંતે વિચાર કરી પૂછ્યું : “રામને તુમ પે ગોલી કિતને દૂર સે ચલાઈ થી?” દિવ્યાંગે તરત કહ્યું, “સર, પચાસ ફૂટકા અંતર હોગા.” પંતે તેની સામે ધ્યાનથી જોયું અને ઊભા થઈ કબાટમાંથી એક ફાઈલ કાઢી એક કાગળ ઉપર નજર કરી અને દિવ્યાંગ સામે મૂકતાં કહ્યું, “યહ તુમ્હારી મેડિકલ રિપોર્ટ હૈ. હિંમતનગર મેડિકલ ઑફિસર કી રિપોર્ટ કહેતી હૈ કિ તુમ્હારી જો ઇન્જરી હૈ વહ શૉર્ટરેન્જ સે હુઈ હૈ. અગર પચાસ ફૂટ દૂર સે ગોલી ચલતી તો ઇસ પ્રકાર કી ઇન્જરી નહીં હોતી. રિપોર્ટ કે અનુસાર ઇન્જરી કે આસપાસ બ્લૅક સર્કલ થા, યહ તભી હોતા હૈ જબ ગોલી બહુત હી નજદીક સે ચલી હો… એક યા દો ફૂટ.” દિવ્યાંગ કંઈ બોલ્યો નહીં. પંતે કહ્યું, “બેટા, સચ બતાઓ… ગોલી કિસને ચલાઈ? તુમને કોઈ પુલિસવાલે સે ખુદ કો ગોલી મરવાઈ યા ખુદ તુમને અપને આપ પે ગોલી ચલાઈ?” દિવ્યાંગ અને પરમાર બંનેને આંચકો લાગ્યો હતો, કારણ કે પંત આ વાત મૂકશે તેની ખબર જ ન હતી. પરમારને લાગ્યું કે પંત કાગળનો કીડો છે. કારણ કે આ મેડિકલ રિપોર્ટ તે પોતે પણ વાંચી ગયા હતા. પણ ગોળી કેટલા અંતરે ચાલી હશે તેવો વિચાર જ ના આવ્યો. પંત દિવ્યાંગ સામે જોઈ રહ્યા હતા એટલે દિવ્યાંગે કહ્યું, “સર, મૈં સચ બોલતા હૂં, પચાસ ફૂટ સે હી ગોલી ચલી થી.”
પંતે ફાઈલ બંધ કરી અને ઊભા થતાં પરમારને કહ્યું, “પરમાર, દિવ્યાંગજી કો અભી જાને દો. મૈં કોઈ બાત નહીં કરતા ચાહતા.” પરમાર અને દિવ્યાંગ બંને ઊભા થયા અને સલામ કરી ચેમ્બરની બહાર નીકળ્યા.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular