Tuesday, November 24, 2026
HomeGujaratજે કામ બાહોશ DIG ના કરી શક્યા તે એક 20 વર્ષની યુવતીને...

જે કામ બાહોશ DIG ના કરી શક્યા તે એક 20 વર્ષની યુવતીને સોંપાયું, હાર-જીતનો ખેલ શરૂ થયો| શતરંજ-99

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-99, નવજીવન ન્યૂઝ): ડીઆઈજી વિવેક પંત બીજા દિવસે સવારે પોતાની ઑફિસમાં દાખલ થયા ત્યારે તેમણે નોંધ્યું કે, તેમની ઑફિસની બહાર એક મહિલા બેઠી હતી. તેમણે તેની તરફ એક નજર કરી. તેણે પહેરવેશમાં સલવાર-કુર્તો પહેર્યાં હતા. તેના કારણે તે મહિલા મુસ્લિમ હોવાનો અંદાજ આવતો હતો. પંત આવ્યા એટલે તેમની ઑફિસની બહાર બેઠેલો સ્ટાફ ઊભો થઈ ગયો. તેની સાથે તે મહિલા પણ ઊભી થઈ ગઈ. તેનો રંગ ગોરો હતો. તેના હાથમાં રહેલી મહેંદી કોઈ પણ પુરુષની નજર પડે એટલી લાલ હતી. પંત એક પોલીસ-અધિકારી હતા. એક જ નજરમાં તેણે મહિલાને ઉપરથી નીચે સુધી જોઈ લીધી હતી. પોતાની ચેમ્બરમાં જતાં તેમણે યાદ કરી જોયું કે તેમણે કોઈ મહિલાને બોલાવી હતી?! પણ યાદ ના આવ્યું! તો પછી તેમની ચેમ્બરની બહાર બેઠેલી મહિલા કોણ હતી, શું કામ આવી હશે, તેવા અનેક પ્રશ્નો તેમણે પોતાને જ પૂછી નાખ્યા. થોડી વારમાં તરત જ તેમનો પટાવાળો પાણીનો ગ્લાસ લઈ અંદર દાખલ થયો. પંત પોતાની ઉત્સુકતા રોકી શક્યા નહીં. તેમણે પટાવાળાને પૂછ્યું : “ભાઈ, બાહર હૈ વહ ઔરત કોન હૈ? કિસે મિલને આઈ હૈ?” પોલીસમાં નોકરી કરતા પટાવાળા પણ પોલીસ જેવા જ થઈ જાય છે. પંત આવતાં પહેલાં તેણે બધી પૂછપરછ કરી રાખી હતી. પટાવાળાએ ગ્લાસ મૂકતાં કહ્યું, “સર, તે પરમાર સાહેબને મળવા આવી છે. મેં તેને કહ્યું કે, પરમાર સાહેબ અહીંયાં બેસતા નથી. તો તેણે કહ્યું, ‘પરમાર સાહેબે મને પંત સાહેબની ઑફિસ બહાર બેસવા માટે જ કહ્યું હતું.’ તે રાજસ્થાનથી આવી છે.” પંત વિચારમાં પડી ગયા! પરમાર પણ ખરા માણસ છે! કોઈને મળવા બોલાવે તો પછી મારી ઑફિસ બહાર કેમ બેસવાની સૂચના આપી હશે? અને રાજસ્થાનથી મહિલા આવી છે તો કોણ હશે? પંત પાણીનો ગ્લાસ હાથમાં જ પકડી વિચારમાં હતા ત્યારે કાને અવાજ પડ્યો : “કમઇન સર?” અને ચેમ્બરનો દરવાજો ખૂલ્યો. સામે પરમાર જ હતા. તેમણે ‘જયહિંદ’ કહી સલામ કરી.

પરમાર દાખલ થતાં જ પટાવાળો સમજી ગયો કે, હવે તેણે બહાર જવું જોઈએ. તે બહાર નીકળતાં પરમાર આગળ આવ્યા. પંતે પાણી પીતા પરમારને હાથના ઇશારે બેસવાની સૂચના આપી. પંત કંઈ પૂછે તે પહેલાં જ પરમારે એક વખત ચેમ્બરના દરવાજા તરફ પાછા વળી નજર કરી કે, પટાવાળો જતો તો રહ્યો છે ને અને દરવાજો ખુલ્લો તો નથી ને! પછી થોડા આગળની તરફ આવી રોજ કરતાં ધીમા અવાજે કહ્યું, “સર, આપને બોલા થા વૈસા કિયા. મુઝે લગતા કિ તીર નિશાને કી ઓર જા રહા હૈ.” પંત કંઈ સમજ્યા નહીં. પરમારે ફરી એક વખત પાછા વળી દરવાજા તરફ જોયું અને પાછળની તરફ હાથનો ઇશારો કરતાં કહ્યું, “સર, વો બેઠી હૈ, વહ શેહમીના હૈ. પીએસઆઇ ઇકબાલ શેખ કી બીબી હૈ. મૈંને અપની વુમન પીએસઆઇ કો રાજસ્થાન ઇસકે ઘર ભેજા થા. વહ અકેલી હી રહતી હૈ. ઇકબાલ કી ગિરફતારી કે બાદ બહુત દુઃખી હૈ. જબ વુમન પીએસઆઇને ઇકબાલ સે મિલને કી બાત કી તો સાથ આને કો રાજી હો ગઈ.” પંતે ઊંડો શ્વાસ લીધો હતો. ઇકબાલની પત્ની શેહમીનાને અહીંયાં બોલાવવાનો નિર્ણય તેમનો જ હતો. જોકે કાયદેસર તેને બોલાવી શકાય તેમ ન હતી, કારણ કે આ કેસ સાથે તેને કોઈ લેવાદેવા ન હતી, પણ જો તે સ્વેચ્છાએ અહીંયાં આવે તો એક મહત્ત્વનું કામ થઈ શકે તેમ હતું.

- Advertisement -

ઇકબાલની ભૂમિકા કંઈક વિચિત્ર હતી. તે ઍન્કાઉન્ટર ટીમમાં સામેલ હતો, પણ તેણે ગોળી ચલાવી જ ન હતી. પંતે તેને સાક્ષી થવા સમજાવ્યો પણ તે માનવા તૈયાર ન હતો. એક તરફ પંતને ઇકબાલ આ કેસમાં ખોટો ફસાઈ રહ્યો છે તેનું દુઃખ થતું હતું. બીજી તરફ જો પોતાનાં પત્તાં સીધાં પડે તો કાયદાની કોર્ટમાં આ કેસ મજબૂત રીતે ઊભો થઈ શકે તેમ હતો. પંત જાણતા હતા કે, આ કેસની ઘણી નબળી અને ખૂટતી કડીઓ છે. કોર્ટમાં બચાવપક્ષ તે જ કડીઓનો પોતાના ફાયદામાં ઉપયોગ કરે તેમ હતું. પોતાના વર્ષોના અનુભવનો આ નિચોડ હતો. ઘણી વખત જે આરોપી પોલીસના મારથી કે ડરથી તૂટતો નથી તે લાગણીમાં તૂટી જાય છે અને ઇકબાલ શેખની નબળી કડી એટલે તેની એકલી રહેતી પત્ની શેહમીના હતી. પંતની આ ચાલ હતી. તે ઇકબાલ સામે શેહમીનાને મૂકવા માગતા હતા. તેમનો અનુભવ કહેતો હતો કે તે સાચી દિશામાં જઈ રહ્યા છે… પરિણામ મળશે. પણ તે હજી ઇકબાલ શેખની માનસિક સ્થિતિ કેવી છે તે જાણતા ન હતા. જોકે ચાન્સ લેવામાં કંઈ ખોટું ન હતું. તેમને પ્રથમ પગલે તો સફળતા મળી હતી. શેહમીના ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઑફિસ સુધી આવે તે જરૂરી હતું અને તેમાં સફળતા મળી હતી.

પંતે પરમાર સામે એક સ્મિત આપતાં કહ્યું, “ઠીક હૈ, પહલે શેહમીના કો બુલાવો.” પરમાર ઊભા થયા અને દરવાજો ખોલી તેમણે બહાર બેઠેલી શેહમીનાને અંદર આવવાનો ઇશારો કર્યો. તે અંદર આવે ત્યાં સુધી પરમાર જાતે દરવાજો ખોલી ઊભા રહ્યા. શેહમીના ખૂબ જ નાની છોકરી હતી… માંડ વીસ વર્ષની અત્યંત ગભરુ અને સરળ. હજી તે માંડ પરણી આવી હતી તેવામાં જ તેના પતિની ધરપકડ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. પરણી ત્યારે ખૂબ ખુશ હતી. તેનો પતિ પોલીસવાળો છે તેનું તેને ગૌરવ હતું, પણ પછી તો તેના પતિએ એવું તો કયું કામ કર્યું હતું, તેને ખબર ન હતી. જ્યારે તેને ખબર પડી કે તેના પતિની ધરપકડ થઈ છે ત્યારે તેને પોક મૂકીને રડવું હતું. પણ તે રડે તો તેના માથે હાથ મૂકનાર કોઈ ન હતું. એટલે તે હજી સુધી રડી ન હતી. તે પંતની ચેમ્બરમાં દાખલ થઈ ત્યારે તેના ચહેરા ઉપર એક ડર હતો. તે ચેમ્બરમાં ચારે તરફ નજર ફેરવી જોઈ રહી હતી. પંત તેને જોઈ રહ્યા હતા. તે જ વખતે પંતને અચાનક યાદ આવ્યું. તે પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને પરમારને કહ્યું, “અરે પરમાર, એક વુમન-કૉન્સ્ટેબલ કો બુલવા લો.” પરમારને પણ લાગ્યું કે તેમની ભૂલ થઈ ગઈ. એક મહિલાને જ્યારે તેમણે બોલાવી હતી ત્યારે તેની સાથે મહિલા-કૉન્સ્ટેબલ હોવી જરૂરી હતી. તેનાં બે કારણો હતાં. પહેલું કારણ શેહમીનાને પણ સાથે કોઈ મહિલા હોય તો ડર ઓછો લાગે અને નિયમ પ્રમાણે પણ પોલીસ-અધિકારી કોઈ મહિલા સાથે વાત અથવા પૂછપરછ કરતી વખતે મહિલા પોલીસની-હાજરી હોવી અનિવાર્ય હતી.

પરમાર ઝડપથી બહાર નીકળી મહિલા-કૉન્સ્ટેબલને બોલાવવા બહાર નીકળ્યા ત્યારે ચેમ્બરમાં શેહમીના અને પંત બે જ હતાં. પંતને લાગ્યું કે આ સ્થિતિમાં તેની સામે જોવામાં તેને સંકોચ થશે, એટલે પંત ઊભા થઈ બારીની બહાર જોવા લાગ્યા. બે-ત્રણ મિનિટમાં પરમાર મહિલા-કૉન્સ્ટેબલ સાથે પાછા આવ્યા. કૉન્સ્ટેબલે પંતને સલામ કરી અને એક તરફ ખૂણામાં ઊભી રહી ગઈ. પંત પોતાની ખુરશીમાં બેઠા. હજી શેહમીના પોતાના બંને હાથ જોડી ઊભી જ હતી. પંતે તેની સામે જોતાં કહ્યું : “બેટા બૈઠો. ડરો મત. તુમ એક પુલિસવાલે કી બીવી હો. ઓર મેરી બેટી સમાન.” તો પણ શેહમીના બેઠી નહીં. પરમારે તેને આગ્રહ કરી બેસાડી. પંતે એક નિશ્વાસ નાખતાં કહ્યું, “દેખો બેટા, કોઈ ભી પુલિસવાલે કો ગિરફતાર કરના મુઝે અચ્છા નહીં લગતા. લેકિન મૈં મજબૂર હૂં, મુઝે ઇકબાલ કો મજબૂરન ગિરફ્તાર કરના પડા. મૈં જાનતા હૂં વો બેકસૂર હૈ, લેકિન વહ ખુદ માનને કો તૈયાર નહીં કિ વહ બેકસૂર હૈ. મૈંને ઉસે સમજાયા લેકિન વહ મેરી બાત માનને કો તૈયાર નહીં.” શેહમીના નીચી નજર રાખી બધું સાંભળી રહી હતી. પંતે પરમાર તરફ ઇશારો કરતાં કહ્યું, “યહ ઇન્સ્પેક્ટર પરમાર હૈ, ઇસ કેસ કી તફ્તીશ (તપાસ) વો કરતે હૈં, ઉન્હોંને મુઝે રિક્વેસ્ટ કિયા થા, ઇકબાલ કી બીવી અકેલી હૈ. એક બાર ઉસકી મુલાકાત હો જાય તો અચ્છા. મૈં ઇસ બાતસે સહમત નહીં થા, લેકિન પરમારને કહા ઇસ લિયે તુમ્હેં બુલા લિયા. તુમ ઇકબાલ કો મિલ સકતી હો.”

- Advertisement -

‘ઇકબાલને મળી શકાશે’ તેવું સાંભળતાં શેહમીનાએ પંત સામે પહેલી વખત નજર ઊંચી કરી જોયું. તેણે આભાર માન્યો નહીં, પણ તેની નજર આભાર માની રહી હતી. પંતે કહ્યું : “પરમાર, ઠીક હૈ. આપ ઇકબાલ સે ઇસકી મુલાકાત કરવા દો.” શેહમીના અને પરમાર ઊભાં થયાં, ત્યારે પંતે શેહમીનાને કહ્યું, “દેખો બેટા, ઇકબાલ કો બતાના. ખુદા કે વાસ્તે સચ બોલે. જો તુમ્હારે દોનોં કે લિયે ફાયદે મેં રહેગા.” પરમાર શેહમીનાને લઈ પોતાની ચેમ્બરમાં ગયા, શેહમીનાને ત્યાં બેસાડી ઇકબાલને લેવા ગયા. હજી તે પોલીસ-રિમાન્ડ ઉપર હોવાને કારણે તેમની પાસે જ હતો. જોકે ઇકબાલને ખબર ન હતી કે તેની પત્ની તેને મળવા આવી છે. થોડી જ વારમાં ઇકબાલ પરમાર સાથે આવ્યો અને જેવો તે પરમારની ચેમ્બરમાં દાખલ થયો ત્યાં તેણે શેહમીનાને જોઈ. તે સાચું માની શકતો ન હતો કે તેની શેહમીના તેની સામે છે. તેણે એક વખત પરમાર સામે જોયું. પરમારે જાણે તેની ખાતરી કરાવતો હોય તે રીતે આંખ હલાવી કહ્યું, “હા, તારી જ શેહમીના તારી સામે ઊભી છે.” અને ધીરજનો બંધ તૂટ્યો. એક જ ક્ષણમાં ઇકબાલ અને શેહમીનાની આંખોમાં આંસુઓ વહેવા લાગ્યાં. પરમાર તેમને એકલા છોડવા માગતા હતા. ઇકબાલ અને શેહમીનાને પણ એકલામાં વાત કરવા દેવા માગતા હતા. પરમારે ઇકબાલના ખભે હાથ મૂકતાં કહ્યું, “મૈં અભી આતા હૂં. આપ બાત કર લો.” પરમાર ચેમ્બરની બહાર નીકળ્યા, ત્યારે બહાર ઊભા રહેલા કૉન્સ્ટેબલને તેમણે ઇકબાલ ઉપર નજર રાખવા આંખથી ઇશારો કર્યો અને ત્યાંથી રવાના થયા.

(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular