Tuesday, November 17, 2026
HomeGujaratCCTV: મોરબીમાં કાર એવી ફંગોળાઈ કે ફેંકાઈ ગયા બે યુવકો, બે મોત,...

CCTV: મોરબીમાં કાર એવી ફંગોળાઈ કે ફેંકાઈ ગયા બે યુવકો, બે મોત, એક ઈજાગ્રસ્ત

- Advertisement -

Morbi car accident cctv: રાજકોટથી મોરબી તરફ જઈ રહેલી પૂરપાટ ઝડપે દોડતી સ્વિફ્ટ કારને ટંકારા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કાર ગોળાઈમાં ચાલકના કાબૂ બહાર જતાં એક બાદ એક 8થી વધુ વખત પલટી મારી હતી અને ત્યારબાદ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે યુવકો અંદાજે 15 ફૂટ ઊંચે ઉછળીને રસ્તા પર પટકાયા હતા. બંને યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. શનિવારે સવારે આશરે 8:30 વાગ્યે ખજૂરા હોટલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા જીવણ સવજી ડાભી, અમન ગણેશ બાબરીયા અને પ્રભાત લામકા ત્રણેય યુવકો શનિવારે સવારે સ્વિફ્ટ કાર લઈને રાજકોટથી મોરબી જવા નીકળ્યા હતા. ત્રણેય યુવકો ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા હતા અને કામના અર્થે મોરબી જઈ રહ્યા હતા. દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ગોળાઈમાં પહોંચી હતી. આ સમયે ચાલક અમન ગણેશ બાબરીયાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર બેકાબૂ બની હતી અને એક બાદ એક 8થી વધુ વખત પલટી મારી હતી. ત્યારબાદ કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી.

- Advertisement -

અકસ્મતમાં કારમાં સવાર ત્રણેય યુવકોને ગંભીર અસર થઈ હતી. કાર પલટી ખાતી વખતે ચાલક અમન ગણેશ બાબરીયા અને આગળની સીટ પર બેઠેલા પ્રભાત લામકા કારમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. બંને યુવકો અંદાજે 15 ફૂટ ઊંચે ઉછળીને રસ્તા પર પટકાયા હતા. માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે પાછળની સીટ પર બેઠેલા જીવણ સવજી ડાભીને ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા જીવણ સવજી ડાભીએ જણાવ્યું હતું કે તેઓ મોરબીથી ટંકારા પહોંચ્યા ત્યારે કાર પલટી મારી ગઈ હતી. ત્યારબાદ શું થયું તેની તેમને વધુ જાણ નથી. પ્રભાત અને અમન આગળની સીટ પર બેઠા હતા, જ્યારે તેઓ પાછળ બેઠા હતા. કાર કોઈ અન્ય વાહન સાથે અથડાઈ નહોતી. તેમને હોઠ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. કાર ઊભી રહ્યા બાદ તેઓ ધીમે ધીમે બહાર નીકળ્યા હતા. કાર અનેક વખત પલટી ખાવાને કારણે તેમને સમગ્ર ઘટનાક્રમ યાદ રહ્યો નહોતો.

આ બનાવ અંગે પોલીસે રાજકોટમાં ક્રાઈસ્ટ હોસ્પિટલ સામે રહેતા જીવણ સવજી ડાભીની ફરિયાદના આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કારચાલક મૃતક અમન ગણેશ બાબરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં બે યુવકોનાં મોત થતાં રાજકોટ અને મોરબી પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular