Sunday, November 22, 2026
HomeGujaratએવો મરદ મૂછાળો DIG કે જે DGPને પણ ના ગાંઠ્યોઃ મંત્રીએ ના...

એવો મરદ મૂછાળો DIG કે જે DGPને પણ ના ગાંઠ્યોઃ મંત્રીએ ના કહેવાના શબ્દોથી DGPને ખખડાવ્યા | શતરંજ-96

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-96, નવજીવન ન્યૂઝ): પોલીસ-રિમાન્ડનો પાંચમો દિવસ હતો. મોટા ભાગના સિનિયર પોલીસ-અધિકારીઓની પૂછપરછ ડીઆઇજી વિવેક પંત કરી ચૂક્યા હતા. આખી ઘટનાથી ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોર ભારે નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. તેમણે ડીજીપી રામકિશોર ચૌબેને બોલાવી ના કહેવાના શબ્દો કહ્યા હતા, પણ ચૌબે લાચાર હતા, કારણ કે ગૃહમંત્રી કોઈ વાત અને કાયદાની મર્યાદાઓ સમજવા તૈયાર ન હતા. જ્યારે વિવેક પંત ડીજીપીની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા. સતત પ્રેશરમાં રહેતા ડીજીપીને અંદરથી તો લાગતું હતું કે, વિવેક પંત જેવો મર્દ માણસ નીકળ્યો તે સારું થયું, બાકી માતેલા સાંઢની જેમ બેફામ થઈ ગયેલા અમર ઠાકોરને કોઈ રોકનારું કે ના પાડનાર જ ન હતું. હવે પૂછપરછમાં રાજસ્થાન પોલીસના સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખનો નંબર હતો. પહેલી નજરે કોઈ પણને ગમી જાય તેવી ઇકબાલની પર્સનાલિટી હતી. છ ફૂટ ઊંચાઈ, ગોરો રંગ અને પોલીસ-કટ વાળ હતા. વિવેક પંતની ઑફિસમાં દાખલ થતાં તેણે સલામ કરી એટલે પંતે તેને બેસવાનો ઇશારો કર્યો. તેણે કહ્યું, “નહીં જનાબ, હમ ખડે હી રહેંગે.” પંતને લાગ્યું કે અકડુ પોલીસવાળો છે. સીધી આંગળીએ ઘી નીકળશે નહીં.

ઇકબાલ ઊભો હતો, એટલે પંત પણ ઊભા થયા અને તેઓ પોતાની ચેમ્બરમાં ચાલતાં ચાલતાં સવાલો પૂછી રહ્યા હતા. ચેમ્બરમાં વિવેક પંત અને ઇકબાલ એ બે વ્યક્તિઓ હતી. ખબર નહીં પણ પંતે પરમારને કહ્યું : “તમારી જરૂર પડે તો બોલાવી લઈશ.” ઇકબાલ બધા જ પ્રશ્નોના ઉત્તર સ્પષ્ટ અને ટૂંકા આપતો હતો. તે દરેક વખતે તેનું વાક્ય જનાબથી જ શરૂ કરતો હતો. બે કલાક સુધી તે સાવધાન પોઝિશનમાં ઊભો રહી જવાબ આપી રહ્યો હતો. બે કલાકમાં પંત તેની પાસે કોઈ જ નવી વિગત કઢાવી શક્યા ન હતા. પંત પોતાની ખુરશી ઉપર બેઠા, તેમણે ઇકબાલ સામે જોતાં પૂછ્યું, “મુસલમાન હો ના?” ‘સર’ કહીને ઇકબાલે હા પાડી. પણ ઇકબાલને આ પ્રશ્ન પસંદ પડ્યો ન હતો. આખી ઘટનાને પોતાના ધર્મ સાથે શું સંબંધ હતો? તે એક પોલીસ-અધિકારી હતો અને પોલીસ તરીકે જ કામ કરતો હતો. તેને ધર્મ સાથે કોઈ નિસબત ન હતી… આરોપી હિંદુ છે કે મુસલમાન. પંતે ધર્મ સંબંધે જ બીજો પ્રશ્ન પૂછ્યો, “ખુદા પે ભરોસા હૈ?” ‘જનાબ’, કહી તેણે ફરી હા પાડી. “ડર લગતા હૈ ખુદા કા?” ‘જનાબ’ — ઇકબાલ જ્યારે ‘હા’માં ઉત્તર આપતો ત્યારે માત્ર જનાબ જ કહેતો.

- Advertisement -

“ફિર ભી ઇકબાલ, તુમ જૂઠ બોલ રહે હો” — તેમ કહી પંતે જોરથી ટેબલ ઉપર હાથ પછાડ્યો અને ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એક ક્ષણ માટે ખુદ ઇકબાલ પણ પંતનું આ સ્વરૂપ જોઈ ધ્રૂજી ગયો હતો. પંત ખરેખર ગુસ્સામાં જ હતા. તેમણે ગુસ્સામાં જ પૂછ્યું, “તુમને નિઝામ પે કિતની ગોલી ચલાઈ?” “જનાબ, તીન ગોલી હમને સેલ્ફ ડિફેન્સ મેં ચલાઈ.” “જૂઠ બોલ રહે હો જૂઠ. તુમને એક ભી ગોલી નહીં ચલાઈ નિઝામ પે. તુમ જાનતે થે, નિઝામ ગુંડા થા, ટેરરિસ્ટ નહીં.” ઇકબાલ કંઈ જ બોલ્યો નહીં. પંતને લાગ્યું કે ઇકબાલ આમ માનશે નહીં. પંતે પોતાના ટેબલ ઉપર પડેલા કેટલાક કાગળો હાથમાં લીધા અને ઇકબાલ પાસે આવી કહ્યું, “દેખો… પઢ સકતે હો? યહ બેલિસ્ટિક રિપોર્ટ હૈ. યહ રિપોર્ટ કહતી હૈ કિ ઇકબાલ, તુમ્હારે વેપન સે કોઈ ફાયરિંગ હુઈ નહીં.” ઇકબાલે રિપોર્ટ સામે જોયું. તેને સમજાયું કે પંત પાસે મજબૂત પુરાવો હતો.

પંત પાછા પોતાની ખુરશી ઉપર બેઠા. પાણીના ગ્લાસ ઉપર પડેલી ડિશ હટાવી પાણી પીધું. પછી જાણે પોતાને જ ગુસ્સો કરતા રોકી રહ્યા હોય તેમ કહ્યું, “બહુત ગુસ્સા આ ગયા ક્યૂં?” તેમણે ઇકબાલને કહ્યું, “દેખો ઑફિસર, આપ જિસ સ્કૂલ મેં પઢતે હો વહ સ્કૂલ કે હમ હેડમાસ્ટર રહ ચૂકે હૈં. જો બાત ઔર કિસી કો શાયદ સમજ નહીં આતી વહ મુઝે આ રહી હૈ. તુમ ઈમાન કે પક્કે હો, ખુદા સે ડરતે હો ઇસી લિયે કોઈ બેકસૂર પે તુમને ગોલી નહીં ચલાઈ, ફિર આપને સાથીઓં કે સાથ ખડે રહકે કહતે હો તુમને તીન ગોલી ચલાઈ? મેરી એક રિક્વેસ્ટ માનોગે?” ઇકબાલે માથું હલાવી હા પાડી. પંતે કહ્યું, “બૈઠો; મૈં તુમસે કુછ પર્સનલ બાત કરના ચાહતા હૂં.” ઇકબાલ બેઠો. પંત ફરી ઊભા થઈ ચક્કર મારવા લાગ્યા. તેમણે પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું, “દેખો, યહ કેસ મેરા હૈ ઇસ લિયે મૈં તુમ પે કોઈ દબાવ નહીં ડાલ રહા. અગર તુમને ગોલી ચલાઈ હોતી તો મૈં તુમ્હેં બક્ષતા ભી નહીં, લેકિન સાયન્ટિફિક એવિડન્સ કુછ ઔર કહતે હૈં. તુમ ઇસ કેસ મેં નહીં હો. મૈં તુમ્હેં ઇસ કેસ મેં ડાલના નહીં ચાહતા. લેકિન તુમ્હેં મેરી મદદ કરની હોગી.” ઇકબાલ શાંત હતો. પંતે કહ્યું, “દેખો ઇકબાલ, આજ તુમ તુમ્હારે સાથીઓં કે બારે મેં સોચ રહે હો. લેકિન ઘર પે તુમ્હારી એક બીવી ભી હૈ. મુઝે પરમારને બતાયા કિ અભી અભી તુમ્હારા નિકાહ હુવા હૈ. પૂરી જિંદગી જેલમેં જાયેગી ઉસકે બારે મેં સોચા હૈ? ઔર જો ગુના તુમને કિયા હી નહીં ઉસકી સજા ક્યોં અપને પે લે રહે હો?” ઇકબાલ હજી શાંત હતો.

“ઇકબાલ, કુછ તો બોલો?” પંતે કહ્યું. ઇકબાલે હમણાં સુધી મનમાં જે રાખ્યું હતું તે કહેવાની શરૂઆત કરી, “સર, આપને બતાયા કિ…” તે પહેલી વખત ‘સર’ કહી રહ્યો હતો : “કિ મૈં મુસલમાન હૂં. ભલે મૈં કભી મદ્રેસા મેં ગયા નહીં, મુઝે ઉર્દૂ ભી નહીં આતી. મૈં એક પુલિસ-અફસર હું. લેકિન મૈં જાનતા હું લોગ મુઝે શક કી નજર સે દેખતે હૈં. મૈં આપકી બાત માન લૂં ઔર કહૂંગા કિ મૈંને ગોલી નહીં ચલાઈ તો ઇસકા મતલબ પૂરા ડિપાર્ટમેન્ટ ક્યા નિકાલેગા? આપ જાનતે હો… મુઝે ગદ્દાર કહેંગે. ઔર ઇસ દેશ મેં હમ મુસલમાનોં કો રોજ હમ ગદ્દાર નહીં હૈં ઉસકા ઇમ્તહાન દેના પડતા હૈ. સર, ગદ્દાર કહલાઉં ઉસસે બહેતર પૂરી જિંદગી જેલ મેં હી રહૂં.” પંતે કહ્યું, “તુમ અપની જગહ સહી હો. અગર મૈં મુસલમાન હોતા તો શાયદ યહી શોચતા. મૈં તુમ્હેં અપને સાથીઓં કે ખિલાફ ગવાહી દેને કી બાત નહીં કરતા. બસ, તુમ ઇસમેંસે નિકલ જાઓ ઇતના હી ચાહતા હૂં.” જોકે પંતને ત્યારે એવી પણ ખબર ન હતી કે આખા કેસમાંથી ઇકબાલ બહાર નીકળવા માગતો હોય તો કેવી રીતે નીકળી શકે. પણ ઇકબાલના મનમાં તેમણે વિચારવાનું બીજ રોપી દીધું હતું.

- Advertisement -

પંતે ઇન્ટરકૉમ ફોન કરી પરમારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને ઇકબાલ તરફ ઇશારો કરતાં કહ્યું, “દેખો પરમાર, ઐસે ભી ઇન્સાન હમારે ડિપાર્ટમેન્ટ મેં હૈ.” પરમાર કંઈ સમજ્યા નહીં. તે ઇકબાલ અને પંત સામે જોતા રહ્યા. પંતે પૂછ્યું, પરમાર! તુમને મુઝે બેલિસ્ટિક રિપોર્ટ દી થી, વો આપને પઢી થી?” પરમારને ખબર ના પડી કે હા કહું કે ના કહું? અને જો હા પાડીશ તો પંત સાહેબ બે સવાલ પૂછશે જેનો જવાબ કદાચ તેમની પાસે નહીં હોય. પરમારે સિફતપૂર્વક જવાબ આપ્યો : “હા સર, ઉપર ઉપર સે દેખ લી થી.” પંતે તેમને કાગળો બતાવતાં પરમાર તે જોવા માટે નજીક આવ્યા. “દેખો આપને જિતને વેપન બેલિસ્ટિક ટેસ્ટ કે લિયે ભેજે થે, વો સભી કા ઍનાલિસિસ હૈ. સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ કા વેપન-રિપોર્ટ ક્યા કહતા હૈ?” પરમાર ધ્યાનથી વાંચવા લાગ્યા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ઇકબાલ સામે જોયું અને પછી પંત સામે જોતાં કહ્યું, “સર ઇકબાલને તો ગોલી ચલાઈ નહીં.” પરમારને લાગ્યું કે ખરેખર ઇકબાલને પકડી તેમણે ભૂલ કરી દીધી! પંતે પરમારનો ચહેરો જોતાં કહ્યું, “લેકિન પરમાર સા’બ, યહ ઇકબાલ શેખ તો કહતે હૈં કિ ઉન્હોંને તીન ગોલિયાં ચલાઈ. વો બિના ગોલી ચલાયે જેલ મેં જાને કો તૈયાર હૈ. બોલો, ઇનકા ક્યા કિયા જાય?” પરમાર સ્તબ્ધ હતા. તેમની કૅરિયરમાં આ પહેલો કિસ્સો હતો. કદાચ પંત ના હોત તો ઇકબાલની જિંદગી જેલમાં જ જવાની હતી, પણ પંત ઇકબાલની મદદ કરવા માગી રહ્યા છે તેવો અહેસાસ પરમારને થયો. સારું પણ લાગ્યું.

ઇકબાલ સામે જોતાં પંતે કહ્યું, “કોઈ બાત નહીં. પરમાર, અભી આપ ઉનકો લે જાઓ. અગર વો સહી બોલને કો તૈયાર હૈ તો હમ ઉનકી મદદ કર સકતે હૈં. વરના ઉનકો ખુદા ભી બચા નહીં સકતા.” ઇકબાલ ઊભો થઈ બહાર નીકળી રહ્યો હતો ત્યારે પંતનું છેલ્લું વાક્ય તેના કાને પડ્યું : “ઇકબાલ જેલ મેં રહેગા ઔર ઉસકી બીવી શૌહર કે હોતે હુવે ભી બેવા કી જિંદગી બસર કરેગી.” ઇકબાલને આ વાક્ય સાંભળીને લાગ્યું કે તેના કાનના પડદા ફાટી જશે. તે જલદીથી પંતની ઑફિસની બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular