Sunday, November 15, 2026
HomeGujaratDIG એ કોર્ટની અંદરની જાણીતા વકીલને જ ભણાવી દીધો કાયદાનો પાઠ અને...

DIG એ કોર્ટની અંદરની જાણીતા વકીલને જ ભણાવી દીધો કાયદાનો પાઠ અને મેળવ્યા આરોપીઓના રિમાન્ડ | શતરંજ-90

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-90, નવજીવન ન્યૂઝ): PI વિનોદ પરમાર ૧૨ના ટકોરે ઑફિસમાં પરત આવી ગયા. તે આવી ગયા છે તેની જાણ પણ પંતને કરી દીધી હતી. પંતની સૂચના પ્રમાણે તમામ આરોપીઓને ત્રણ વાગે કોર્ટમાં રજૂ કરવાના હતા. પરમારે સરકારી વકીલ મૂકેશ ગોડસેને પણ જાણ કરી દીધી હતી. ત્રણ આઇપીએસ અધિકારી સહિત કુલ સાત પોલીસ-અધિકારીઓને કોર્ટમાં લાવે છે તેવી જાણ થઈ જતાં, પત્રકારો, વકીલો અને પોલીસ-અધિકારીઓના સમર્થકોનાં ટોળાં મોટી સંખ્યામાં બપોરના બાર વાગ્યાથી મિરઝાપુર કોર્ટમાં આવી ગયાં હતાં. સ્થાનિક પોલીસે પણ પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા કરી દીધી હતી. પરમાર પોતાની ઑફિસમાં બેસી રિમાન્ડ અરજી તૈયાર કરી રહ્યા હતા. રિમાન્ડમાં કયાં કયાં કારણો હશે તેની એક નોટ વિવેક પંતે કરી નાખી હતી. તેના આધારે જ રિમાન્ડ અરજી તૈયાર થઈ હતી.

પરમારે જ્યારે પોલીસ-અધિકારી પાસે તેમના મોબાઇલ ફોનની માગણી કરી ત્યારે વછરાજાનીએ પૂછ્યું : “કેમ ફોનની જરૂર છે?” પરમારે પોતાની મર્યાદા સાથે કહ્યું, “પંત સાહેબનો હુકમ છે.” વછરાજાનીએ પોતાના સહિત બધા જ અધિકારીઓના ફોન પરમારને સુપ્રત કરી દીધા હતા. જે હવે સીઆઇડી ક્રાઇમની ભાષામાં મુદ્દામાલ હતો. આ બધા જ ફોન હવે ફૉરેન્સિક લૅબોરેટરીને મોકલવાના હતા. અઢી વાગ્યા એટલે પરમાર પંતને મળવા ગયા. પંત જમીને પોતાની ચેમ્બરના સોફા ઉપર આડા પડ્યા હતા. દરવાજાનો અવાજ સાંભળતાં જ તેમની નજર પરમાર ઉપર પડતાં ઊભા થઈ ગયા. “આવો પરમાર, ક્યા બાત થી?” પરમારે કહ્યું, “સર, બાદ મેં આતા હૂં. આપ આરામ કરો.” “નહીં નહીં પરમાર, રાત કો ભી નીંદ નહીં આઈ ઇસ લિયે થોડા આરામ કર રહા થા. બોલો ક્યા બાત થી?” પરમારે કહ્યું, “સર, થોડી દેર મેં હમ કોર્ટ જાને નિકલતે હૈં.” પંતે ઘડિયાળ સામે જોતાં કહ્યું ઃ “ઢાઈ બજ ગયે, ચલો મૈં ભી કોર્ટ આતા હૂં.” સામાન્ય રીતે આવા પ્રકારની કામગીરી માટે આઇપીએસ અધિકારીઓ કોર્ટમાં આવતા નથી એટલે પરમારે કહ્યું, “નહીં, નહીં, સર, મૈં દેખ લૂંગા.”

- Advertisement -

પંતે કહ્યું, “અરે પરમાર, મુઝે તુમ પર પૂરા ભરોસા હૈ, લેકિન ઉનકે વકીલ ભી લંબા લંબા ભાષણ કરેંગે ઔર સરકારી વકીલ કી હેસયત તુમ જાનતે હો, રિમાન્ડ અરજી કે બાહર કી કોઈ બાત આયેગી તો કુછ નહીં બોલેગા.” પત્રકારો અને કૅમેરામેનની એક ટીમ ફરી સીઆઇડી ક્રાઇમની કચેરી નીચે વિઝ્યુઅલ લેવા માટે ઊભી હતી. જોકે એસઆરપીની મોટી કુમક હાજરી હોવાને કારણે તેઓ પોલીસવાનથી ખાસ્સા દૂર હતા. જે વાનમાં પોલીસ-અધિકારીઓને બેસાડ્યા તેની આગળ ડીઆઇજી વિવેક પંતની ક્વૉલિસ કાર હતી અને પોલીસવાનની પાછળ વિનોદ પરમારની સુમો હતી. સાડા ત્રણ વાગે આખો કાફલો અમદાવાદ મિરઝાપુર કોર્ટના આંગણમાં પહોંચતાં જ “દેખો દેખો કૌન આયા… ગુજરાત કા શેર આયા”ના નારા લાગવા લાગ્યા. દિનેશ નાયર, મહેશ અને વિનયને લાવ્યા ત્યારે પણ કોર્ટમાં આવાં દૃશ્યો હતાં. હિંદુસેનાના કાર્યકરો મોટી સંખ્યામાં નારેબાજી કરતા હતા.

પોલીસવાનમાંથી સૌથી પહેલાં જે. કે. વછરાજાની બહાર આવ્યા. નારેબાજી કરનાર કાર્યકરોનું હાથ હલાવી અભિવાદન કરતા હતા. જાણે તેઓ કારગિલ યુદ્ધ જીતી દેશમાં પાછા ફરી રહ્યા હોય! એક પછી એક પોલીસ-અધિકારીઓ વાનમાંથી બહાર આવ્યા. જોકે ઇન્દ્રસિંહ જાડેજા જાણતા હતા કે, આ નારેબાજીનો કોઈ અર્થ નથી. આખી લડાઈ હવે ન્યાયની કોર્ટમાં લડાશે અને ત્યાં જ પાકસાફ (નિર્દોષ) સાબિત થવું પડે… તેના સિવાય કોઈ વિકલ્પ નથી. તેથી જ તે વાનમાંથી ઊતરતાંની સાથે કોઈની તરફ જોયા વગર કોર્ટ તરફ ચાલવા લાગ્યા, પંત કારમાંથી ઊતરતાં કૅમેરામેન તેમને ઘેરી વળ્યા પણ તેમણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં.

આખી કોર્ટ ચિક્કાર ભરેલી હતી. આરોપી તરીકે આવેલા પોલીસ-અધિકારીઓ પાછળની બેંચમાં જઈ બેસી ગયા. મૅજિસ્ટ્રેટે પહેલાં તેમની સામે મૂકેલી રિમાન્ડ અરજી જોઈ પછી એક પછી એક આરોપીઓનાં નામ બોલ્યા એટલે બધા જ અધિકારીઓ એક પછી એક ઊભા થયા. કોર્ટે તેમને પૂછ્યું કે “પોલીસ સામે કોઈ ફરિયાદ?” એટલે બધાએ ના પાડી, પણ વછરાજાનીએ ના પાડતાં પહેલાં એક વખત પંત સામે જોયું. પંત હસ્યા. પછી સરકારી વકીલે પોતાની જૂની રેકર્ડ વગાડી હોય તેમ તમામ આરોપીઓને ૧૪ દિવસના પોલીસ-રિમાન્ડ આપવાની માગણી કરી હતી. સરકારી વકીલ પછી ઍન્કાઉન્ટર-સ્પેશિયાલિસ્ટના માનીતા ઍડ્વૉકેટ કેતન મજુમદાર ઊભા થયા અને તેમણે રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં કહ્યું, “રિમાન્ડ તો દૂરની વાત છે. પણ મારા અધિકારીઓની ધરપકડ પણ કાયદાની જોગવાઈની વિરુદ્ધ કરવામાં આવી છે.” તેમણે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓને ટાંકતાં કહ્યું કે, “કોઈ પણ સરકારી અમલદારની ધરપકડ પહેલાં સીઆરપીસી(CRPC) ૧૯૭ અનુસાર રાજ્ય સરકારની મંજૂરી લેવી અનિવાર્ય છે. તેનો જ ભંગ થયો છે. પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં ક્યાંય રાજ્ય સરકારે મંજૂરી આપી હોય અને મંજૂરી મળી હોય તેનો ઉલ્લેખ જ નથી.

- Advertisement -

વિવેક પંતને ખબર હતી કે, સરકારી વકીલ મૂકેશની સમજ બહારની આ ઘટના છે. છતાં તેમણે તેની સામે જોયું. મૂકેશને આવડે એટલી દલીલ તેણે કરી, પણ પછી લાગ્યું કે મૂકેશ ડિફેન્સ લૉયરની આ દલીલનો જવાબ નહીં આપી શકે માટે પંત ઊભા થઈ આગળ આવ્યા. પહેલાં તેમણે પોતાનો હાથ ઊંચો કરી કોર્ટનું ધ્યાન દોર્યું. કોર્ટે તેમનો પરિચય પૂછતાં પંતે સલામ કરી પોતાની ઓળખ આપી. રજૂઆત કરવાની મંજૂરી માગતાં કોર્ટે પરમિશન આપી. પંતે પણ કોર્ટના ચુકાદાને ટાંકતાં જણાવ્યું કે કોઈ સરકારી અમલદારે પોતાની ફરજના ભાગ રૂપે કરેલી કાર્યવાહીનો કોઈ કેસ હોય તો રાજ્ય સરકારની મંજૂરીની જરૂર છે. પણ કોઈ સરકારી અમલદાર ખૂન કરે તો તે તેની સરકારી ફરજ નથી. આ કિસ્સામાં રાજ્યની મંજૂરીની જરૂર નથી. પહેલાં તો કેતન મજુમદારે ‘ખૂન’ શબ્દના પ્રયોગ સામે વાંધો લીધો. પણ બાદમાં કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ તમામ આરોપી પોલીસ-અધિકારીઓને દસ દિવસના પોલીસ-રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો. હવે વિવેક પંતને આરોપીઓની પૂછપરછ કરવાનો સત્તાવાર પરવાનો મળી ગયો હતો.

(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular