Brutal Murder in Surat : સુરત શહેરમાં દિવાળીના તહેવારો ટાણે નિર્મમ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામ પોલીસ (Katargam Police) ને ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ નગ્ન અવસ્થામાં મળી આવ્યું હતું. આ મામલે એક આરોપીને પોલીસે ઝડપી લેતા અજાણ્યા શખ્સની હત્યા કરી નગ્ન અવસ્થામાં તેના ધડ અને માથાને અલગ અલગ ફેંકી દેવાયાની કબૂલાત બાદ રેલવે પાટા નજીકથી કપાયેલું માથું શોધી કાઢવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે, અજાણ્યા શખ્સની હત્યા કરી તેના પુરાવાનો નાશ કરવા માટે રચાયેલી સાજીશમાં અન્ય આરોપીઓની સંડોવણી છે.
કતારગામ ગોટાલા વાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મંગળવારે 3 ઑક્ટોબરની રાતે અજાણ્યા પુરુષનું માથા વગરનું ધડ નગ્ન અવસ્થામાં મળતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ દોડધામ કરી મુકી હતી. ક્રૂરતાપૂર્વક કરાયેલી હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપી સચિત્રકુમાર બાલ (રહે. કતારગામ, મૂળ રહે. ઓડિશા)ને પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે મૃતકનું માથું કતારગામ અલ્કાપુરી બ્રિજ પરથી રેલવે પાટા નજીક ફેંકી દીધું હતું. કતારગામ પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ અને આરોપી વચ્ચે રૂપિયાની લેવડ-દેવડ મામલે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે.
અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા અથવા ઓળખ છુપાવવાના ઈરાદે માથું કાપીને અલગ સ્થળે ફેંકી દીધું હોવાની શક્યતાને પોલીસ નકારી રહી નથી. હત્યાનો મામલો સામે આવતા કતારગામ પોલીસ માટે મૃતકની ઓળખ કરવાનો પડકાર ઉભો થયો છે. પોલીસે આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલા વ્યક્તિઓની જાણકારી મેળવવા પોલીસે પ્રયાસ શરૂ કરી દીધો છે.








