પ્રશાંત દયાળ (શતરંજ-88, નવજીવન ન્યૂઝ): એકાદ કલાક પછી વિવેક પંત અને ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર કૉન્ફરન્સ રૂમમાં દાખલ થયા. આ દરમિયાન વછરાજાની, જાડેજા અને રાઠોડે કોની સાથે શું વાત કરી, તેમની અંદર અંદર શું ચર્ચા થઈ તેની કોઈને ખબર ન હતી. પંતે ખુરશી ઉપર બેસતાં જ કહ્યું : “બોલિયે વછરાજાની! કિસ સે બાત કી શુરૂઆત કરેં.” વછરાજાનીના ચહેરા ઉપર રુક્ષતા આવી ગઈ. તેમણે સામો સવાલ કર્યો : “સર, આપ ક્યા ચાહતે હો?” પંતે આશ્ચર્ય સાથે કહ્યું, “વછરાજાની, દેખો, મૈં ક્યા ચાહતા હૂં વો બાત કોઈ માયને નહીં રખતી. કાનૂન ક્યા કહતા હૈ? મેરી ડ્યૂટી મુઝે ક્યા કહતી હૈ વહી મુઝે ઓર આપ, યે સબકો કરના હૈ. ઇસી લિયે કહતા હૂં આપ મુઝે કો-ઑપરેટ કરે.” વછરાજાની જાણે તાડૂકી ઊઠ્યા હોય તેમ બોલ્યા : “એક કામ કરો. સર, આપ હમે ફાંસી કા ફંદા લાકે દો. હમ સબ અપને ગલે મેં ડાલકર યહીં લટક જાયે. બસ આપ યહી ચાહતે હો ના?” બધા જ શાંત થઈ ગયા. પંતે પહેલાં પરમાર સામે જોયું, તેમને લાગ્યું કે હવે જ્વાળામુખી ફાટશે. પંતે આંખો બંધ કરી અને ધીમેથી આંખો ખોલી એટલા જ ધીમા અવાજે વછરાજાનીની આંખોમાં જોતાં કહ્યું, “દેખો… વછરાજાની, ઐસી ઊંચી આવાજ સુનને કી મેરી આદત નહીં. આપ આવાજ નીચી રખકર હી મેરે સાથ બાત કરેગેં.” વછરાજાનીને સમજાયું કે તેમણે પ્રોટોકૉલ તોડ્યો છે. એટલે તેમણે તરત કહી દીધું : “સૉરી સર, જરા ઇમોશનલ હો ગયા થા.”
પંતે કહ્યું, “કોઈ બાત નહીં. મૈં આપકી સ્થિતિ સમજ સકતા હૂં, લેકિન અબ ક્યા કરના હૈ?” વછરાજાનીએ પહેલાં જાડેજા સામે, પછી રાઠોડ સામે અને ટીમના બાકીના સભ્યો સામે જોયું. જાણે તે બધાની વતી કંઈક કહેવા જઈ રહ્યા હતા. પરમાર પણ ઉત્સુક હતા. હવે શું થશે? ત્યાં જ પંતના ફોનની રિંગ વાગી. તેમણે વછરાજાની તરફ હાથનો ઇશારો કરી એક મિનિટ માટે રોક્યા અને ફોન ઉપાડતાં કહ્યું : “સર… સર… સર…” પછી કહ્યું, “મેં વહી કર રહા હૂં, દોપહર સે અપના હી કામ કર રહા હૂં, હા, સભી મેરે સામને બેઠે હૈં, ઉનકે સાથ હી બાતચીત કર રહા હૂં. અભી કામ ખતમ કર દૂંગા.” પરમાર સમજી શક્યા નહીં કે કોનો ફોન હતો, પણ પરમારને બાદ કરતાં બધાને ખબર હતી કે ફોન કોનો હોઈ શકે. જાડેજા અને વછરાજાનીએ એકબીજા સામે જોયું. તેમને લાગ્યું કે તેમનું તીર નિશાન ઉપર વાગ્યું છે અને પંતનું છેલ્લું વાક્ય હતું કે ‘અભી કામ ખતમ કર દૂંગા’ તેનો અર્થ… હવે વાત અહીંયાં જ પતી જશે, ફોન મૂક્યા પછી પંતે જાણે કંઈ બન્યું જ ના હોય તેમ પોતાની વાત આગળ વધારતાં વછરાજાનીને કહ્યું, “હા, તો આપ કુછ કહને વાલે થે?!” વછરાજાનીનો કૉન્ફિડન્સ વધી ગયો હતો, કારણ તેમણે જ્યાં કહેવાનું હતું ત્યાં સંદેશો મોકલી દીધો હતો અને પંત ઉપર ત્યાંથી ફોન પણ આવી ગયો.
વછરાજાનીએ જે નક્કી કર્યું હતું તે પ્રમાણે જ વાતની શરૂઆત કરતાં કહ્યું, “સર, હમ સબ કી એક હી રાય હૈ. હમારે સબ કા એક હી કહના હૈ. હમ ઇસ બારે મેં કુછ જાનતે નહીં.” પંત હસવા લાગ્યા અને ખુરશીની પીઠ તરફ થોડું નમ્યા અને ફરી પાછી ટેબલ ઉપર કોણીઓ મૂકી વછરાજાનીને કહ્યું, “ભઈયા, અભી તો મૈંને આપકો કોઈ સવાલ પૂછા હી નહીં; લેકિન આપ કો યહ તો પતા હૈ ના કિ નિઝામકા ઍન્કાઉન્ટર હુવા. રૂપાકો ગલા ઘોંટકર માર દિયા ઔર વડોદરા મેં દફના દિયા.” હવે પંતનો મૂડ બદલાઈ રહ્યો હતો. તેમણે ટેબલ ઉપર પડેલું પેપરવેઇટ ગોળ ગોળ ફેરવવાની શરૂઆત કરી. પરમાર સમજી ગયા કે પંત જ્યારે પેપરવેઇટ ફેરવવા લાગે ત્યારે તેઓ સત્તાવાહી મોડમાં આવી જાય છે. વછરાજાની જે રીતે વાત કરી રહ્યા હતા, તે સહન કરવાની પંતની મર્યાદા આવી રહી હતી. અચાનક પંતે ટેબલ ઉપર ફરતા પેપરવેઇટને મુઠ્ઠીમાં દબાવી ફરતું અટકાવી દીધું અને બધાની સામે જોતાં બધાને પૂછતાં હોય તેમ પૂછ્યું : “હા, તો આપ સબને એક્યૂઝ હોને કા તય કર લિયા હૈ? કોઈ ભી કુછ કહને કો તૈયાર નહીં. કોઈ બાત નહીં.” કોઈને જ કંઈ સમજાયું નહીં કે શું જવાબ આપવો. હવે પંત શું કરશે? પરમાર પણ અવઢવમાં હતા. પંત પોતાની જગ્યા પર ઊભા થયા અને પરમાર સામે જોતાં કહ્યું, “ઠીક હૈ પરમાર, સભી કો અરેસ્ટ દિખા દો.” બધા જ સ્તબ્ધ થઈ ગયા. કોઈ કશું જ બોલ્યું નહીં. પરમારને લાગ્યું કે આ રીતે બધાની ધરપકડ થશે તેવી તેમને કલ્પના ન હતી. તે પંત સામે જોઈ રહ્યા હતા. પંતે પરમારની આંખોમાં જોતાં તેમની નજીક જઈ કહ્યું, “પરમાર… મૈંને ક્યા કહા… આપ કો સમજ મેં આ ગયા? યહ મેરા ઑર્ડર હૈ. કોઈ ચૂક હોની નહીં ચાહિયે. મૈં ચલતા હૂં.”
આટલું કહી પંત ચાલવા લાગ્યા. બહાર જવા માટે તેમણે રૂમનો દરવાજો ખોલ્યો અને પાછા રૂમમાં ફર્યા. પોતાના બંને પંજા, પેન્ટનાં બંને ખિસ્સાંમાં નાખી વછરાજાની અને જાડેજા સામે જોતા રહ્યા. પછી કહ્યું, “વછરાજાની, મુઝે આપ લોગોંને કાફી અંડરએસ્ટિમેટ કિયા. ડીજી સાહબ કો ફોન કરવાતે તબ તક કોઈ બાત નહીં થી. લેકિન આપને મુઝે ડરાને કી ગુસ્તાખી કી. મેરે પુરાને ઍન્કાઉન્ટર કેસ ખૂલવાને કે ધમકી દે ડાલી. અભી તક મૈં નૌકરી કર રહા થા. અબ યહ મેરી પર્સનલ લડાઈ હૈ. તુમ… તુમ્હારે ડીજીપી ઔર તુમ્હારે હોમ મિનિસ્ટર મેરા જો ઉખાડ સકે ઉખાડ લો.” આટલું બોલી રૂમની બહાર નીકળતાં રીતસરનો દરવાજો પછાડી રૂમની બહાર નીકળી ગયા. વછરાજાનીને અંદાજ ન હતો કે તેમણે જે ફોન કર્યો અને પંત ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો તેનું આવું પરિણામ આવશે. પરમારે ફોન કરી વધુ કૉન્સ્ટેબલોને બોલાવી ધરપકડના કાગળો તૈયાર કરવાની શરૂ કરી ત્યાં પંતનો ફોન આવ્યો : “પરમાર, સુનો, પ્રેશર આયેગા, ચિંતા મત કરના. કોઈ પૂછે તો મેરા ઑર્ડર હૈ યહ બતાના.” એક ક્ષણ રોકાઈ કહ્યું, “ઇતને સારે કો અરેસ્ટ દિખાને મે વક્ત લગ સકતા હૈ. પહલે વહાં સે બાહર નિકલકર આદેશ કો ફોન કર કે સભી જાનકારી દે દો. ઉન્હેં કહના મૈં ચાહતા હૂં ઇતની અરેસ્ટ કા સ્ક્રોલ સભી ટીવી ચૅનલોં પે શુરૂ કરવા દો. અબ મહાભારત કી લડાઈ શુરૂ હો ચુકી હૈ.”
થોડીક જ વારમાં તમામ ચૅનલો ઉપર નિઝામ કેસમાં હમણાં સુધી થયેલી સૌથી મોટી ધરપકડના સમાચાર ચાલી રહ્યા હતા, જેમાં આઇપીએસ અધિકારી જે. કે. વછરાજાની, ઇન્દ્રસિંહ જાડેજા, રાયસિંગ રાઠોડ, ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, કેતન રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ, કાન્તિ ડામોર અને ઇકબાલ શેખનો સમાવેશ થતો હતો.
(ક્રમશઃ)








