Thursday, November 12, 2026
HomeGujarat'પોલીસની ચા પીવા ના જવાય' કહેવત બસ આ જ કારણે પડી હશે…!...

‘પોલીસની ચા પીવા ના જવાય’ કહેવત બસ આ જ કારણે પડી હશે…! | શતરંજ-87

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-87, નવજીવન ન્યૂઝ): વિવેક પંતની આવવાની બધા રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજાની ફોનની રિંગ વાગી. તેમણે ફોન ઉપાડ્યો અને તેમના મોઢામાં પહેલો શબ્દ નીકળ્યો… ‘શું?’ એટલે બધાનું ધ્યાન તેમની તરફ ખેચાયું. જાડેજાને જે સમાચાર સાંભળી આશ્ચર્ય થયું હોય, તે સ્વાભાવિક રીતે જ બીજા માટે આશ્ચર્યજનક રહેવાના જ હતા. જાડેજા વછરાજાનીની બાજુમાં બેઠા હતા. તે પણ જાડેજા સામે જોવા લાગ્યા. જાડેજા માત્ર સાંભળી રહ્યા હતા. વચ્ચે ‘ઓકે, ઓકે… સારું… હું વછરાજાની સાહેબ સાથે વાત કરી લઉં છું, મારી સાથે જ…” તેમ કહેતાં, તેમણે ફોન મૂક્યો અને પછી આજુબાજુ જોતાં કહ્યું, “સર, એક ન્યૂઝ છે. હાઇકોર્ટમાં એસઆઇટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં યાકુબ મેમણ અને સુલતાના ક્રાઇમ-બ્રાન્ચની કસ્ટડીમાં હતાં તેવું કહ્યું છે.” જાડેજા ધીમા અવાજે બોલી રહ્યા હતા, પણ શાંતિ એટલી છવાઈ ગઈ હતી કે, બધા જ તેમની વાત સાંભળી શકતા હતા. વછરાજાનીના ચહેરા ઉપર ગુસ્સો અને ચિંતા એકસાથે ધસી આવ્યાં હતાં. અચાનક તેમણે પોતાના હાથમાં રહેલો મોબાઇલ ફોન ટેબલ ઉપર પછાડ્યો અને ગુસ્સામાં ‘બાસ્ટર્ડ’ કહી ઊભા થઈ ગયા. બધા જ સ્તબ્ધ થઈ ગયા. કાયમ ઈશ્વર ઉપર ભરોસો રાખવાની વાતો કરતા ઠંડા કલેજાના વછરાજાનીને આવી રીતે ગુસ્સે થતાં પહેલી વખત બધાએ જોયા હતા. બધા કરતાં ખરાબ હાલત પરમારની હતી. પરમારને ખબર જ નહોતી પડતી કે શું કરવું. એક વખત તો તેમને ઇચ્છા થઈ કે વછરાજાનીને પાણીનો ગ્લાસ આપે. પછી ડર લાગ્યો કે ક્યાંક બીજાનો ગુસ્સો તેમની ઉપર ના ઊતરે.

વછરાજાની કૉન્ફરન્સ રૂમમાં ઊભા થઈ, આંટા મારવા લાગ્યા. પિંજરે પુરાયેલો સિંહ જેમ ગુસ્સામાં ફરે તેવી જ રીતે. તેમણે જાડેજા સામે જોતાં કહ્યું : “બધા જ નાલાયક અને દગાખોર છે. ભરોસો કરવા જેવો જ ન હતો. વછરાજાની કોના માટે કહી રહ્યા હતા તેની ખબર જ પડતી ન હતી. કદાચ માત્ર જાડેજા સમજી શક્યા હશે. ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત, ઉદય પટેલ અને રાજસ્થાન પોલીસના નાના અધિકારીઓની હાલત તો ઘરમાં કોઈ વડીલ ગુસ્સે થાય અને બાળક ડરી જાય તેવી થઈ ગઈ હતી. રાજસ્થાનના ડીએસપી રાઠોડને તો આખી વાત સમજાઈ ન હતી. તેમણે આશ્ચર્ય સાથે જાડેજા સામે જોતાં રાઠોડે આખી વાત ટૂંકાણમાં સમજાવી દીધી. વછરાજાનીએ જાડેજા અને રાઠોડને વાત કરતા જોયા એટલે રાઠોડને કહ્યું, “આપકે રાજસ્થાન મેં અચ્છે લોગ… આપ નહીં સમજ પાયેગા… હમ તો વિકસિત ગુજરાત મેં રહતે હૈં. હમારે સ્વાર્થ મેં વિકાસ હુવા હૈ, સાથ મેં રહનેવાલા હમારી પીઠ મેં ખંજર મારતા હૈ.” જાડેજાને લાગ્યું વછરાજાનીને શાંત કરવા પડશે. તેમણે તમામ પ્રોટોકૉલ તોડી, વછરાજાનીનો હાથ પકડી તેમને બેસવાની વિનંતી કરી. બેસાડ્યા અને પરમારને ઇશારો કરી પાણી આપવા કહ્યું. પરમારે પણ પોતાના કૉન્સ્ટેબલને સૂચના આપવાને બદલે જાતે જ પાણી લઈ વછરાજાની સામે મૂક્યું.

- Advertisement -

અનાયાસે જાડેજાનો હાથ પોતાના શર્ટના ડાબા ખિસ્સા ઉપર ગયો, જેમાં અઘોરીબાબાએ આપેલું રક્ષાકવચ હતું. એક ક્ષણ માટે સાથે જોઈ અજાણી મદદ હોવાનો અહેસાસ થયો, પણ બીજી જ ક્ષણે તત્કાલ આવેલો ભરોસો તૂટી પણ ગયો. મનમાં થયું કે એક તામ્રપત્ર કઈ રીતે કોઈની મુશ્કેલી દૂર કરી શકે! જો ખરેખર આ યંત્ર કામ કરતું હોત તો આવા માઠા સમાચાર કેમ આવ્યા? તેમને લાગ્યું કે બાબાને મળવાનો કોઈ ફાયદો થયો નથી. તેમને ફરી પેલા વિચારે ઘેરી લીધા. તેમને લાગ્યું કે આજનો દિવસ જ સારો નથી. આજે ખરાબ સમાચારથી શરૂઆત થઈ છે, એટલે ખરાબ જ થશે. એક વખત તો એવો વિચાર પણ આવ્યો કે કામ છે તેમ કહી રૂમની બહાર નીકળી ત્યાંથી ભાગી જાય, પણ પોતે પોલીસ-ઑફિસર છે… ડરીને ભાગી જાય તો પોતાના જુનિયર શું માનશે તેવો વિચાર આવતાં તેમણે પોતાના ડર ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. પોલીસમાં જોડાયા પછી કેમ ખબર નહીં પહેલી વખત ડર લાગી રહ્યો હતો.

ત્યાં જ કૉન્ફરન્સ રૂમનો દરવાજો ખૂલ્યો. જાડેજાના બધા જ વિચારો ગાયબ થઈ ગયા અને એકદમ હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. કારણ કે દરવાજાની બહારથી આવનારી વ્યક્તિ ડીઆઈજી વિવેક પંત હતા. વિવેક પંત સિનિયર અધિકારી હોવાને કારણે બધા જ અધિકારીઓ ઊભા થઈ ગયા. વછરાજાનીને બાદ કરતાં બધા સાવધાનમાં ઊભા રહ્યા. વછરાજાનીએ તેમને સલામ કરી. પંતે બધાને બેસવાનો ઇશારો કરતાં પરમારને પૂછ્યું, “પરમાર, ચા-પાની પિલાયા કે નહીં?” પરમારે ‘સર’ કહ્યું. બધા પોતાની જગ્યાએ બેસી ગયા હતા. માત્ર પરમાર પંતની બાજુમાં બેઠા હતા. પંતે પોતાની બંને કોણી ટેબલ ઉપર ટેકવી વાતની શરૂઆત કરતાં કહ્યું, “સૉરી જેન્ટલમૅન, મુઝે આને મેં દેરી હો ગઈ.” વછરાજાનીનો ગુસ્સો અર્થાત્ નારાજગી ક્યાં જતી રહી, કોઈને ખબર ના પડી. તેમણે કહ્યું, “કોઈ બાત નહીં, સર, હમ ઐસે હી બાતચીત કરતે થે.” પંતે બધાની તરફ નજર ફેરવી અને કહ્યું, “મૈં યહાં બૈઠે વછરાજાની, જાડેજા ઔર રાઠોડ કો જાનતા હૂં, બાકી ચેહરે મેરે લિયે પહલી બાર દેખે હુવે લગતે હૈં.” વછરાજાની તરત એક પછી એકનો પરિચય આપવા લાગ્યા. જેમનું નામ બોલાતું તે ઑફિસર ઊભા થતા અને સલામ કરતા હતા. લગભગ પાંચ મિનિટમાં બધાની ઓળખ પૂરી થઈ.

પંતે મૂળ વાત ઉપર આવતાં કહ્યું, “આપ સબ પુલિસ અફસર હી હૈ ઇસ લિયે મુઝે આપકો બતાને કી જરૂરત નહીં, ફિર ભી મેરી ડ્યૂટી હૈ. મૈં આપકો યહા બુલાને કા કારણ બતા દૂં… સુપ્રીમ કોર્ટને હમેં નિઝામ કેસ સૌંપા હૈ, ઉસી કેસ કે સિલસિલેમેં મુઝે આપકો સમન્સ દે કે બુલાના પડા હૈ. કેસ ક્યા હૈ આપ તો જાનતે હૈં. અગર મૈં આપસે કુછ સવાલાત પૂછું ઉસકે પહલે કિસી કો કુછ કહના હૈ?” જાડેજાએ જવાબ આપતાં કહ્યું, “સર, હમ ક્યા બતાયે? આપ તો સબ કુછ જાનતે હો.” પંતે ઝીણી નજર કરી જાડેજા સામે જોયું અને કહ્યું, “જાડેજા, હમ તો જાનતે હી હૈં. લેકિન આપકી જુબાની સુનના ચાહતે હૈં. કુછ બતાયેંગે? ચલો આપસે હી શુરૂઆત કરતે હૈ.” વછરાજાનીએ જાડેજા સામે જોયું. જાડેજા સમજી ગયા કે, વછરાજાનીને આ વાત પસંદ પડી નથી. એટલે તે ચૂપ થઈ ગયા. ફરી પંતે કહ્યું, “બોલો જાડેજા, કહાં સે શુરૂઆત કરેંગે?” જાડેજા કંઈ બોલ્યા નહીં.

- Advertisement -

પંતે પરમાર સામે જોતાં પરમારે નિઝામ કેસની ફાઈલ પંતની સામે ટેબલ ઉપર મૂકી. પંતે ફાઈલ ખોલતાં કહ્યું, “દેખો, મૈં પહલે ભી ઇસ કેસ કો દેખ ચુકા હૂં, ઔર દૂસરી બાર ભી મૈં ઇસ કેસ મેં શામિલ હુવા હૂં. મુઝે ઇસ ફાઈલ પે કૌનસે પેજ પે, કૌનસે પૅરેગ્રાફ મેં ક્યા લિખા હૈ વહ જુબાની યાદ હૈ.” પછી ફાઈલ બંધ કરતાં કહ્યું, “મૈં ફાઈલ પઢે બિના આપ કો સબ બતા સકતા હૂં.” પછી બધાની સામે નજર નાખી દરેકના ચહેરા ઉપર બદલાઈ રહેલા હાવભાવ વાંચવાનો પ્રયાસ કર્યો. બધા શાંત હતા. રાયસિંગ રાઠોડથી રહેવાયું નહીં, કારણ કે રાઠોડને લાગી રહ્યું કે, ગુજરાત પોલીસે તેમને ફસાવી દીધા છે. એટલે તેમણે કહ્યું, “સર, મૈં ઔર મેરી ટીમ પૂરી ઘટના સે બેખબર થીં. હમ કુછ નહીં જાનતે.”

પંતે ઊંડો શ્વાસ લીધો અને ધીમા તથા મક્કમ અવાજે કહ્યું, “જુઓ રાઠોડજી, હમ જાનતે હૈં આપ બેખબર થે. લેકિન આપ એક આઇપીએસ અફસર હો, આપકો પહેલે હી બિટ્વીન ધ લાઇન્સ સ્ટોરી પઢ લેની ચાહિયે થી. માના કિ પહલે આપ કો ઔર આપકી ટીમ કો કુછ પતા નહીં થા, લેકિન મુઝે નહીં લગતા કિ બાદમે આપ પૂરી ઘટનાઓં કો સમજ નહીં પાયે. આપને જાનબૂઝકર અપની આંખ ઔર કાન બંધ કર લિયે થે. મૈં યહ ભી સમજતા હૂં આપ કે કુછ પોલિટિકલ કમ્પેશન રહેં હોંગે. આપ એક ઇમાનદાર અફસર હૈ, યહ જાનકારી મેરે પાસ હૈ. લેકિન આપ કે પાસ દો હી રાસ્તે હૈં, અગર આપ વિટનેસ બન જાઓ યા એક્યૂઝ.” સન્નાટો છવાઈ ગયો. પંતનું છેલ્લું વાક્ય કરવતની જેમ ગળા ઉપરથી ફરી ગયું. રાઠોડે વછરાજાનીની સામે જોયું. તેમણે આંખથી શાંત રહેવાનો ઇશારો કર્યો.

પંતે કહ્યું : “દેખો, મેરી જાનકારી ઔર એવિડન્સ કે અનુસાર યહ પૂરા ઑપરેશન જાડેજાને કર્ટન કે પીછે રહ કર હૅન્ડલ કિયા થા. મુખવટા વછરાજાની થે. નાયર, તોમર ઔર રાવ સોલાપુર ગયે થે. નિઝામ, રૂપા અને રામ કો પિકઅપ કિયા થા. રામ કો રાજસ્થાન ભેજકર નિઝામ ઔર રૂપા કા કામ તમામ કિયા. બાદ મેં રામ કો ભી. નિઝામ કે ઍન્કાઉન્ટર મેં કૌન કૌન થા યહ બતાને કી જરૂરત નહીં ક્યોંકિ વહ તો આપકી એફ.આઇ.આર. મેં ભી હૈ. બસ ડ્રાઇવર, પૅસેન્જર, સોલાપુર લે જાનેવાલી કાર કા ડ્રાઇવર, ફાર્મહાઉસ કા વૉચમૅન વગૈરહ કે સ્ટેટમેન્ટ મેરે પાસ હૈં. બોલો આપ કુછ બતાયેંગે?” છતાં કોઈ કંઈ બોલ્યું નહીં.

- Advertisement -

પંત એકદમ ઊભા થઈ ગયા. પરમારને ઉદ્દેશીને કહ્યું, “પરમાર, આપ ભી યહાં સે નિકલો.” પછી વછરાજાની સામે જોતાં કહ્યું : “હમ એક ઘંટે કે બાદ દોબારા મિલતે હૈં, આપ કો સોચને કા ઔર કિસી કી સલાહ લેની હો તો પૂછને કા વક્ત દેતા હૂં. બાદ મેં ફિર સે બાત કરેંગે.” આટલું કહી પંત પરમારને લઈ કૉન્ફરન્સ રૂમની બહાર નીકળી ગયા. પંત ગયા પછી પણ રૂમમાં શાંતિ જ રહી.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular