Monday, October 19, 2026
HomeGujaratDIG એ પોતે જ તપાસની મહત્વની વાત લીક કરી, શું PI પરમાર...

DIG એ પોતે જ તપાસની મહત્વની વાત લીક કરી, શું PI પરમાર પહોંચી શકશે રાજસ્થાન?| શતરંજ-63

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-63, નવજીવન ન્યૂઝ): વિનોદ પરમાર માટે રૂપા મર્ડર કેસ તો હવે દીવા જેવો સ્પષ્ટ હતો, પણ હજી નિઝામ કેસમાં કામ કરવાનું બાકી હતું. નિઝામ ફાર્મ હાઉસમાં હતો તેનો અર્થ પોલીસની ઍન્કાઉન્ટરની થિયરી ખોટી હતી. જેમણે ગોળી મારી છે, તેમને ફિટ કરી દેવા માટે કેસમાં પૂરતા પુરાવા હતા, પણ સોલાપુરથી લઈ અમદાવાદ સુધી નિઝામ અને રૂપાને લઈ આવનાર પોલીસ-અધિકારીઓ સુધી પહોંચવાનું બાકી હતું. રૂપા કેસમાં ફોનકૉલની ડિટેઇલ આવ્યા પછી પરમારને આશા જન્મી હતી. આ ઉપરાંત રૂપાનો ભાઈ પોતાનું બ્લડ-સૅમ્પલ આપી ગયો હતો. થોડા સમયના વિચાર પછી પરમારે સોલાપુરના આઇપીએસ અધિકારી નયન કુલકર્ણીને ફોન લગાડ્યો : “સૉરી સર. આપકો ડિસ્ટર્બ કર રહા હૂં. આપ અમદાવાદ તો આને વાલે હો, લેકિન આપ મેરી થોડી સી મદદ કરો તો મેરા કામ તબતક આગે બઢ સકતા હૈ.” “અરે, પરમાર, કોઈ બાત નહીં. બોલો ના! ક્યા કામ થા?” કુલકર્ણીએ જવાબ આપ્યો, “સર આપ મુઝકો બતા પાયેંગે કી નિઝામ કો લેને કે લિયે કોન કોન આયા થા?”

“દેખો પરમાર, મુઝે દિનેશ નાયર કા કૉલ આયા થા કિ વો કોઈ ગુજરાત કે વૉન્ટેડ કો પકડને આયે હૈં, ઔર મેરી મદદ ચાહિયે. ઉનકી ટીમ મેં કૌન કૌન થા, યે બતાના મુશ્કિલ હૈ. લેકિન મેરે સ્ટાફને બતાયા થા… દો ઇન્સ્પેક્ટર ઔર ઉનકા સ્ટાફ થા.” કુલકર્ણી જેટલું જાણતા હતા તે કહી દીધું. “થૅંક્સ સર, ઇતની જાનકારી ભી મેરે લિયે કાફી હૈ. લેકિન સર, આપ અમદાવાદ આનેવાલે હો તબ બતાના.” કહીને પરમારે ફોન મૂક્યો. પરમાર વિચાર કરવા લાગ્યા કે, ‘જો ઑપરેશન નિઝામ એટીએસનું હતું, તો શા માટે અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચ સોલાપુર ગઈ હતી? અને માની લો કો આ ઑપરેશન ક્રાઇમ-બ્રાન્ચનું જ હતું, તો શા માટે એટીએસ અને રાજસ્થાન પોલીસ ઑપરેશનમાં એન્ટર થઈ? આખું કોકડું પહેલી નજરે સમજાય તેવું જ ન હતું.

- Advertisement -

પરમારને લાગ્યું કે, આ સમજવા કરતાં નાયર સાથે બીજા અધિકારી કોણ કોણ હોઈ શકે તે સમજવું જરૂરી છે, એટલે તેમણે તર્ક લગાડવાની શરૂઆત કરી. છેલ્લાં પાંચ વર્ષનો ક્રાઇમ-બ્રાન્ચનો ટ્રૅક જોઈએ તો ક્રાઇમ-બ્રાન્ચના તમામ ઍન્કાઉન્ટર કેસમાં જે કૉમન નામ આવતાં હતાં, તે ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમર હતાં. તેના કારણે એવો અંદાજ બાંધી શકાય કે, નાયર સાથે આ બંને અધિકારી જ હશે. પરમારે તરત પોતાનું સરકારી ઈ-મેલ ઍકાઉન્ટ ઓપન કર્યું અને મોબાઇલ કંપનીને ત્રણ નંબર આપ્યા, જે નાયર, રાવ અને તોમરના હતા. તેમની ત્રણેની નવેમ્બર મહિનાની કૉલ-ડિટેઇલ અને લોકેશન મંગાવ્યાં. કારણ કે નવેમ્બર મહિનામાં જ નિઝામ અને રૂપાની હત્યા થઈ હતી.

વિવેક પંતની બદલી પછી વિનોદ પરમારને લાગતું હતું કે, તેઓ એકલા પડી ગયા છે. આખી સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચમાં તેમને મદદ કરનાર કોઈ નથી. અચાનક તેમને વિચાર સ્ફુર્યો. તેમણે પંત સાહેબને ફોન લગાડ્યો અને કહ્યું, “મૈં ચાય પીને આ સકતા હૂં?” પંત હસવા લાગ્યા, “અરે પરમાર, પોલીસ ઍકેડેમી મેં હમેં કહાં ઝંડે ગાડને હૈં? ફ્રી બૈઠે હૈં… આ જાઓ.” ગાંધીનગરથી ‘કરાઈ પોલીસ ઍકેડેમી’ દસ મિનિટના અંતરે હતી. પરમાર તરત ત્યાંથી પોલીસ ઍકેડેમી જવા નીકળ્યા. તેમના મનમાં જે જે પ્રશ્નો હતા… તેમને લાગતું હતું કે પંત પાસે તેના જવાબ હશે જ.

પરમાર પોલીસ ઍકેડેમીમાં દાખલ થયા, ત્યારે ન્યૂ રિક્રૂટ પોલીસની કસરત ચાલી રહી હતી અને પંત સાહેબ એક ઝાડ નીચે ખુરશી નાખી બેઠા હતા. પંતને જોતાં પરમારને લાગ્યું કે, આ માણસમાં ગજબની આંતરિક તાકાત છે. પોલીસ ઍકેડેમીમાં સામાન્ય રીતે પનિશમેન્ટ ટ્રાન્સફર થાય છે, પણ આ તો અહીંયાં પણ ખુશ હોય તેવું લાગે છે. પરમારે જતાં તેમને સલામ કરી. પરમારને જોતાં પંતના ચહેરા ઉપર એક ચમક આવી ગઈ. જ્યારે એકસરખી વેવલેન્થવાળા લોકો મળે ત્યારે આવું બનતું હોય છે. તેમણે તરત પરમારને બાજુની ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો અને ચા લાવવા પોલીસવાળાને સૂચના આપી. પછી પરમાર સામે જોતાં કહ્યું, “બતાઇયે જનાબ! ક્યા ચલ રહા હૈ.” પરમારે કહ્યું, “બસ સર, વહી જો હોના ચાહિયે. ઇન્વેસ્ટિગેશન કો ખરાબ કરને કે લિયે જો ભી વો કર સકતે હૈં વો સબ કુછ કરતે હૈં.” પંતે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, “હા પરમાર, ઔર વો કર ભી ક્યા સકતે હૈં, લેકિન તુમ ડટે રહો, જિતના અચ્છા હો સકે કરતે રહો, ફિર ઈશ્વર કી ઇચ્છા… હમ ભી ક્યા કર સકતે હૈં.”

- Advertisement -

ચા આવી. ચાનો કપ હાથમાં લેતાં પહેલાં… પરમારે એક પ્રિન્ટ આઉટ કાઢી અને પંત સામે ધરતાં કહ્યું, “સર, યે આદેશભાઈને ભેજી હૈ, ઉસકા ડાઉટ હૈ. લેકિન અબ તો મુઝે ભી વો હી ડાઉટ જાતા હૈ, કિ નિઝામ ઔર રૂપા કે સાથ તીસરા જો વ્યક્તિ થા, વો રામ હી હોના ચાહિયે.” આદેશે રાજસ્થાનના હિંદી અખબારમાં જે સમાચાર પ્રસિદ્ધ થયા હતા તેનો મેલ કર્યો હતો. તેની પ્રિન્ટ લઈ પરમાર આવ્યા હતા. પંત પહેલેથી છેલ્લે સુધી છપાયેલા સમાચાર વાંચી ગયા. કંઈક વિચારમાં પડી ગયા. પણ ત્યારે પરમારે પોતાના મનમાં રહેલી વાત કરતાં કહ્યું : “સર, મૈંને કુછ છાનબીન કી હૈ… મેરી જાનકારી કે અનુસાર રામ ઔર નિઝામ સાથ મેં હી રહે થે. ઉનકી ગૅંગ થી. દૂસરી બાત, રાજસ્થાન પોલીસ કે રેકર્ડ અનુસાર નિઝામ કે ઍન્કાઉન્ટર કે દિન હી ઉસકી અરેસ્ટ દિખાઈ ગઈ હૈ, ઔર સબસે મહત્ત્વપૂર્ણ બાત… રામ બાર-બાર રાજસ્થાન કી અલગ કોર્ટ કો ઉસકા ઍન્કાઉન્ટર હો જાયેગા ઐસા ક્યૂં લિખ રહા હૈ?”

પંતે પરમાર સામે જોયું. તેમને લાગ્યું કે પરમારનો તર્ક હોવા છતાં તેમાં દમ હતો. ખોટા પડવાના ચાન્સિસ પણ હતા, છતાં પ્રયત્ન કરવામાં કંઈ ખોટું ન હતું. તેવું તેમને લાગ્યું. તેમણે પ્રિન્ટ આઉટની નકલ પરમારને પાછી આપતાં કહ્યું, “દેખો પરમાર, તુમ્હેં જયપુર જેલ મેં જાકે ઉસકી પૂછતાછ કરની હોગી. ઇસકે લિયે તુમ્હેં ડીજીપી કી પરમિશન કી જરૂરત હોગી. બિના પરમિશન તુમ ગુજરાત કે બાહર જા નહીં પાઓગે. મુઝે લગતા હૈ, તુમ ડીઆઇજી કે પાસ રિટર્ન મેં પરમિશન માગો… ફિર દેખતે હૈં… ક્યા હોતા હૈ?” ‘ક્યા હોતા હૈ’ એ વાક્ય ઉપર પંતે ભાર મૂક્યો હતો.

પરમારના ધ્યાનમાં તે વાક્ય આવ્યું. તેમણે તરત પૂછ્યું, “ક્યાં હોતા હૈ?-કા મતલબ?” “દેખો, અગર તુમ્હારા ડાઉટ સહી હોગા, ઔર તીસરા વ્યક્તિ રામ હી હૈ, તો તુમ્હેં રાજસ્થાન જાને કી પરમિશન મિલેગી નહીં.” પંત પોતાના અનુભવના આધારે કહી રહ્યા હતા. તે પોતાના જ સાથી આઇપીએસ અધિકારીઓને સારી રીતે ઓળખતા હતા. પરમાર પોલીસ ઍકેડેમીમાંથી નીકળી સીધા, પોતાની ઑફિસ આવ્યા. પોતાના કમ્પ્યૂટર ઉપર બેસી તેમણે ડીઆઇજી અક્ષય જૈનને સંબોધન કરતો પત્ર લખી નિઝામ કેસમાં જયપુર જેલમાં રહેલા રામની પૂછપરછ માટે જવાની પરવાનગી માગતો પત્ર લખ્યો અને તેની ઉપર આઉટવર્ડ નંબર પડાવી પોતે જ પત્ર લઈ અક્ષય જૈનની ચેમ્બરમાં પહોંચી ગયા હતા.

- Advertisement -

પરમારે સલામ કરી અને જૈનના ટેબલ ઉપર પત્ર મૂક્યો. પહેલાં જૈને એક નજર પરમાર સામે કરી અને પછી પત્ર હાથમાં લઈ વાંચવા લાગ્યા. પત્ર વાંચી લીધા પછી તે ચેમ્બરની છત સામે જોવા લાગ્યા. તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું, તેમણે કંઈ બોલ્યા વગર પરમારને બેસવાનો ઇશારો કર્યો. થોડીક મિનિટ પછી પૂછ્યું, “નિઝામ ઓર રામ કા ક્યા તાલ્લુક હૈ?” “સર, રામ કો ડર હૈ કિ ગુજરાત ઔર રાજસ્થાન પોલીસ ઉસકા ઍન્કાઉન્ટર કર દેંગી, ઐસા ક્યૂં?” પરમારે જવાબ આપવાને બદલે સામો સવાલ કરતાં જૈન વિમાસણમાં પડી ગયા. જૈને કહ્યું, “વો તો સાલા ગૅંગ્સ્ટર હૈ. વો કુછ ભી બોલેગા, ઉસસે ક્યા ફર્ક પડતા હૈ?” પરમારે સ્પષ્ટતા કરતાં કહ્યું, “સર, અભી મેરે પાસ કોઈ એવિડન્સ નહીં હૈ, કિ નિઝામ કે સાથ બસ મેં રામ હી થા, લેકિન મુઝે લગતા હૈ એક બાર જયપુર જેલ હો આઉં.”

જૈનને લાગ્યું કે, પરમાર જીદ કરી રહ્યા છે. તેમની આડતકરી ના હોવા છતાં, તેને જયપુર જેલ જવું જ છે, એટલે તેમણે વચલો રસ્તો કાઢતાં કહ્યું, “ઠીક હૈ; મૈં યે લેટર ડીજીપી સા’બ કો ભેજ દેતા હૂં. ક્યોંકિ પરમિશન તો વહી દેતે હૈં. પરમિશન આતી હૈ તો ચલે જાના.” પરમારને વાક્યનો અર્થ સમજાયો : ‘પરમિશન આતી હૈ તો ચલે જાના.’ પરમારને લાગ્યું કે પંત સાહેબ કહી રહ્યા છે તેવું જ થઈ રહ્યું હતું. પરમાર ત્યાંથી નીકળ્યા. પરમાર ચેમ્બરની બહાર જતાં જ અક્ષય જૈને પહેલાં ઇન્દ્રસિંહ જાડેજાને ફોન લગાડ્યો અને કહ્યું, “જાડેજા, અભી પરમાર મેરે પાસ આયા થા. વો રામ કો ઇન્ટ્રોગેટ કરને જયપુર જેલ જાના ચાહતા હૈ.” સામે છેડેથી કોઈ જવાબ આવ્યો નહીં.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular