DGP orders Gujarat Police to register FIR : સામાન્ય નાગરિકની ફરિયાદ નોંધવામાં ગુજરાત પોલીસ (Gujarat Police) ઠાગાઠૈયા કરતી આવી છે અને કરતી રહે છે. શહેર અને જિલ્લા કક્ષાએ ઉચ્ચ અધિકારીઓ અરજદારોને સાંભળતા નથી અથવા તો પોલીસ ફરિયાદમાં વિલંબ કરે છે અને તેના પરિણામે નાગરિકોને છેક ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે. ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) માં આવેલા DGP Office ના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી 8 મહિનામાં 310 રજૂઆતો સાંભળી 28 ગંભીર બાબતોમાં ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ફરિયાદ નહીં નોંધનારા જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી તે એક મોટો સવાલ છે.
કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના છેવાડાના અરજદારો ન્યાય માટે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે આવતા રહે છે. ‘જનસંપર્ક કાર્યાલય’નો હેતુ રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેનો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (Gyanender Singh Malik) તથા લૉ એન્ડ ઓર્ડર ડીજીપી એસ. પાંડિયા રાજકુમાર (S. Pandia Rajkumar) ના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. ગત 4 ફેબ્રુઆરી 2026થી કાર્યરત આ કાર્યાલયમાં સમગ્ર રાજ્યમાંથી 310 જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની રજૂઆતો નોંધાવી છે.
નાગરિકોની રજૂઆત બાદ પીઆઈ પલક પટેલ (PI Palak Patel) અને તેમની ટીમ અરજીની નોંધણી કરી સંબંધિત શહેર કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરી સંકલન કરી જરૂરી સૂચનાઓ આપે છે. અરજીને માત્ર આગળ ધકેલી દેવાની પ્રથા બંધ કરી દઈ તેના તથ્યો અને પુરાવાના આધારે ચકાસણી કરવામાં આવે છે. આવી 28 અરજીઓમાં રજૂઆત અને પુરાવાની ચકાસણી બાદ ગુના નોંધવા માટે સૂચના પણ અપાઈ છે. સાથે સાથે બદઈરાદાપૂર્વક કે ખોટી રજૂઆત કરનારા 8 અરજદારો સામે નિયમોનુસાર કાયદેસર પગલાં પણ લેવામાં આવ્યા છે.








