પ્રશાંત દયાળ (શતરંજ-45, નવજીવન ન્યૂઝ): સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત સરકારે એક સપ્તાહમાં પોતાનો સ્ટેટ રિપોર્ટ ઍફિડેવિટ સાથે સબમિટ કરવાનો હતો. તેને હવે બે જ દિવસ બાકી હતા. ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર કામની ગંભીરતા સમજતા હતા, એટલે ઑફિસના કમ્પ્યૂટર ઉપર જાતે ટાઇપ કરવા બેઠા હતા. તપાસની ઘણી કડીઓ હજી ખૂટતી હતી, છતાં મોટું ચિત્ર સામે આવી ગયું હતું. તેમણે પોતાની તપાસમાં કયા કયા મુદ્દા બહાર આવ્યા, હજી કઈ બાબતોની તપાસ કરવાની બાકી છે, હમણાં સુધીનાં તથ્યો શું છે, તેનો બારીક રિપોર્ટ લખવાની શરૂઆત કરી હતી. રિપોર્ટ પાછો અંગ્રેજીમાં લખવાનો હતો, તેથી પરમાર ખૂબ કાળજી લઈ રહ્યા હતા, કારણ કે તેમનો રિપોર્ટ, પહેલાં તેમના ડીઆઇજી રાજુ દવે અને પછી ડીજીપી રામકિશોર ચૌબાના ટેબલ સુધી ગયા બાદ સુપ્રીમ કોર્ટ સુધી જવાનો હતો. રિપોર્ટ પૂરો કરતાં સુધી મોડી સાંજ થઈ ગઈ, પણ તે રિપોર્ટ પૂરો કરીને જ ઊભા થયા.
બીજા દિવસે સવારે આવી ફરી એક વખત તેમણે રિપોર્ટ ઉપર એક નજર કરી લીધી અને તે કૉપી લઈ ડીઆઇજી રાજુ દવે પાસે ગયા. રાજુ દવેએ પોતાના ટેબલ ઉપર મૂકવામાં આવેલી ફાઈલ હાથમાં લેતાં પૂછ્યું, “શું લાવ્યા છો પરમાર?” તેમણે જવાબ આપ્યો : “સર, આવતી કાલે સુપ્રીમમાં જવાબ ફાઈલ કરવાનો છે.’ “સુપ્રીમ શબ્દ કાને પડતાં જ તેમણે તરત ટેબલ ઉપર પડેલી પેન ઉપાડી, તેની ઉપર કાઉન્ટર સહી કરતાં કહ્યું, “અરે જલદી મોકલી દો, આપણી બ્રાન્ચમાં કંઈ પેન્ડિંગ હોવું જોઈએ નહીં.” ત્યારે પરમારે વિનંતી કરી, “સર, પહેલાં એક નજર તો કરી લો… કંઈક ભૂલ તો નથી ને?’ દવેએ ફાઈલ પાછી આપતાં કહ્યું, “પરમાર, તમારા કામમાં કંઈ જોવું ના પડે. તપાસ તમે કરી છે, તમને પિટિશનની પ્રેયર પણ ખબર છે, પછી મારે ક્યાં કઈ જોવાનું છે?” તરત તેમણે પાછું યાદ અપાવતાં કહ્યું, “પરમાર, તમે પોતે જ આઉટવર્ડ નાખી જાતે ડીજીપી ઑફિસમાં લઈ જજો. નહીંતર આપણી બ્રાન્ચમાં ફાઈલ પડી રહેશે.”
પરમાર ત્યાંથી નીકળ્યા. રજિસ્ટ્રી બ્રાન્ચમાં જઈ ફાઈલ નંબર પડાવી, પોતે પહેલા માળે આવેલી ડીજીપી રામકિશોર ચૌબેની ઑફિસમાં પહોંચ્યા. ત્યાં જઈ તેમણે તેમના અંગત સચિવ મોહનચંદ્રને કહ્યું, “સર કો દિખા દેના.” તરત મોહનચંદ્રે હાથમાં ફાઈલ લઈ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલે હિંદીમાં પૂછ્યું, “ક્યા મામલા હૈ? સિગ્નેચર ભી લેના હૈ?” પરમારે હા પાડતાં તેમણે કહ્યું : “રુકો, અભી સાથ મેં ચલતે હૈં, ફિર સા’બ કોઈ ક્વેરી નિકાલેગા તો બુલાના પડેગા.” તેમ કહી તે પોતે ફાઈલ લઈ પરમાર સાથે ડીજીપી ચેમ્બરમાં દાખલ થયા. પરમારે તેમને સલામ કરી. મોહનચંદ્રે ફાઈલ ટેબલ ઉપર મૂકતાં કહ્યું, “સર, યે સુપ્રીમ કોર્ટ મેં ભેજના હૈ, આપ જરા દેખ લો.” સુપ્રીમ કોર્ટનું નામ સાંભળતાં જ તેમનાં ભવાં ઊંચા થયા, તેમણે પરમાર સામે જોતાં પરમારે કહ્યું : “સર, નિઝામવાલા ઍન્કાઉન્ટર મેં પિટિશન હુવા હૈ, ઉસકા રિપ્લાય હૈ.” વિષય સાંભળતાં જ તેમણે પોતાની તરફ આવેલી ફાઈલ પાછી હડસેલી દીધી. આ તેમનાથી અનાયાસે થઈ ગયું હતું. એકાદ મિનિટ વિચારી તેમણે, તરત ઇન્ટરકોમ ફોન ઉપાડ્યો અને કહ્યું : ‘શર્મા, સુપ્રીમ મેં એક રિપ્લાય ફાઈલ કરના હૈ, તુમ્હેં તો માલૂમ હૈ ૨૦૦૨ બાદ સુપ્રીમ તો મેરે નામ સે ભડકતી હૈ. તુમ એક કામ કરો. મૈં સીઆઈડી કે પીઆઈ કો તુમ્હારે પાસ ભેજતા હૂં. તુમ્હારે નામ સે રિપ્લાય ફાઈલ કર દો.” તેમ કહી તેમણે ફોન મૂકતાં પરમારને સૂચના આપી : “એડીજીપી મોહન શર્મા કી સાઇન લે લો. મૈંને બાત કર લિયા હૈ.”
પછી મનોમન બબડતા હોય તેમ બોલ્યા : સુપ્રીમ કોર્ટ કો ભી ધંધા નહીં, સબ ગલત ગુજરાત મેં હી હોતા હૈ. પરમાર ત્યાંથી ફાઈલ લઈ નીકળ્યા અને એડિશનલ ડાઇરેક્ટર જનરલ ઑફ પોલીસ મોહન શર્માની ચેમ્બરમાં દાખલ થયા. તે જાણે સહી કરવાની જ રાહ જોતા હોય તેમ તેમણે ફાઈલ હાથમાં લીધી. રાજુ દવેની કાઉન્ટર સાઇન જોઈ, પોતે પણ સહી કરી આપી. પરમાર પોતાની ચેમ્બરમાં આવી બેઠા. છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ દોડાદોડી કરી હતી. તેના કરતાં માનસિક થાક વધારે લાગ્યો હતો. તેમનું પહેલું કામ પૂરું થયું હતું. તેમણે હમણાં સુધી લીધેલાં નિવેદનો તે ફરી એક વખત જોઈ રહ્યા હતા, ક્વૉલિસ કારના ડ્રાઇવર કાન્તિ અને લક્ષ્મણના નિવેદન ઉપર નજર પડતાં, તેને એક વખત વાંચી ગયા. તેમનાં નિવેદન પ્રમાણે કાન્તિની ગાડી અમદાવાદ આવ્યા પછી, સીધી ગોલ્ડન ફાર્મમાં ગઈ હતી, જેમાં નિઝામ અને રૂપા હતા. કાન્તિએ પણ તેમના ફોટો જોઈ ઓળખી બતાવ્યાં હતાં કે, આ બંનેને જ હુબલી હાઇવેથી ઉપાડી ગાંધીનગર નજીક આવેલા ગોલ્ડન ફાર્મમાં રાખવામાં આવ્યાં હતાં, જ્યારે લક્ષ્મણના નિવેદન પ્રમાણે તેની ગાડીમાં જે માણસ હતો તેનું નામ તેને ખબર નથી, તેને સીધો એટીએસની ઑફિસમાં લઈ જવામાં આવ્યો હતો, એટલે ત્રીજી વ્યક્તિ કોણ હતી તેનું રહસ્ય હજી અકબંધ હતું.
વિનોદ પરમારે વિચાર કરી પોતાની સાથે બે માણસો લીધા અને સરકારી ગાડી લઈ તે શોધતા શોધતા ગાંધીનગર હાઇવે ઉપર આવેલા ગોલ્ડન ફાર્મ ઉપર પહોંચ્યા હતા. જેવી પોલીસની ગાડી ફાર્મ હાઉસના દરવાજા ઉપર પહોંચી તેની સાથે જ વૉચમૅન નાગજી રબારી રાજી થતો હોય તેમ દોડતો દરવાજો ખોલવા આવ્યો. ગાડી ફાર્મ હાઉસમાં દાખલ થઈ. નાગજી આ પોલીસ-અધિકારીઓને પહેલી વખત જોઈ રહ્યો હતો. પરમારે ગાડીમાં ઊતરતાં પોતાનો પરિચય આપ્યો અને પૂછ્યું : “ફાર્મ હાઉસ કોનું છે?” નાગજીએ કહ્યું, “સાહેબ, નેમચંદ શાહનું.” પરમારે ચારે તરફ નજર કરતાં કહ્યું, “શું કરે છે તારા શેઠ?” “બહુ મોટા માણહ છે, કાપડનો કારોબાર છે.” કાનજીનો જવાબ સાંભળી પરમાર બબડ્યા : “મોટાઓ જ ધંધા ખોટા કરે છે.” નાગજી કંઈ સમજ્યો નહીં. શેઠને તો મોટા મોટા સાહેબો જોડે સંબંધ હોવાનું તેણે જોયું હતું. પોલીસ-અધિકારીઓ પણ તેના શેઠને ‘શેઠ’ કહીને સંબોધતા હતા. આ પહેલા અધિકારી હતા, જે શેઠનું નામ સાંભળતાં ભડક્યા હતા. પરમારની નજર ફાર્મ હાઉસના બાંધકામ ઉપર હતી. ક્વૉલિસના ડ્રાઇવરે જેવું વર્ણન કર્યું હતું, તેવું બાંધકામ દૂરથી જ નજરે પડતું હતું.
પરમારે સીધા સવાલ ઉપર આવતાં પૂછ્યું, “સામે પેલા મકાનમાં કોઈને રાખ્યા હતા?” નાગજી જૂનો કર્મચારી હતો. તેને ફાર્મ હાઉસમાં થતા તમામ પ્રોગ્રામની ખબર રહેતી હતી. પણ પરમારનો મૂડ જોઈ તે સમજી ગયો હતો કે મામલો ગરમ છે. નાગજીની જીભ થોથવાઈ. તેણે કહ્યું, “હા સાહેબ… ના સાહેબ, મને કશી ખબર નહીં.” પરમારે એક જ ઝાપટ મારતાં નાગજી જમીન ઉપર પડી ગયો. તેની આંખમાં આંસુ આવી ગયાં, તેણે રડતાં રડતાં કહ્યું, “ભઈ સા’બ, મને શું કામ મારો સો, મારે તો શેઠ કહે તે કરવાનું હોય સે.” વિનોદ પરમારે તેની આંખોમાં જોતાં પહેલાં એક ગાળ આપી અને પછી કહ્યું, “હું પૂછું તેના સીધા અને સાચા જવાબ આપજે, નહીંતર મારી મારીને ઢોર બનાવી દઈશ.” નાગજીએ હાથ જોડતાં કહ્યું, “મારે કંઈ ખોટું બોલવું નથી, શું કામ બોલું? મારે શું ફાયદો?” નાગજી લાઇન ઉપર આવી ગયો હતો.
નાગજીનું નિવેદન લેવાની શરૂઆત થઈ હતી. તેણે નિઝામ અને રૂપાનો ફોટો જોતાં જ તેમને ઓળખી બતાવ્યા હતા. તેણે કઈ તારીખ અને કેટલા વાગ્યા સુધી તેઓ હતા, તેની તમામ વિગતો પણ લખાવી હતી. જોકે રૂપા ક્યાં ગઈ, તે મુદ્દે તે સ્પષ્ટ ન હતો. તેના કહેવા પ્રમાણે નિઝામની હત્યાના ત્રણ દિવસ બાદ પોલીસની ગાડી રાતે છેક ફાર્મ હાઉસના રૂમ સુધી લઈ જવામાં આવી હતી, તેમાં તો પોલીસવાળા જ હતા. પણ નાગજીએ રૂપાને બહાર જતી જોઈ ન હતી. તે રાતે જ પોલીસવાળાએ તેને જણાવ્યું હતું કે હવે તે લોકો જઈ રહ્યા છે. પરમારે તેનું નિવેદન અટકાવી દીધું. તે વિચારમાં પડી ગયા કે રૂપા ફાર્મમાં હતી તો ક્યાં ગઈ? પરમારે તે રાતે આવેલા પોલીસવાળાના નામ ખબર હોવાનું પૂછ્યું ત્યારે નાગજીએ કહ્યું : “એક રાજપૂત સાહેબને ઓળખું છું અને બીજા મહેન્દ્રસિંહ.” પરમારે તે પ્રકારનાં અડધાં નામ સાથે નિવેદન નોંધી લેવાની સૂચના આપી. પરમારને તરત ખ્યાલ આવી ગયો કે, તે ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતની વાત કરે છે અને મહેન્દ્રસિંહ તેનો કૉન્સ્ટેબલ હોવો જોઈએ. નાગજીએ વાતવાતમાં સહજતાથી વાત કરી કે, “અહીંયાં તો પહેલાં પણ પોલીસવાળા કોઈકને લઈ આવ્યા હતા. મારે તો શેઠ કહે એટલે બધી વ્યવસ્થા કરી આપવાની.” પરમારને લાગ્યું કે આ કોઈ મહત્ત્વની વાત બોલી રહ્યો છે, પણ હમણાં પરમાર તે વિષયને સ્પર્શ કરવા માગતો ન હતો. હવે નાગજીના શેઠ નેમચંદ શાહને મળવાનું હતું.
(ક્રમશ:)








