Huge delay in college admission process due to GCAS portal : વર્ષ 2024માં રાજ્યભરની સરકારી યુનિવર્સિટી (Government University) ઓ માટે લાગુ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયા એટલે કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ (Gujarat Common Admission Service) માં ગત વર્ષોની જેમ આ વર્ષે પણ ડખો થયો છે. GCAS પોર્ટલ મારફતે હાથ ધરાયેલી એડમિશન પ્રક્રિયા લંબાતાં 90 દિવસનું શૈક્ષણિક સત્ર હજુ પૂરું નથી થયું અને આ કારણે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ હવે નવરાત્રિને બદલે ડિસેમ્બરમાં યોજાશે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં UG અને PG કોલેજોમાં અનુક્રમે 21 હજાર અને 12 હજારથી વધુ ખાલી બેઠકો ભરવા 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને ઘરની નજીક તેમજ પસંદગીની કોલેજના સ્થાને દૂરની કોલેજ વિકલ્પમાં અપાતી હોવાથી આ સમસ્યા સર્જાય છે. એડમિશન પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી અનેક વિદ્યાર્થીઓના ભણતર પર તેની સીધી અસર પણ પડે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં UGની 75 હજારમાંથી 21 હજાર (28 ટકા) અને PGની 23 હજારમાંથી 11 હજારથી વધુ (48 ટકા) બેઠકો હજુ પણ ખાલી પડી છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજની રાહ જોઈ રહ્યા છે અને આ કારણથી બેઠકો ભરાઈ નથી. ગત વર્ષોની જેમ આ વખતે પણ કઈ-કઈ કોલેજમાં કેટલી-કેટલી બેઠકો ખાલી છે તેની યાદી યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરાશે.
જે વિદ્યાર્થીઓએ અગાઉ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે, પરંતુ તેમને એડમિશન નથી મળ્યું તેઓ વિકલ્પમાં સુધારો કરીને કોલેજ પસંદગી બદલી શકશે. આ ઉપરાંત પૂરક કે નિયમિત પરીક્ષામાં પાસ થયેલા અને પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે.








