Saturday, September 5, 2026
HomeGujarat4.50 લાખની લોન ભરવી ન પડે એટલે IIFL બેન્કના મેનેજરની હત્યા, પ્રેમી-પ્રેમિકાનો...

4.50 લાખની લોન ભરવી ન પડે એટલે IIFL બેન્કના મેનેજરની હત્યા, પ્રેમી-પ્રેમિકાનો ખૂની ખેલ

- Advertisement -

IIFL Bank Manager murder case Pratij Sabarkantha news: પ્રાંતિજના વડવાસા નજીક બનેલી IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની સનસનીખેજ હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આશરે રૂ.4.50 લાખની લોનની રકમ પરત ન ચૂકવવી પડે તે માટે પ્રેમી-પ્રેમિકાએ કાવતરું રચીને બેંક મેનેજરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા જતા આરોપીઓની કાર રસ્તામાં ખાડામાં ફસાઈ જતાં તેઓ કાર અને લાશને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, 2 સપ્ટેમ્બરના રોજ માણસાની IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરી પોતાની સફેદ વર્ના કાર લઈને નીકળ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી યોગેશ ઠાકોર તેમની સાથે હતો. ત્યારબાદ તેઓ પ્રાંતિજ પહોંચ્યા હતા, જ્યાં એક મહિલા આરોપી ભાવનાબેન ઉર્ફે ભાવુ ઠાકોર પણ કારમાં જોડાઈ હતી. ત્યારબાદ ત્રણેય વડવાસા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા. પોલીસના પ્રાથમિક તપાસના આધારે અહીં આરોપીઓએ તકનો લાભ લઈને ભરતભાઈ ચૌધરી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર હુમલાના કારણે ભરતભાઈ ચૌધરીનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતદેહને વર્ના કારમાં મૂકીને તેનો નિકાલ કરવા માટે નીકળ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, રસ્તામાં એક સ્થળે કાર રિવર્સ લેતી વખતે ખાડામાં ફસાઈ ગઈ હતી. કાર બહાર કાઢવામાં સફળતા ન મળતાં બંને આરોપીઓ કાર અને મૃતદેહને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

હિંમતનગરના DySP એ.કે. પટેલના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ રૂ.4.50 લાખની લોન મુખ્ય કારણ તરીકે સામે આવ્યું છે. બંને આરોપીઓએ IIFLમાંથી આશરે સાડા ચાર લાખ રૂપિયાની લોન લીધી હતી અને આ રકમ પરત ન ચૂકવવી પડે તે હેતુથી કાવતરું રચીને બેંક મેનેજરની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન બંને આરોપીઓ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસને એવી પણ સંભાવના છે કે આરોપીઓ બેંક મેનેજર ભરતભાઈ ચૌધરીને અગાઉથી ઓળખતા હોઈ શકે છે. જોકે, હત્યા પાછળના અન્ય કારણો અને સમગ્ર કાવતરાની વિગતવાર તપાસ હજુ ચાલુ છે.

પોલીસે આ કેસમાં મહિલા આરોપી ભાવનાબેન ઉર્ફે ભાવુ રોહિતજી ઠાકોર, રહે. પ્રાંતિજ, સાબરકાંઠાની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપી યોગેશજી ગોકાળજી ઠાકોર, રહે. માણસા, હાલમાં ફરાર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ અને શોધખોળ શરૂ કરી છે. રૂ.4.50 લાખની લોનની રકમ બચાવવા માટે બેંક મેનેજરની હત્યા સુધી પહોંચેલા આ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. હવે પોલીસની તપાસમાં પ્રેમી-પ્રેમિકાએ આ હત્યાનું કાવતરું ક્યારે અને કેવી રીતે ઘડ્યું, તેમજ હત્યા પાછળ લોન સિવાય અન્ય કોઈ કારણ હતું કે નહીં તેવા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

એ.કે.પટેલ (DySP, હિંમતનગર) જણાવે છે કે, તા. 2 સપ્ટેમ્બરે મુખ્ય આરોપી યોગેશ ઠાકોર જે આ IIFL બેન્કના મરણજનાર ભરતભાઈ ચૌધરીને લઈને માણસાથી લઈને સફેદ વર્ના કારમાં લઈને નીકળ્યા હતા. પ્રાંતિજ આવ્યા ત્યાં અન્ય આરોપી મહિલાને સાથે લઈને વડવાસા પેટ્રોલ પંપ પાસે ગયા હતા ત્યાં તિક્ષણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેની પાછળનું કારણ એવું સામે આવી રહ્યું છે કે આશરે 4.50 લાખ જેટલી લોન બંને આરોપીઓએ IIFL માંથી લીધી હતી. જે લોન પાછી ના આપવી પડે તે માટે કાવતરું રચીને હત્યા નિપજાવી છે. આ બંને આરોપી વચ્ચે પ્રેમ સંબંધો છે. જોકે ભરત ચૌધરીને મળેલા હોઈ એક બીજાને ઓળખતા હોવાની સંભાવના છે. વડવાસાથી હત્યા કરી તેઓ ગાડીમાં લાશને ક્યાંક નાખવા કે નીકાલ કરવા માટે જતા હતા ત્યાં એક જગ્યાએ ગાડી રિવર્સ લેવા જતા ફસાઈ ગઈ અને તે પછી આ લોકો ગાડી છોડીને જતા રહ્યા.

- Advertisement -

પકડાયેલા આરોપી..
૧) ભાવનાબેન ઉર્ફે ભાવુ રોહિતજી ઠાકોર, રહે. પ્રાંતિજ, સાબરકાંઠા

પકડાવાના બાકી આરોપી…
૧) યોગેશજી ગોકાળજી ઠાકોર, રહે. માણસા,

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular