BCI election Supreme Court: બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના ચેરમેન સીનિયર એડવોકેટ મનન કુમાર મિશ્રાના કાર્યકાળને પડકાર આપનારી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નવી BCI ની રચનાની પ્રક્રિયા તેજ કરવા માટે રાજ્ય બાર કાઉન્સિલ્સની પુનર્ચના અને ચૂંટણીઓને લઈને સમયસીમા નક્કી કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કહ્યું કે રાજ્ય બાર કાઉન્સિલોની નવી રચના સમયસર પૂર્ણ થશે તો નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ BCI માટે પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી શકશે અને લાંબા સમયથી અટવાયેલી BCI ચૂંટણીનો માર્ગ સાફ થશે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય બાર કાઉન્સિલોની રચના માટે તબક્કાવાર સમયમર્યાદા નક્કી કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે બે મહિલા સભ્યોને કો-ઓપ્ટ કરવાની પ્રક્રિયા બે અઠવાડિયામાં પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ સંબંધિત રાજ્ય બાર કાઉન્સિલે એક અઠવાડિયામાં પોતાની નવી રચનાની સૂચના જાહેર કરવાની રહેશે. નવી રચાયેલી રાજ્ય બાર કાઉન્સિલોએ ત્રણ અઠવાડિયામાં પોતાના ચેરપર્સન, વાઈસ ચેરપર્સન અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવાની સાથે BCI માટે એક પ્રતિનિધિ પણ પસંદ કરવાનો રહેશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BCIની નવી રચના અંગે આગળ વિચાર કરવામાં આવશે. મામલાની આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે હાથ ધરાશે, જેમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોના પાલનની સમીક્ષા કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન BCI તરફથી એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ, જે BCIના પદેન સભ્યો છે, તેમને બાર કાઉન્સિલના દરેક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયમાં સક્રિય રીતે સામેલ કરવામાં આવશે.
જસ્ટિસ બાગચીએ સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે મનન કુમાર મિશ્રા હાલમાં પ્રો-ટેમ ચેરમેન તરીકેની સ્થિતિમાં છે. નવી ચૂંટાયેલી BCIની રચના ન થાય ત્યાં સુધી તેઓ દૈનિક કામગીરી સંભાળી શકે છે, પરંતુ મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયોમાં કાયમી પદેન સભ્યોની ભાગીદારી જરૂરી રહેશે.
મનન કુમાર મિશ્રાના કાર્યકાળને લઈને વિવાદ પણ આ સુનાવણીનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. અરજદારો તરફથી સિનિયર એડવોકેટ માધવી દીવાને કોર્ટને જણાવ્યું કે BCI Rulesના Rule 12(2) મુજબ ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ બે વર્ષનો છે. તેમણે એપ્રિલ 2025ની તે સૂચનાને પડકારી છે, જેમાં મનન કુમાર મિશ્રાનો કાર્યકાળ 17 એપ્રિલ 2025થી 16 એપ્રિલ 2030 સુધી દર્શાવવામાં આવ્યો છે.
જસ્ટિસ બાગચીએ આ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે જ્યારે નિયમમાં કાર્યકાળ બે વર્ષનો નક્કી કરવામાં આવ્યો હોય ત્યારે કોઈ સૂચના નિયમથી ઉપર જઈને વધારાનો કાર્યકાળ આપી શકે નહીં. અરજદારોનો આરોપ છે કે Advocates Actની જોગવાઈનો ઉપયોગ ઉત્તરાધિકારીની પસંદગી ન થાય ત્યાં સુધી લાંબા સમય સુધી પદ પર ટકી રહેવા માટે કરવામાં આવી રહ્યો છે.
સુનાવણી દરમિયાન BCI-PEARL FIRST Trustના કામકાજ અને તેની સંપત્તિઓને લઈને પણ સવાલો ઊભા થયા હતા. સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે 2020માં રચાયેલા આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ BCIમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ ટ્રસ્ટી તરીકે રહી શકે છે. આ મુદ્દે જસ્ટિસ બાગચીએ સવાલ કર્યો હતો કે શું કોઈ ચૂંટાયેલી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું ટ્રસ્ટ એવા લોકોના નિયંત્રણ હેઠળ રહી શકે, જેઓ બાદમાં તે સંસ્થાના સભ્ય પણ ન રહેતા હોય. કોર્ટે આ મુદ્દાની ગંભીર તપાસની જરૂરિયાત અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
આ અરજીઓ NALSAR વિવાદ બાદ પણ ચર્ચામાં આવી હતી. આ વિવાદમાં BCIના ચેરમેન મનન કુમાર મિશ્રાએ NALSARના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વ્યાપક ટીકા થતાં મનન મિશ્રાએ માફી માંગી હતી.
અરજદારો દ્વારા BCIમાં હોદ્દેદારો લાંબા સમય સુધી પદ પર રહેવા, ચૂંટણીમાં વિલંબ, કાર્યકાળની મર્યાદા તેમજ BCIના કામકાજ અને નાણાકીય બાબતોની તપાસની પણ માંગ કરવામાં આવી છે. જોકે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો કે જ્યારે નવી ચૂંટાયેલી રાજ્ય બાર કાઉન્સિલોની રચના નજીકના સમયમાં થવાની છે ત્યારે હાલના વિવાદોના ઉકેલ માટે સીધા ન્યાયિક હસ્તક્ષેપ કરતાં નવી BCIની રચનાની પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવી વધુ યોગ્ય રહેશે.
આથી સુપ્રીમ કોર્ટે રાજ્ય બાર કાઉન્સિલોના પુનર્ગઠનથી લઈને તેમના પ્રતિનિધિઓ દ્વારા નવી BCIની રચના સુધીની સમગ્ર પ્રક્રિયા માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે. હવે 17 સપ્ટેમ્બરની આગામી સુનાવણીમાં આ પ્રક્રિયા કેટલી આગળ વધી છે તેના પર સૌની નજર રહેશે.








