Gandhinagar Accident News : ગાંધીનગરમાં રવિવારે સાંજે ઉબેર કાર ચાલકે સર્જેલો અકસ્માત કાળજું કંપાવી દે તેવો હતો. ઘર આંગણે સર્જાયેલા અકસ્માતમાં પોણા બે વર્ષના માસૂમ પુત્રનું માતાની નજર સામે મોત થઈ ગયું હતું. જે કારમાં પ્રવાસ કરી અમદાવાદથી ગાંધીનગર પહોંચ્યા હતા તેની ટક્કરથી બાળક મોતને ભેટ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયેલા ઉબેર કાર ચાલક સામે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રીઅલ એસ્ટેટ બ્રોકર એઝાઝ અનવરભાઈ અજમેરી તેમના પરિવાર સાથે સેક્ટર 5/બી ખાતે રહે છે. એઝાઝભાઈના પત્ની મેહજબીન, પુત્રી ઈનાયા (ઉ. 8) અને અરહાન (ઉ. 1 વર્ષ 9 માસ) સાથે અમદાવાદના જુહાપુરા ખાતે આવેલા પિયરે ગયા હતા. એઝાઝભાઈના પત્નીએ બે સંતાનો સાથે ગાંધીનગર આવવા માટે ઉબેર એપ થકી કાર બુક કરી હતી. 30 ઓગસ્ટની સાંજે પોણા પાંચેક વાગે ઉબેર ટેક્સી ગાંધીનગર ઘર પાસે પહોંચી ત્યારે મેહજબીન અજમેરીએ પ્રથમ તેમના પુત્રને કારમાંથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેઓ પુત્રી સાથે કારમાંથી સામાન એકઠો કરી રહ્યાં હતા. આ સમયે કાર ચાલકે અચાનક જ કાર હંકારતા અરહાન અડફેટે આવી ગયો હતો.
અકસ્માતના પહલે મેહજબીન અજમેરીએ બૂમાબૂમ કરી મુકતા તેમના પતિ એઝાઝભાઈ સહિત પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર આરોપી કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત અરહાનને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital Gandhinagar) માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે સેકટર-7 પોલીસ સ્ટેશન (Sector-7 Police Station) ખાતે ગુનો નોંધાતા પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.








