Drought-like situation in Devbhoomi Dwarka : ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી વરસાદ અટકી ગયો છે, તો કેટલાંક જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6.41 ટકા જ વરસાદ વરસ્યો હોવાથી તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની પ્રબળ માગ (Demand to declare Devbhoomi Dwarka district as drought-hit) છે. ભાણવડમાં 9.75 ટકા, ખંભાળિયામાં 9.54 ટકા, કલ્યાણપુરમાં 3.41 ટકા અને દ્વારકા તાલુકામાં માત્ર 2.28 ટકા જ વરસાદ નોંધાયો છે. જેથી સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ માત્ર 6.41 ટકા જ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ 60 ટકાથી વધુ વરસાદની ઘટ હોય તે વિસ્તાર અતિ ગંભીર શ્રેણીમાં આવે છે. ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ 29 ઓગસ્ટથી ખંભાળિયા ખાતે ધરણા પર બેસવાની જાહેરાત કરી છે.
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ આજે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા અને એમણે કહ્યું કે ‘હવે દુષ્કાળ મુદ્દે કંઈ કરવું પડશે’. જે રજૂઆતને લઈ આવતીકાલથી એટલે કે 29 ઓગસ્ટના રોજથી અનિશ્ચિતકાલીન ધરણા પર બેસવાની ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે. વીડિયોમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, હવે આ સમય ખેડૂતોની એકતા બતાવવાનો સમય છે. તમામ ખેડૂતોએ જાતિ-જ્ઞાતિ, ધર્મ અને પક્ષા-પક્ષી બધું ભૂલીને એક થવાનું છે.








