Wednesday, August 26, 2026
HomeInternationalદર્દનાક CCTV: Nepal Flood માં હજારો ગુમ, 8ના દેહ મળ્યા; કૈલાશ માન...

દર્દનાક CCTV: Nepal Flood માં હજારો ગુમ, 8ના દેહ મળ્યા; કૈલાશ માન સરોવરના 400 યાત્રાળુઓ સંપર્કવિહોણા

- Advertisement -

Nepal Flood: નેપાળમાં બુધવારે 26 ઓગસ્ટે તિબેટની સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. અચાનક વધેલા પૂરના પાણીમાં અનેક ગામો, પ્રોજેક્ટ સાઇટ, વાહનો અને મિલકતો ધોવાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે.

સ્થાનિક સમય મુજબ સવારે આશરે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. આ પાણી તિબેટ તરફથી આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નેપાળ સેનાના જણાવ્યા મુજબ રસુવા જિલ્લાના તિમુરે અને આસપાસના સ્યાફ્રુબેસી વિસ્તારમાં અચાનક વધેલા પાણીના કારણે ભારે નુકસાન થયું છે.

- Advertisement -

પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા રસુવા અને આસપાસના વિસ્તારોમાં નેપાળ સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પૂરની સૌથી મોટી ચિંતાઓમાં કૈલાશ માનસરોવર યાત્રાએ જઈ રહેલા યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. રસુવાગઢીમાં અચાનક આવેલા પૂરને પગલે તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે જઈ રહેલા આશરે 400 યાત્રાળુઓ લાપતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પૂરના કારણે નેપાળ-ચીન સરહદ નજીક આવેલા અનેક ગામો અને રસ્તાઓને નુકસાન થયું છે.

કાઠમંડુ સ્થિત ટચ કૈલાશ ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સના મેનેજિંગ ડિરેક્ટર બાશુ કુમાર અધિકારીના જણાવ્યા મુજબ બુધવારે 93 નેપાળી યાત્રાળુઓ સહિત કુલ 390 યાત્રાળુઓને સરહદ પાર કરાવવાના હતા. જોકે બપોરે 3 વાગ્યા સુધી કેટલાક યાત્રાળુઓ સિવાય અન્ય લોકો સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.

- Advertisement -

નેપાળ ટૂરિઝમ બોર્ડે ટ્રાવેલ એજન્સીઓ પાસેથી યાત્રાળુઓનો ડેટા મંગાવ્યો છે. મળેલી માહિતી મુજબ સમ્રાટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના 71, લીફ હોલિડેઝના 55, કાઠમંડુ હોલિડેઝના 17, કૈલાશ જર્નીના 31, એક્સપ્લોર વેકેશનના 7, ટ્રેકર્સ સોસાયટીના 92, રિચા ટૂર્સના 12, ફિશટેલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના 27, હિમાલયન ગ્લેશિયરના 62 અને આલ્પાઇન ઈકો ટ્રેકના 16 ગ્રાહકોનો સમાવેશ થાય છે.

બોર્ડના જણાવ્યા અનુસાર સંપર્ક થઈ શક્યો નથી તેવા પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતના લોકોની છે. તેમાં 100થી વધુ અનિવાસી ભારતીયો હોવાનું જણાવાયું છે. સંબંધિત ટ્રાવેલ કંપનીઓ દ્વારા 37 અનિવાસી ભારતીયોને માહિતી આપવામાં આવી હોવાનું પણ બોર્ડે જણાવ્યું છે. આ ઉપરાંત સંપર્કમાં ન આવેલા 17 પ્રવાસીઓ મલેશિયા, 12 બ્રિટન અને 4 દક્ષિણ આફ્રિકાના હોવાનું જણાવાયું છે. જોકે આશરે 100 લોકોની રાષ્ટ્રીયતા હજુ સુધી નિશ્ચિત થઈ શકી નથી.

રસુવા વિસ્તાર કૈલાશ માનસરોવર અને ગોસાઈકુંડની યાત્રા તેમજ લાંગટાંગ નેશનલ પાર્કમાં ટ્રેકિંગ માટે આવતા લોકો માટે મહત્વપૂર્ણ વિસ્તાર છે.

- Advertisement -

નેપાળમાં આવેલા આ ભયાનક પૂરની અસરને ધ્યાનમાં રાખીને બિહારના મુઝફ્ફરપુરમાં પણ વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે. પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં માઈકિંગ કરવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરવામાં આવી રહી છે.

મુઝફ્ફરપુરના સરૈયા, સાહેબગંજ અને પારુ વિસ્તારોમાં પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર ગૌરવ અને એસએસપી કાંતેેશ કુમાર મિશ્રા સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે.

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરને કારણે થયેલા જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા સરકાર, રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો, સુરક્ષા દળો સહિત તમામ સંબંધિત એજન્સીઓ અને લોકોને અપીલ કરી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નેપાળના ચાર જિલ્લાઓમાં નદી કિનારે રહેતા હજારો લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. નદી કિનારે આવેલી મોટી વસાહતો અને બજારો ઉપરાંત સરકારી કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ, જેલ, શાળાઓ અને હોસ્પિટલો પણ આ વિસ્તારોમાં આવેલા છે. આ ઉપરાંત નેપાળ પોલીસના 32 અને આર્મ્ડ પોલીસ ફોર્સના 9 સહિત કુલ 41 સુરક્ષાકર્મીઓ પણ લાપતા હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular