Belgian royal family news : બેલ્જિયમમાં કાર સેલ્સમેન તરીકે જીવન ગુજારતા ક્લેમેન્ટ વાનડેનકેરખોવ (Clement Vandenkerckhove) ને કાનૂની રીતે શાહી પરિવારની ઓળખ મળી ગઈ છે. કિંગ ફિલિપના નાના ભાઈ પ્રિન્સ લોરેન્ટે (Prince Laurent of Belgium) ક્લેમેન્ટ ( ઉ.26) ને પોતાનો પુત્ર સ્વીકાર્યો છે. DNA Test માં 99.5 ટકા મેચ બાદ ક્લેમેન્ટ હવે પ્રિન્સ લોરેન્ટની અંગત મિલકતમાં સત્તાવાર હિસ્સેદાર બન્યા છે. જોકે, ક્લેમેન્ટને રાજા બનવાનો કે શાહી ભથ્થાનો હક નહીં મળે. BBN News ના અહેવાલ અનુસાર, આ કાનૂની પ્રક્રિયા અંદાજે 6 માસ અગાઉ એક કાર્યક્રમમાં પૂરી થઈ હતી, પરંતુ તેની જાણકારી હવે જાહેર થઈ છે.
બેલ્જિયમમાં 26 વર્ષની અનિશ્ચિતતા બાદ ક્લેમેન્ટ વાનડેનકેરખોવને કાનૂની રીતે શાહી માતા-પિતાની ઓળખ મળતા રાજવી પરિવારમાં એક સ્થાન પ્રાપ્ત થયું છે. પ્રિન્સ લોરેન્ટે ક્લેમેન્ટને કાનૂની રીતે પોતાના પુત્ર સ્વીકારી લીધો છે. ક્લેમેન્ટ અગાઉ કાર સેલ્સમેન તરીકે કામ કરતા હતા. જ્યારે તેમની માતા પ્રખ્યાત બેલ્જિયમની ગાયિકા વેન્ડી વાન વાન્ટેન (Belgian singer Wendy van Wanten) છે. પ્રિન્સ લોરેન્ટે સપ્ટેમ્બર 2025માં જાહેરમાં ક્લેમેન્ટને પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતો. જેનાથી વર્ષોથી ચાલતી વાનડેનકેરખોવના માતા-પિતા અંગેની અટકળોનો અંત આવ્યો હતો. બંને વચ્ચે કરાવવામાં આવેલા DNA ટેસ્ટમાં 99.5 ટકાનું સામ્ય આવ્યું હતું.
90ના દાયકામાં ક્લેમેન્ટની માતા અને પ્રિન્સ લોરેન્ટ રિલેશનશિપમાં હતા. વર્ષ 2025 માં જ્યારે ક્લેમેન્ટ એક ટીવી ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા અને તેમણે પોતાના પરિવારના ઇતિહાસ અંગે વાત કરી, ત્યારે આ રહસ્ય દુનિયા સમક્ષ ખૂલ્યું હતું. ક્લેમેન્ટને મળેલી કાનૂની માન્યતાના કારણે તેઓ હવે પ્રિન્સ લોરેન્ટની અંગત મિલકતમાં સત્તાવાર રીતે હિસ્સેદાર બની ગયા છે. તેમની સાથે પ્રિન્સ લોરેન્ટના અન્ય 3 બાળકો પણ આ મિલકતના વારસદાર રહેશે.








