પ્રશાંત દયાળ (શતરંજ-15, નવજીવન ન્યૂઝ): પત્રકાર આદેશની સવાર પડી ન હતી. આમ તો તે રોજ સવારે વહેલો ઊઠી જતો હતો, પણ આજે સાત થવા આવ્યા હતા છતાં તે પથારીમાં જ હતો. તેના મોબાઇલની રિંગ વાગી. પણ તેણે મોબાઇલ ઉપાડવાને બદલે પડખું પાછું ફેરવી લીધું. રિંગ વાગી અને બંધ થઈ. પાછી રિંગ વાગી અને તેણે બારીમાંથી આવતા સૂર્યના પ્રકાશને આધારે કેટલા વાગ્યા હશે તેનો ઝીણી આંખે અંદાજ મેળવવાનો પ્રયત્ન કર્યો. સામે છેડે સાથી પત્રકાર મોહન હતો. તેણે ઊંચા અવાજે કહ્યું : “હજી ઊંઘે છે? જલદી ઊઠ, ઍન્કાઉન્ટર થયાં છે.” આદેશ પથારીમાં બેઠો થઈ ગયો. મોહને કહ્યું : “નારોલના જમના ટેનામેન્ટમાં ચાર કાશ્મીરી ત્રાસવાદીઓ રોકાયા હતા. તેમનું ઍન્કાઉન્ટર થયું છે.” આદેશ ઊઠ્યો. તરત બ્રશ લીધું અને કામ પતાવી તે સીધો પોતાની મોટર સાઇકલ લઈ નારોલ જવા રવાના થયો. રસ્તામાં ફરી એક વખત વિચારો દોડવા લાગ્યા… ત્રાસવાદીઓ કેમ આવ્યા હશે? શું ઇરાદો હશે? કે પછી કોઈ ગુંડાઓને ત્રાસવાદી બતાડી મારી નાખ્યા હશે? ક્રાઇમ રિપોર્ટિંગ કરતા કરતા આદેશને તમામ વાતો ઉપર શંકા કરવાની ટેવ પડી હતી.
આદેશ નારોલ સર્કલ પહોંચ્યો ત્યારે પહેલાંથી મોહન પોતાની મોટર સાઇકલ પાર્ક કરી સિગારેટ પી રહ્યો હતો. આદેશને જોતાં જ તેણે પોતાની સિગારેટ ફેંકી અને પગ નીચે તેને રગદોળી નાખતાં, તે આદેશની મોટર સાઇકલ ઉપર બેસી ગયો. નારોલથી તેઓ વડોદરા નૅશનલ હાઇવે તરફ જતા હતા. મોટર સાઇકલ ચલાવતાં ચલાવતાં, આદેશ કેવી રીતે સમાચાર મળ્યા, કોણ કોણ ઑપરેશનમાં હતું તેની વિગતો મેળવી રહ્યો હતો. મોહન અને આદેશ અલગ અખબારના પ્રતિનિધિ હોવા છતાં બંને વચ્ચે સારી મિત્રતા હતી. તેથી શહેરમાં કંઈ પણ બને ત્યારે તેઓ એકબીજાને જાણ કરતા હતા. રસ્તામાં હાઇવેનું બોર્ડ જોતાં જ મોહને હાથનો ઇશારો કરી કહ્યું : “અબ્દુલનું ઍન્કાઉન્ટર અહીંયાં જ થયું હતું.” આદેશે હસતાં હસતાં કહ્યું : “બધા ત્રાસવાદીઓ નારોલમાં જ રોકાતા હશે!”
મોહને હાથનો ઇશારો કરતાં કહ્યું : “ધીમી કર. આપણે ડાબી બાજુ વળવાનું આવશે.” તરત એક રસ્તો ડાબી તરફ જતો હતો, ત્યાં આદેશે બાઇક વાળ્યું અને એક પાનના ગલ્લે પૂછ્યું : “જમના ટેનામેન્ટ?” પેલાએ ઇશારો કરી બતાવ્યું… આગળ જઈ જમણી તરફ. જમણી તરફ વળતાં આદેશની બાઇક રેતીને કારણે ફંગાઈ જતી હતી. વ્હિલ કઠણ જમીનના સંપર્કમાં આવતાં ન હતાં. તેમ છતાં આદેશે પંદર-વીસ ફૂટ બાઇક ચલાવી. જોકે હવે બાઇક લઈ આગળ જવું શક્ય ન હતું. મોહને કહ્યું : “રહેવા દે, ચાલતાં જતા રહીએ.” આદેશને પણ તેવું જ લાગ્યું. તેણે પ્રયત્ન કરી બાઇક કિનારે લીધું અને ત્યાં જ પાર્ક કરી ચાલતા આગળ વધ્યા. રેતી એટલી હતી કે તેમના બૂટ પહેરેલા પગ પણ લગભગ આખા પંજા સુધી રેતીમાં ઘૂસી જતા હતા. બૂટની અંદર પણ રેતી દાખલ થઈ ગઈ હતી. અડધો કિલોમીટર ચાલ્યા પછી પોલીસનાં વાહનોમાં ફોરેન્સિક અધિકારીઓ નજરે પડ્યા. દિશા તો બરાબર હતી.
જમના ટેનામેન્ટ એટલે સાવ ગરીબો માટેની વસાહત હતી. એક રૂમ-રસોડાનાં મકાનો હતાં. મોટા ભાગે મજૂરી કરતા અથવા નજીકની ફૅક્ટરીમાં કામ કરતા લોકો રહેતા હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે હજી કોઈના ઘરમાં પાણીનાં કનેક્શન પણ આવ્યાં ન હતા. જેમની પાસે સગવડ હતી, તેમને લાઇટનું કનેક્શન મળ્યું હતું. મોટા ભાગના ઘરોમાં લાઇટો પણ ન હતી. જમના સોસાયટીની આસપાસ બે કિલોમીટરના વિસ્તારમાં કોઈ વસ્તી ન હતી. આદેશ અને મોહન જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે આઇપીએસ અધિકારી અને ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના વડા ઇન્દ્રસિંહ જાડેજા તેમને સામે મળ્યા. આ ઑપરેશન એટીએસનું હતું. સૌથી ખૂણામાં રહેલા ટેનામેન્ટના લાકડાના દરવાજા ઉપર ગોળીબારનાં નિશાન હતાં. ઇન્દ્રસિંહે પત્રકારોને જોતાં કહ્યું, “બહુ મોટી ઘાત ગઈ. ખતરનાક પ્લાનિંગ સાથે આવ્યા હતા.” કેટલાક પત્રકારો અહોભાવથી જાડેજાને જોઈ રહ્યા હતા. તેમની છાતી ઉપર બુલેટપ્રૂફ જાકીટ બાંધેલું હતું. તેમણે પોતાના બુલેટપ્રૂફ જાકીટની બરોબર વચ્ચે રહેલા કોઈ નિશાનને બતાવતાં કહ્યું : “એક ગોળી તો બરાબર મારી છાતીમાં વાગી. આ તો માતાજીના આશીર્વાદ કે જાકીટ હતું.”
આદેશ અને મોહન ટેનામેન્ટમાં દાખલ થયા. બે રૂમમાં લોહીનાં ખાબોચિયાં હતા. ઉપર ગોળીઓનાં નિશાન હતા. ઇન્સ્પેક્ટર કેતન જાદવ ફોરેન્સિક ઑફિસર પી. જી. મણિયારને ક્રાઇમ સીન સમજાવી રહ્યો હતો. તેણે પણ બુલેટપ્રૂફ જાકીટ પહેર્યું હતું. આદેશને જોતાં તેણે ‘વાત કરીએ હમણાં’ તેમ કહી, ફરી પાછી મણિયારની સાથે વાત ચાલુ રાખી. સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ એક કૉન્સ્ટેબલને બ્લડ સૅમ્પલ કેવી રીતે લેવાં તે સમજાવી રહ્યો હતો. કૉન્સ્ટેબલ તે પ્રમાણે રૂનું પૂમડું બનાવી લોહીવાળું પૂમડું એક નાની પારદર્શક પ્લાસ્ટિક બૅગમાં મૂકતો હતો, પછી તેની ઉપર નંબર મારવામાં આવતો હતો. આ જ પ્રકારે ફૂટેલી બુલેટ, લોહીવાળાં કપડાં, બધાં સૅમ્પલ એકત્ર કરી એફએસએલ અધિકારીને આપવામાં આવતા હતા. ઘરની બહાર ડીએસપી જાડેજા ટીવી ચૅનલને બાઇટ આપી રહ્યા હતા. જોકે મોટા ભાગના સવાલોનો જવાબ તેઓ બપોરે પ્રેસ- કૉન્ફરન્સમાં આપશે તેવું કહી જવાબ ટાળી દેતા હતા. પોલીસના દાવા પ્રમાણે જે ઠાર મરાયા હતા, તેમનાં શરીર પોસ્ટમૉર્ટમ માટે સિવિલ હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. આદેશ આ દરમિયાન આજુ-બાજુમાં રહેતા લોકોને મળ્યો. તેણે ઘરનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. તેની પાસે પ્રશ્નોની એક લાંબી હારમાળા હતી, પણ તે આ અંગે કોઈની સાથે ચર્ચા કરવા માગતો ન હતો.
બપોરના બે વાગે શાહીબાગ ડફનાળા ખાતે આવેલી એટીએસની ઑફિસમાં પ્રેસ-કૉન્ફરન્સ રાખવામાં આવી હતી. ટેલિવિઝન ચૅનલોના કૅમેરાથી રૂમ ભરાઈ ગયો હતો. પ્રેસ-કૉન્ફરન્સનાં ટેબલો માઇકથી ભરાઈ ગયા હતા. સવા બે વાગે ડીએસપી ઇન્દ્રસિંહ જાડેજા, ઇન્સ્પેક્ટર કેતન જાદવ અને સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ આવ્યા. ત્રણે એકદમ હૅન્ડસમ લાગતા હતા. જાડેજાની ડ્રેસિંગ સેન્સ સારી હતી, યલો શર્ટ અને ડાર્ક જીન્સ પહેર્યાં હતા. તેમના ઊજળા વાનને કારણે ખરેખર તે હૅન્ડસમ લાગતા હતા. ગુજરાત પોલીસના ઘણા અધિકારીઓ તેમના ડ્રેસિંગની નકલ કરતા હતા. ઍન્કાઉન્ટરનો દોર શરૂ થયો ત્યારથી ઇન્દ્રસિંહ બહુ સ્માર્ટલી બીહેવ કરતા હતા, પણ તેમને સમજવા અઘરા હતા. રૂમમાં દાખલ થતાં જાડેજાએ ‘કેમ છો દોસ્તો’ કહી વાતની શરૂઆત કરી. ઇન્સ્પેક્ટર કેતન જાદવને પોતાની બાજુની ખુરશીમાં બેસવાની તેમણે સૂચના આપી. જ્યારે સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ પાછળની તરફ ઊભો હતો. પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆત કરતા જાડેજાએ કહ્યું : “અમને સેન્ટ્રલ એજન્સી તરફથી સૂચના મળી હતી કે, આગામી દિવસોમાં રથયાત્રા ઉપર હુમલો કરવાની લશ્કરે-એ-તોઇબાએ યોજના બનાવી છે. તેના માટે ચાર આતંકવાદીઓ અમદાવાદ આવી ચૂક્યા છે તેવો ઇનપુટ હતો. તેના આધારે અમે અમારા બાતમીદારોને કામે લગાડ્યા હતા, જેમાંથી સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલને ઇન્ફર્મેશન મળી હતી કે આતંકવાદીઓ જમના ટેનામેન્ટમાં છે. ગઈ મોડી રાત્રે ઓછી કૅઝુઅલ્ટિ થાય તે માટે અમે ઑપરેશન હાથ ધર્યું. અમારી ટીમ તૈયારી સાથે હતી. અમે દરવાજો ખખડાવી તેમને શરણે આવવાની સૂચના આપતાં તેમણે અમારી ઉપર આડેધડ ગોળીબાર કર્યા. તેમણે કુલ ૧૪ રાઉન્ડ ગોળીઓ છોડી હતી, જેના જવાબમાં અમે ૩૮ રાઉન્ડ ગોળી છોડતાં સારવાર દરમિયાન ચારેયના સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ નીપજ્યા હતા.”
વાક્ય પૂરું થતાં જ મોહને સવાલ પૂછ્યો, “આ ચાર કોણ હતા?” જાડેજાએ તરત જવાબ આપ્યો : “હજી મરનારની ઓળખ થઈ નથી, અમે કાશ્મીર પોલીસ પાસે તેમનો રેકર્ડ માગ્યો છે. હજી સુધી તેમના મૃતદેહોનો પણ કોઈ કબજો માગ્યો નથી.” પત્રકાર રાજુએ સવાલ કર્યો, “તેઓ માત્ર રથયાત્રા ઉપર જ હુમલો કરવાના હતા કે બીજું કોઈ પ્લાનિંગ હતું?” જાડેજા તરત ઇન્સ્પેક્ટર જાદવ સામે જોતાં તેણે વાતની શરૂઆત કરતા કહ્યું : “મુખ્યમંત્રી સહિત હિંદુ સેનાના પ્રમુખ રાજેશ ભટ્ટ, મકરબાના નેતા રાજગોર અને મંત્રી અમર ઠાકોરને ટાર્ગેટ કરવાના હતા. ચારે આતંકવાદીઓ પાસેથી બે રિવૉલ્વર અને બે પિસ્તોલ મળી આવી છે.”
પત્રકાર પરિષદ પૂરી કર્યા બાદ પત્રકારો વિખરાઈ ગયા. છેલ્લાં ત્રણ વર્ષમાં સાતમું ઍન્કાઉન્ટર હતું. તેના કારણે પત્રકારોને પણ હવે તેમાં કંઈ નવું લાગતું ન હતું. કૉન્ફરન્સ પહેલાં પણ જો તમે પત્રકારોને ઍન્કાઉન્ટરની સ્ટોરી લખી નાખવાનું કહો તો તે લખી નાખે તેમ હતા. કારણ કે દર વખતે એક સરખી સ્ટોરી આવતી હતી. ત્રાસવાદીના હીટલિસ્ટમાં મુખ્યમંત્રી તો કૉમન જ રહેતા, પણ દર વખતે એકાદ-બે નેતાનાં નામ ઉમેરાતાં હતાં.
આદેશે ઑફિસમાં જઈ પોતાની કૉપી લખવાની શરૂઆત કરી. એક તરફ પોલીસે પ્રેસ-કૉન્ફરન્સમાં કરેલા દાવાઓ લખ્યા હતા. બીજી તરફ આ ઍન્કાઉન્ટર બનાવટી હોવાની તેની શંકાઓ પણ લખી હતી. આદેશ કૉપી લખી રહ્યો હતો ત્યારે ઑફિસમાં સૌથી વધુ ઉત્સુકતા તેના તંત્રીને હતી. તેમને આદેશનું સતત ટેન્શન રહેતું હતું. આદેશ તેને જે સાચું લાગે અથવા ઠીક લાગે તે બધું લખી નાખતો હતો. પછી બીજા દિવસે તેના તંત્રીને મંત્રીથી સંત્રી … બધાને જવાબ આપવા પડતા હતા. વાતમાં હતું કે આદેશ તેમના કહ્યામાં નથી તે કહેવું કઈ રીતે? બીજી તરફ તંત્રીએ અનેક વખત ‘જોઈશ’ તેવી ખાતરી આપી હોવા છતાં આદેશની સ્ટોરી લંકામાં આગ લગાડનારી જ હતી. આદેશે ઍન્કાઉન્ટર બનાવટી હોવાનાં કારણો આપ્યાં હતાં તે આ પ્રમાણે હતાં : ૧. જમના ટેનામેન્ટ સુધી જવાનો રસ્તો ખૂબ જ રેતાળ છે, જો કોઈ ચાલતા ગયા હોય તો બૂટ અવશ્ય માટીવાળા થાય, જ્યારે કહેવાતા ત્રાસવાદીઓના બૂટ પૉલિશ કરેલા હતા. તેનો અર્થ તેમની પાસે વાહન હતું અથવા તે સ્વાભાવિક રીતે પોલીસના વાહનમાં અહીંયાં લાવવામાં આવ્યા હોય તો જ બૂટમાં માટી ના હોય. ૨. મકાનનો દરવાજો બંધ હતો, પણ દરવાજાની પાછળ આડશ હતી. ત્રાસવાદી ત્યાં સંતાઈને બહાર રહેલી પોલીસને ગોળી મારે તો તે પોતાનું રક્ષણ કરી શકે તેમ હતા. પરંતુ પોલીસની સ્ટોરી પ્રમાણે ત્રાસવાદીઓ લાકડાના દરવાજાની પાછળથી જ ગોળી ચલાવતા હતા, જેમાં પોલીસે દરવાજા ઉપર છોડેલી ગોળી તેમને વાગતાં તે માર્યા ગયા હતા. ૩. જે ઘરમાં આતંકવાદીઓ રહેતા હોવાનું પોલીસનું કહેવું હતું, તે મકાનમાં હજી પાણીનું કનેક્શન જ ન હતું, છતાં બાથરૂમમાં પાણીની ડોલ ભરેલી હતી. ૪. પોલીસે જે ગોળીબાર કર્યા તેની ફૂટેલી કારતૂસો ઘરની અંદર હતી, પરંતુ ત્રાસવાદીઓએ બહારની તરફ ગોળીઓ છોડી હોવા છતાં તેમની ફૂટેલી કારતૂસ બહારની તરફ મળવાને બદલે ઘરમાંથી મળી હતી. ૫. માર્યા ગયેલા લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદીઓ હતા તેના પુરાવા રૂપે ઉર્દૂમાં સાહિત્ય મળ્યું હતું. જે સાહિત્ય મળ્યું તે ત્રાસવાદના સંદર્ભમાં હોય તો ત્રાસવાદીઓ કંઈ યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા ન હતા કે સાહિત્ય વાંચી ત્રાસવાદીઓ પ્રવૃત્તિ આચરે. ૬. ત્રાસવાદી કાશ્મીરી હતા કારણ કે તેમની પાસે એક પ્લાસ્ટિક બૅગ ઉપર મિશન-કાશ્મીર લખ્યું હતું. જોકે બૅગ તો કપડાંની ખરીદી કરનાર દુકાનદાર પણ આપતો હતો કારણ બે વર્ષ પહેલાં મિશન-કાશ્મીર ફિલ્મ આવી હતી તેની બૅગ ફિલ્મ-પ્રમોશન માટે છપાવી વેચવામાં આવતી હતી.
જ્યારે આદેશની કૉપી તંત્રીના ટેબલ ઉપર ગઈ એટલે તે માથું પકડી બેસી ગયા. તેમને જે ડર હતો તેવું જ મૅટરમાં હતું, તંત્રી ત્રણ વખત વાંચી ગયા, પણ આદેશની કોઈ વાત અતાર્કિક પણ ન હતી, તેમણે આદેશને બોલાવી વિનંતીના સૂરમાં કહ્યું : “થોડું ડાઇલ્યૂટ થઈ શકે?” આદેશે સ્વસ્થતા સાથે કહ્યું : “ડ્રૉપ કરો તો પણ મને વાંધો નથી.” તે કંઈ બોલ્યા નહીં. સવારે આદેશે અખબાર જોયું તો તેણે જે લખ્યું હતું તે અક્ષરશઃ છપાયું હતું અને બધે જ ચર્ચા આદેશનાં કારણોની હતી.
આદેશની સ્ટોરી વાંચતા મંત્રી અમર ઠાકોરની ચા બગડી હતી. તેમણે તરત ‘બગડમ’ અખબારના તંત્રી હિતેનને ફોન જોડ્યો અને કહ્યું : “એક રિપોર્ટર તમારાથી સચવાતો નથી?! અમે તમારાં કોઈ કામમાં કચાશ રાખી છે? હવે કટિંગના આધારે અમારે હ્યુમન રાઇટ્સને જવાબ આપવાના.” તંત્રી હિતેન કંઈ જવાબ આપે તે પહેલાં તેમણે ફોન મૂકી દીધો.
(ક્રમશ:)








