Saturday, August 22, 2026
HomeGujaratજુહાપુરામાં કાંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની માહિતી ઈન્ફોર્મરે પોલીસને આપી | શતરંજ...

જુહાપુરામાં કાંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની માહિતી ઈન્ફોર્મરે પોલીસને આપી | શતરંજ 5

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-5, નવજીવન ન્યૂઝ): ઍન્કાઉન્ટરના ઑપરેશન પછી ક્રાઇમ-બ્રાન્ચમાં કાગળો તૈયાર કરતા બપોર થઈ ગઈ હતી. મહેશ અને વિનય પોતાની ચેમ્બરમાં જ ખાસ બનાવવામાં આવેલી ઍન્ટી-ચેમ્બરમાં આરામ કરવા જતા રહ્યા હતા. આખી રાત જાગતા રહેવાને કારણે મહેશની આંખ ખૂલી ત્યારે સાંજના સાત વાગ્યા હતા. તે મોઢું ધોઈ પોતાની ખુરશી ઉપર બેઠા. બેલ મારી… કૉન્સ્ટેબલ આવતાં બે ચા લાવવાનું કહ્યું. કૉન્સ્ટેબલને સૂચના આપી કે, વિનયને બોલાવી લાવે. થોડી વારમાં ચા આવી ત્યારે કૉન્સ્ટેબલે કહ્યું : “તોમર સાહેબ હજી આરામ કરે છે.” મહેશે તરત પોતાનો મોબાઇલ ફોન કાઢી વિનયને રિંગ મારી. લાંબી રિંગો પછી વિનયે ફોન ઉપાડ્યો. મહેશે તેને ઠપકો આપતો હોય તે રીતે કહ્યું : “અલ્યા કેટલા વાગ્યા ભાન છે? જરા ઘડિયાળ જો, ચાલ જલદી મારી ચેમ્બરમાં આવ… ચા આવી ગઈ છે.” થોડી વારમાં વિનય મોઢું ધોઈને આવ્યો હોવા છતાં બગાસાં ખાતો ખાતો, મહેશની ચેમ્બરમાં આવ્યો. બંને ચા પી રહ્યા હતા, ત્યારે મહેશે ટીવી ઑન કરી સમાચાર જોવાની શરૂઆત કરી, એટલે તરત તેણે વિનયને કહ્યું : “જો જો.” વિનયે ટીવી તરફ જોયું. ટીવીમાં પોલીસ-ઍન્કાઉન્ટરના સમાચાર ચાલી રહ્યા હતા, જેમાં મહેશ અને વિનય પણ નજરે પડતા હતા. ન્યૂઝ રિડર જાણે પોલીસે કારગિલ ઉપર ત્રિરંગો લહેરાવ્યો હોય અને ગુજરાતના માથે આવનારી કોઈ મોટી ઘાતમાંથી લોકોને ઉગારી લીધા હોય તેવી રીતે પોલીસની શૌર્યગાથાનું વર્ણન કરતી હતી. વિનયને જાણે કે કોઈ રસ પડતો ના હોય તેમ તેણે ટીવી તરફ પોતાની પીઠ ફેરવી લીધી. મહેશ હજી સમાચાર જોઈ રહ્યો હતો. તેણે અચાનક વિનય સામે જોતાં કહ્યું : “આજના ઑપરેશનનું સેલિબ્રેશન તો થવું જોઈએ ને!” વિનયે ઠંડો પ્રતિભાવ આપતાં કહ્યું : “ના, મારે ઘરે જવું છે.” પછી છણકો કરતાં કહ્યું : “તારે તો રોજ સેલિબ્રેશન હોય છે. તને તો દારૂ પીવાના કારણની જરૂર હોય છે.” મહેશે વિનંતીના સૂરમાં કહ્યું : “અરે, તને શું ખબર પડે નશો કોને કહેવાય. કોઈ દિવસ પીધો છે? ચલ ચલ; બહુ મોડું નહીં કરીએ. વહેલા નીકળી જઈશું. તને ખબર છે? મને કંપની વગર ફાવતું નથી.” વિનયને ખબર હતી કે તે ના પાડશે તો પણ તેને મહેશ સાથે જવું તો પડશે, એટલે તેણે ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું : “ચલ જલદી કર. હું મારું વેપન લઈને આવું છું, પછી નીકળીએ.”

બહાર નીકળ્યા. તેમના બંનેના ડ્રાઇવરો દોડતા આવ્યા : “સાહેબ, ગાડી લાવું?” બંનેએ ના પાડી. વિનયે પોતાની પ્રાઇવેટ કાર બહાર કાઢી. વિનય ડ્રાઇવ કરતો હતો અને મહેશ બાજુની સીટમાં બેઠો હતો. ક્રાઇમ-બ્રાન્ચથી બહાર નીકળી કાર એલિસબ્રિજ થઈ આશ્રમ રોડ ઉપર જઈ રહી હતી, ત્યાં મહેશના ફોનની રિંગ વાગી. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને નંબર જોતાં વિનય તરફ જોઈ હોઠ ઉપર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઇશારો કરી ફોન ઉપર વાત શરૂ કરી. “બોલ કંઈ અર્જન્ટ છે? સાહેબ સાથે એક કામે જઈ રહ્યો છું.” જાણે મહેશ સાથે ખરેખર તેના સાહેબ સાથે હોય તેમ ધીમા અને દબાતા અવાજે વાત કરી રહ્યો હતો. ફોન પૂરો થતાં તેણે એક ઊંડો શ્વાસ છોડ્યો અને કહ્યું : “હાશ.” વિનય તેની સામે જોયા વગર નજર આગળ રાખી મરક મરક હસી રહ્યો હતો. મહેશ સમજી ગયો કે વિનય તેની વાતને લીધે હસી રહ્યો છે. મહેશે ગુસ્સે થતાં પૂછ્યું : “કેમ હસે છે તું?” વિનય કઈ બોલ્યો નહીં, અચાનક એક બાઇકવાળો વચ્ચે આવતાં બ્રેક મારી ફરી પાછી સ્પીડ વધારી. મહેશને હજી ચેન ન હતું, તેણે ફરી પૂછ્યું : “પાગલ થઈ ગયો છે. હસે છે કેમ?” વિનયે રસ્તા ઉપર જોતાં, એક ત્રાંસી નજર મહેશ તરફ નાખી અને જાણે મનોમન બબડતો હોય તેમ બોલ્યો, “ડરપોક… બૈરાનો ગુલામ.” મહેશને વધુ ગુસ્સો આવ્યો, તેને કંઈ કહેવું હતું પણ બોલ્યો નહીં. તે ગુસ્સામાં પોતાની ડાબી તરફ કાચમાંથી બહાર જોવા લાગ્યો. કાર આશ્રમ રોડ પાર કરી, સાબરમતી થઈ અડાલજ તરફ દોડી રહી હતી. હવે અંધારું પણ થવા લાગ્યું હતું. કારની હેડલાઇટ ચાલુ થઈ ગઈ હતી. મહેશે કંટાળો દૂર કરવા રેડિયો ચાલુ કર્યો, ત્યારે રેડિયો ઉપર રેડિયો જોકી નેહા બોલી રહી હતી. તેનો અવાજ સાંભળી મહેશની આંખની ભમ્મરો ઊંચી થઈ. તેણે કાર ચલાવી રહેલા વિનય સામે જોયું. તેના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતો. મહેશે વિનયના ખભાને સ્પર્શ કરતાં પૂછ્યું : “આ પેલી જ ને?” “કઈ?” “અરે ભાઈ, તે દિવસે તારી ઑફિસમાં આવી હતી!” વિનયે સામો સવાલ કરતાં પૂછ્યું : “હા, તો તેનું શું છે?” મહેશે શંકાના સૂરમાં પૂછ્યું : “તારું નવું ચક્કર તો નથી ને?” વિનયે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે એક નજર મહેશ તરફ ફેરવી અને હસ્યો. મહેશ સમજીને જ્યારે પણ કોઈ સવાલનો જવાબ ના આપે અને માત્ર હસે એટલે તે હા કહે છે તેવું માની લેવાનું.

- Advertisement -

વિનયના પિતા પોલીસમાં ડેપ્યુટી એસપી હતા. તે પહેલાંથી શ્રીમંત પરિવારમાંથી આવતો હતો. પૈસાપાત્ર હોવા છતાં પૈસા કમાવવાની એક પણ તક છોડતો નહીં. તેને મન પોલીસની નોકરી એટલે નોટો છાપવાની ટંકશાળ હતી. તે બધા જ નિર્ણયો મગજથી કરતો હતો, હૃદયથી નહીં. સરકારી નિર્ણયોમાં ક્યારેય લાગણીઓને વચ્ચે નહીં લાવવાની તેવું તે માનતો હતો. દારૂને ક્યારેય હાથ નહોતો અડાડ્યો. પણ કસરતનો ગજબનો શોખ. રોજ બે કલાક જીમમાં વર્કઆઉટ કરવાનું. તેની પર્સનાલિટી ઉપર છોકરીઓ ફિદા હતી. તે પરિણીત હતો, છતાં જે શહેરમાં તેની બદલી થાય ત્યાં તેનું પ્રેમ-પ્રકરણ શરૂ થઈ જતું. તે કહેતો : “હું કોઈને આમંત્રણ આપતો નથી, કોઈ સ્ત્રી સામે ચાલીને આવે તો ના પાડતો નથી.” વિનય અને મહેશ આમ ખૂબ જ અલગ હતા. તેમનામાં ખાસી ભિન્નતા હતી, છતાં કેમ જાણે તેમની વચ્ચે મિત્રતા કેવી રીતે થઈ? તેમની કાર અડાલજ ક્રૉસ કરી મહેસાણા તરફ થોડીક આગળ વધી ત્યાં વિનયે ડાબી તરફ ઝગમગાટ મારતા ઢાબા પાસે કાર ઊભી રાખી. ઢાબાની ઉપર બોર્ડ હતું : ગરીબ નવાઝ. વિનય કાર ઊભી રાખતો હતો, તે વખતે ઢાબાના કાઉન્ટર ઉપર બેઠેલી વ્યક્તિ ઝીણી નજર કરી કારને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી. આમ તો વિનય અને મહેશ અહીંયાં આવતા રહેતા હતા. જેવા વિનય અને મહેશ કારમાંથી બહાર નીકળ્યા તેની સાથે કાઉન્ટર ઉપર બેઠેલી વ્યક્તિએ બૂમ પાડી… “મઝહર, દેખ, બહાર સા’બ આયે.” તરત જ સોળ-સત્તર વર્ષનો એક છોકરો ખભે નૅપ્કિન નાખી દોડતો આવ્યો. તેણે વિનય અને મહેશની સામે જોતાં જ તેની આંખોમાં ચમક આવી, તો તેમને જોઈ ખુશ થયો હોય તેવું દેખાઈ આવતું હતું. મહેશે તેને પૂછ્યું : “કૈસા હૈ બેટા?” તે ખભે રહેલા નૅપ્કિનથી હાથ લૂછતાં બોલ્યો : “સા’બ, મેં ઠીક હૂં, આજ મૈંને આપકો ટીવી પે દેખા થા.” મઝહર વાત કરી રહ્યો હતો તે જ વખતે કાઉન્ટર ઉપર બેઠેલી વ્યક્તિ કોઈને પોતાની જવાબદારી સોંપી તે પોતે પણ બહાર આવી પહોંચી. તેણે છોકરાને ધમકાવતાં કહ્યું : “અરે મઝહર, તૂં યહાં ખડા ખડા ક્યા બાતેં કર રહા હૈ? સા’બ કા ઇંતેજામ કર દે.” પછી તેણે તરત વિનય અને મહેશ સામે જોતાં કહ્યું : “સલામ આલેકુમ, સા’બ.” “આલેકુમસલામ બાબા.” વિનયે પૂછ્યું. “ખેરિયત હૈ બાબા…” બસ દૂઆ હૈ આપકી.” આ પ્રકારના સંવાદો પછી મઝહર તેમને ઢાબાની પાછળની તરફ લઈ ગયો, જ્યાં આમ ગ્રાહકોને જવાની મંજૂરી ન હતી. જ્યાં પહેલેથી જ એક ટેબલ ખાલી હતું, મઝહર તરત પાણી–સોડાની બૉટલ અને વિનય માટે કૉલ્ડ ડ્રિંક્સ લઈ આવ્યા. મઝહરે પૂછ્યું, “સા’બ બાઇટિંગ મેં ક્યા લાઉં?” મહેશે વિચાર કર્યો અને કહ્યું : “મેરે લિયે ચિકન ટીક્કા ઔર મેરે દોસ્ત કે લિયે પી-નટ લે આ.” મહેશે વિનય સામે જોયું. તેણે હકારમાં માથું ધુણાવ્યું.

મહેશે પોતાની હૅન્ડબૅગમાંથી દારૂની બૉટલ કાઢી અને પોતાનો પૅગ ભરવા લાગ્યો. મહેશ જે રીતનો પૅગ ભરી રહ્યો હતો, તે વિનય જોઈ રહ્યો હતો. પૅગ ભરતાં ભરતાં મહેશની નજર વિનય તરફ ગઈ. તેણે તેને પૂછ્યું : “તારો બનાવું?” વિનયે જવાબ આપ્યા વગર નજર ફેરવી લીધી. મહેશે તેને કહ્યું : “દારૂ પીવા માટે હિંમત જોઈએ. તને ડર લાગે છે કે પીધા પછી કંઈક બોલાઈ જશે.” વિનયે કૉલ્ડ ડ્રિંક્સની બૉટલ મોઢે માંડી. મહેશના ચિકન ટીક્કા પણ આવી ગયા હતા. પંદર મિનિટમાં જ મહેશનો પહેલો પૅગ પૂરો થઈ ગયો. આમ તો મહેશ એકલો અડધી બૉટલ પી જતો. જોકે તેની બોલચાલ કે વ્યવહારમાં તેણે પીધું છે તેની ખબર પડતી ન હતી. વિનય ઉપર કોઈનો ફોન આવ્યો. તેણે પહેલાં તો: “અચ્છા. સચ બોલ રહા હૈ…? ગલત ઇન્ફર્મેશન તો નહીં હોગી ના?!” પછી સામેવાળી વ્યક્તિને કહ્યું : “એક કામ કર. ગરીબ નવાઝ કે ઢાબે પે આ જા.” મહેશને નશો ચઢવાની શરૂઆત થઈ હતી. બીજી તરફ ફોન ઉપર વાત કર્યા પછી વિનયનું મગજ ચકરાવે ચઢ્યું હતું. પંદર-વીસ મિનિટમાં ફરી ફોન આવ્યો. ‘હમણાં આવું’ તેમ કહી વિનય બહાર નીકળ્યો. તેણે આજુબાજુ નજર કરી તરત તેનું ધ્યાન મોટર સાઇકલ લઈને ઊભા રહેલા જહાંગીર ઉપર પડ્યું. તેણે પણ વિનયને જોયો. તેણે તરત મોટર સાઇકલ પાર્ક કરી, નીચે ઊતરી વિનય સામે આવતા કહ્યું : “સા’બ, મુઝે લગતા હૈ કોઈ બડા પ્લાનિંગ હો રહા…” વિનયે ખરેખર શું છે તેનો તાગ મેળવવા માટે જહાંગીરની આંખોમાં જોયું એટલે તેણે માંડીને વાત કરતાં કહ્યું : “સા’બ ૨૦૦૨ કે દંગોં મેં ઉસકા સબ કુછ સાફ હો ગયા થા. બાદ મેં વો સાઉદી ગયા. પૂરે દસ સાલ કે બાદ આયા હૈ. માલ ભી કમાયા. ઉસકો મિલને જુહાપુરા મેં અનજાન લોગ બહૂત આતે હૈં.”

જહાંગીર પોલીસ-ઇન્ફોર્મર તરીકે કામ કરતો હતો. અગાઉ ચોર હતો. અનેક વખત જેલમાં જઈ આવ્યો, પોલીસનો પણ બહુ માર ખાધો હતો. એક વખત વિનયે તેને પકડ્યો. વિનયને સમજ આવી ગઈ કે જો જહાંગીરનો યોગ્ય ઉપયોગ થાય તો જુહાપુરામાં ઇન્ફર્મેશન નેટવર્ક ઊભું થઈ શકે તેમ છે. જહાંગીર વિનય માટે કામ કરવા લાગ્યો હતો. કદાચ ચોરીમાં કમાતો તેના કરતાં વધુ ક્રાઇમ-બ્રાન્ચને ઇન્ફર્મેશન આપી કમાતો હતો. સામાન્ય રીતે પોલીસને માહિતી આપનાર નારાજ અથવા બદલો લેવા માગતા લોકો હોય છે, પણ પોલીસ દ્વારા નિયમિત પૈસા ચૂકવાતા હોય તેવા ઇન્ફૉર્મરની સંખ્યા નાની હોય છે, તેમાં જહાંગીરનો સમાવેશ થતો હતો. વિનય વિચારવા લાગ્યો હતો. એક પળ તો તેને થયું કે તે મહેશને લઈ સીધો જુહાપુરા જતો રહે. જોકે બીજી તરફ તરત એવો વિચાર આવ્યો કે, જહાંગીરની ઇન્ફર્મેશન સાચી હોય તો પણ એક વખત વેરિફાય કરવી જરૂરી હતી.

- Advertisement -

વિનયે જવાબ આપ્યો : “અચ્છા મૈં ડીસીપી સા’બ કે સાથ બાત કર લેતા હું. લેકિન તૂ ઉન પર નજર રખના.” જહાંગીરે કહ્યું : “અચ્છા સા’બ, ઇજાજત લૂં?” તેમ કહી તે ચાલવા લાગ્યો. વિનયે તરત તેને રોક્યો… ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢ્યા અને ગણ્યા વગર જહાંગીરને ધરતાં કહ્યું : “લે.” જહાંગીર થોડો પાછો ખસ્યો. તેણે કહ્યું : “નહીં સા’બ, અભી જરૂર નહીં. આપકી મહેરબાની. પ્રોહિબિશન કા અચ્છા ચલ રહા હૈ. ચલતા હૂં. ખુદા હાફિજ.” તેમ કહી જહાંગીર કિક મારી નીકળી ગયો. વિનય દૂર જઈ રહેલી ટેઇલ લાઇટ જોઈ રહ્યો. ખરેખર તો તે વિચારમાં હતો… અને ત્યાં લગભગ જહાંગીર ગયા પછી પણ ઊભો રહ્યો… દસ મિનિટ ઊભો રહ્યો. તે વિચારમાં હતો ત્યારે પાછળથી મઝહર આવ્યો : “સા’બ આપકો બુલા રહે હૈં.” વિનય પાછો ઢાબામાં આવ્યો ત્યાં સુધી મહેશની અડધી બૉટલ પૂરી થઈ ગઈ. વિનયને જોતાં તેણે ગાળો બોલવાની શરૂઆત કરી. વિનય ખુરશીમાં બેઠો અને ટેબલ ઉપર પડેલી દારૂની બૉટલ ઉપાડી તેનું બૂચ બંધ કરી, પોતાની પાસે બૉટલ રાખી લીધી. પહેલાં તો મહેશે ગાળોમાં ‘સાલા’થી શરૂઆત કરી હતી, પછી ક્રમશ: તેમાં વધારો થઈ રહ્યો હતો. વિનયે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જહાંગીર આવ્યો હતો માટે વાત કરવા ગયો હતો. પણ મહેશ સાંભળવા તૈયાર ન હતો. થોડે દૂર મઝહર ઊભો હતો. વિનયે તેને ઇશારો કરી બોલાવ્યો અને ઑર્ડર આપતાં કહ્યું : “બેટા, મેરે લિયે પનીર બટર મસાલા ઔર મેરે દોસ્ત કે લિયે ભેજાફ્રાય લે આ.” ભેજા ફ્રાયનો ઑર્ડર આપ્યો ત્યારે વિનયે ‘મહેશનું છટકી ગયું છે’ તેવો ઇશારો કરતાં મઝહર હસતા હસતા જમવાનું લેવા ગયો. જમવાનું પૂરું થયા પછી બંને બહાર નીકળી રહ્યા હતા ત્યારે મહેશે સોની નોટ કાઢી મઝહરના હાથમાં મૂકી, તેણે એકસોની નોટ પોતાના માથાને સ્પર્શ કરી ખિસ્સામાં મૂકતાં કહ્યું, “થૅંક્સ સા’બ.” મહેશ હસ્યો, કદાચ તેને મઝહરને જોઈ પોતાની ગરીબી યાદ આવતી હતી. એટલે જ્યારે મહેશની આંખ સામે મઝહર આવતો ત્યારે તે પોતાના ભૂતકાળમાં સરી જતો હતો. વિનય તેને ઘરે મૂકવા જતો હતો ત્યારે પોતાના બાળપણની યાદોએ તેની આંખો ભીની કરી નાખી હતી. જોકે વિનય તેનાં આંસુ જોઈ શક્યો ન હતો.
(ક્રમશ:)

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular