Exam Paper Leak Protest: સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session)ની શરૂઆત સાથે નવી દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આહ્વાન પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સંસદ તરફ માર્ચની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લાગુ કર્યો છે. સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને જંતર-મંતર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સતત થઈ રહેલા પરીક્ષા પેપર લીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓના માથેથી હવે પાણી જવા લાગ્યું છે તેવું અહીં દરેક વિદ્યાર્થી અને તેમના વાલીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અહીં થયેલા લાઠીચાર્જના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પર દમન કરતી વખતે પડા-પડી અફરાતફરી જોવા મળી હતી. અહીં એક વ્યક્તિએ તો પોતાની જાત તંત્રના ડંડાઓ સામે ધરી દીધી હતી. તે વીડિયોમાં કહે છે કે મારો મને મારી લો. ધરાઈને મારી લો… અને તંત્ર બેફામ લાકડીઓ પણ ચલાવે છે. જોકે એક ક્ષણ માટે આ યુવાનના આ વર્તનને કારણે પોલીસના કાંડા પણ મારવું કે નહીં તે વિચારવા લાગ્યા હોય તેવું લાગ્યું હતું. જોકે આ વીડિયો થોડી ક્ષણોનો છે. તેની આગળ અને પાછળ શું થયું તે જાણી શકાયું નથી.
અહેવાલો અનુસાર જંતર-મંતર અને આસપાસના વિસ્તારમાં અંદાજે 50 હજાર લોકો ભેગા થયા હતા. પોલીસે અનેક સ્તરે બેરિકેડિંગ (Barricading) કરી હોવા છતાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવાની તૈયારીમાં જોવા મળ્યા હતા. સુરક્ષાના કારણોસર દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, સેન્ટ્રલ સચિવાલય અને સેવા તીર્થ (ઉદ્યોગ ભવન) મેટ્રો સ્ટેશનો આગામી આદેશ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધન કર્યું હતું. જોકે, દિલ્હીમાં ચાલી રહેલા આ પ્રદર્શનનો તેમણે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk)નું અનશન પણ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો સરકાર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાઓની જવાબદારી સ્વીકારશે, પ્રશ્નપત્ર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપવામાં આવશે અને વરિષ્ઠ રાજકીય નેતાઓ હોસ્પિટલમાં આવીને આ મુદ્દે આશ્વાસન આપશે તો તેઓ અનશન સમાપ્ત કરવા તૈયાર છે.
જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના વિદ્યાર્થી નેતાઓએ પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. અનશન સમાપ્ત કરતાં પહેલાં તેમને રાજ્યસભા સાંસદ મનોજ ઝા, અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી શબાના આઝમી, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ સહિતના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી.
બીજી તરફ CJPના નેતા અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શનને ખોરવવા માટે કાવતરું રચાઈ રહ્યું છે. જોકે, દિલ્હી પોલીસે જંતર-મંતર પર લાઠીચાર્જ અથવા પ્રદર્શનકારીઓની અટકાયત થયાની વાતને અફવા ગણાવી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર સ્થિતિને વ્યવસાયિક રીતે સંભાળવામાં આવી રહી છે અને લોકો અફવાઓથી દૂર રહે.








