School Food Poisoning Surendranagar Chuda : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ની 150 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે આસપાસની જુદીજુદી હોસ્પિટલોમાં ખસેડાઈ છે. વિદ્યાલયમાં બાળાઓને રાત્રિનું વાસી ભોજન સવારના સમયે પીરસી દેવામાં આવતા સામૂહિક ફૂડ પોઈઝનિંગની અસર (Impact of mass food poisoning) થઈ છે. આ ઘટના બાદ શાળા સંચાલકો પલાયન થઈ ગયા છે. ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ચુડાસમા, આરોગ્ય અધિકારી અને નાયબ કલેક્ટર ચુડા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બાળાઓને રાત્રિનું વાસી ભોજન સવારના સમયે પીરસી દેવાયું હતું. અનુમાન છે કે, વાસી ખીર ખાવાથી વિદ્યાર્થીનીઓની ફૂડ પોઈઝનિંગના કારણે તબિયત લથડી હતી. શરૂઆતમાં 100 બાળાઓને અસર થઈ હતી અને ત્યારબાદ આંકડો વધતો ગયો હતો. આ ઘટના બનતા શાળાના સંચાલકો સ્થળ છોડી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ-બાય (108 ambulance services on standby) પર રાખી દેવામાં આવી હતી અને અસરગ્રસ્ત બાળાઓને તાબડતોબ સારવાર અર્થે સુરેન્દ્રનગર, ચુડા અને લીંબડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોગ્ય અધિકારી બી. જે. ગોહિલે જણાવ્યું છે કે, શાળામાં ભણતી 215 પૈકી 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.








