Friday, August 14, 2026
HomeGujaratગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની તબાહી, ખેડૂતોને નુકસાન; દિયોદરમાં એક ખેડૂતનું મોત

ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની તબાહી, ખેડૂતોને નુકસાન; દિયોદરમાં એક ખેડૂતનું મોત

- Advertisement -

Rain and storm in Gujarat: ગુજરાતના અનેક વિસ્તારોમાં ગત રાત્રે ભારે પવન અને વરસાદે ભારે તબાહી મચાવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મકાનોના પતરા ઉડી જવા, વૃક્ષો ધરાશાયી થવા, વીજપોલ તૂટી પડવા અને પાકને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જ્યારે ખેડૂતોને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાદરપુરા ગામમાં ભારે પવનના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોડી રાતથી વીજળી ગુલ રહેતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચણા સહિતના તૈયાર પાકને પણ ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક નુકસાનનો સર્વે કરીને અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ કરી છે.

- Advertisement -

સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ હતી. ફાયર વિભાગને વૃક્ષ પડવાના કુલ આઠ કોલ મળ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં કેટલાક વાહનોને નુકસાન થયું હતું અને માર્ગ વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે આ તમામ બનાવોમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

રાજ્યમાં આશરે 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જ્યારે 18 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ઉમરપાડામાં 2.76 ઈંચ, ખેડામાં 1.73 ઈંચ તેમજ માતર અને લખતરમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

વાવ-થરાદ અને દિયોદર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું હતું. લાખણી, દિયોદર અને થરાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ડીસા-થરાદ હાઈવે તેમજ દિયોદર-જેતડા હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. લાખણીના ભીમાજી ગોળિયા નજીક હાઈવે જળમગ્ન બનતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -

દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. વાવ, થરાદ અને દિયોદર પંથકમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં આવેલા સેડના પતરા ઉડી જતાં અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન દિયોદર પંથકમાં વાવાઝોડાના કારણે એક ખેડૂતનું મોત થયાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ અને ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. વેજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિએ પ્રી-મોન્સૂન કામગીરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ભારે પવન દરમિયાન જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular