નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વપૂર્ણ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર અને આણંદ-કરમસદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગી અંતિમ ક્ષણ સુધી અટવાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
સુરત મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની પસંદગી મુદ્દે ભાજપ સંગઠનમાં ભારે ખેંચતાણ જોવા મળી હતી. સામાન્ય રીતે સમયપાલન અને શિસ્ત માટે ઓળખાતી ભાજપમાં આ વખતે નિર્ણય લેવામાં થયેલા વિલંબને કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસી નેતાઓને ભાજપમાં સામેલ કરતાં હવે નિર્ણય પ્રક્રિયામાં પણ કોંગ્રેસી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે.
નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ સવારે 10 વાગ્યે પદાધિકારીઓના નામોની જાહેરાત થવાની હતી, પરંતુ આંતરિક મતભેદોને કારણે સમયસર નિર્ણય થઈ શક્યો નહોતો. બપોરે 12 વાગ્યે મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ ગઈ હોવા છતાં એક કલાક બાદ પણ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર ન થતાં કોર્પોરેટરોને સભા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. સામાન્ય સભા શરૂ થઈ જાય અને ત્યારબાદ પણ હોદ્દેદારોના નામ નક્કી ન થાય તેવી સ્થિતિ ભાજપ માટે અસામાન્ય માનવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં નેહલ શુક્લને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દક્ષાબેન વસાણીને ડેપ્યુટી મેયર અને પરેશ પીપળિયાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકામાં ગીતાબહેન મકવાણા નવા મેયર બન્યા છે. આદિત્ય પટેલને ડેપ્યુટી મેયર, વર્ષાબહેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિજય ચૌહાણને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ઉષાબહેન તલરેજા મેયર બન્યા છે. અશોક બારૈયાને ડેપ્યુટી મેયર, કિશન મહેતાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, લાલભા મનુભા વાળાને શાસક પક્ષના નેતા અને દીપા માંગુકિયાને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રાકેશ રાઠોડને મેયર બનાવવામાં આવ્યા છે. સ્મિતાબહેન રાવલ ડેપ્યુટી મેયર, નીખિલ ચાંપાનેરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્વાતિબહેન માંડલિયા દંડક અને પિન્ટુબહેન અસાણિયા શાસક પક્ષના નેતા તરીકે પસંદ થયા છે.
આણંદ-કરમસદ મહાનગરપાલિકામાં દિપીકાબહેન પટેલ મેયર બન્યા છે. કમલેશ ડાભીને ડેપ્યુટી મેયર અને મયુર સુથારને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.








