પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વડોદરા): વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવેલા આશિષ જોષી (Ashish Joshi)ને દારુના કેસમાં ફીટ કરવા ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) (Shailesh Sotta) એ ખેલ પાડ્યાનો હમણાં સુધી આરોપ લાગતો હતો પરંતુ હવે તેના પુરાવા પણ સામે આવ્યા છે. હાલમાં આશિષ જોષી ઉપર લાગેલો દારુના કેસને કારણે તેઓ રાજપીપળાની જિલ્લા જેલમાં છે.
વડોદરાના પ્રશ્નોને વાચા આપનાર લડાયક નેતા આશિષ જોષી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને કોર્પોરેટર પણ હતા. ત્રણ વર્ષ અગાઉ વડોદરામાં આવેલા હરણી તળાવમાં શાળાના પ્રવાસે આવેલા બાળકો અને શિક્ષકો સાથેની બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમને લઈને આશિષ જોષીએ પોતાની જ પાર્ટી સામે બાંયો ચઢાવી મૃતક બાળકો અને શિક્ષકોના પરિવારને વળતર મળે તેવી માગ કરી હતી. આશિષ જોષીનો આરોપ હતો કે હરણી બોટકાંડના આરોપીઓને ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા રાજકીય રક્ષણ પુરું પાડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આશિષ જોષી લાંબા સમય સુધી શૈલેષ સોટ્ટાના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા હતા.
આમ પહેલી વખત આશિષ જોષી અને શૈલેષ સોટ્ટા સામ સામે આવી ગયા હતા. આશિષ જોષી જે રીતે હરણી બોટકાંડનો મામલો ઉઠાવી રહ્યા હતા, તેને લઈ ભાજપની નેતાગીરી ભીંસમાં મુકાઈ હતી. જેના કારણે આશિષ જોશીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા આશિષ જોશીએ પક્ષમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસની ટિકિટ પરથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ પણ આવ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી આ દરમિયાન છોટા ઉદેપુર પોલીસે સંખેડા પાસે દારુ ભરેલી એક કાર પકડી હતી. જેનો ચાલક પ્રમોદ પાંડે હતો. પ્રમોદના નિવેદનમાં બહાર આવ્યું કે, આ દારુ આશિષ જોષીએ મતદારોને આપવા માટે મંગાવ્યો હતો. આ મામલે આશિષ જોષી સામે દારુનો કેસ સંખેડા પોલીસમાં નોંધાયો હતો. આ ફરિયાદ પછી આશિષ જોષીએ પોતાની ઉપર લાગેલા આરોપ નકારી કાઢતા આ ષડયંત્ર પાછળ શૈલેષ સોટ્ટા હોવાનો આરોપ લગાવ્યો હતો.

(પ્રમોદ પાંડે લાલ ટી-શર્ટ જેણે દોરી પકડી રાખી છે)
ચૂંટણી પૂરી થઈ અને આશિષ જોષી ચૂંટાઈ આવ્યા હતા અને અમદાવાદમાં કોઈ કામ અર્થે આવ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી સંખેડા પોલીસને સોંપ્યા હતા. આશ્ચર્ય એ બાબતનું છે કે દારુ સાથે પકડાયેલા પ્રમોદ પાંડેને બીજા જ દિવસે જામીન મળી ગયા હતા. જ્યારે આશિષ જોષીની જ્યુડીશિયલ કસ્ટડીનો ઓર્ડર થયો. આ દરમિયાન જે નવા પુરાવા સામે આવ્યા તેમાં એક તસવીર બહાર આવી છે. આ તસવીરમાં શૈલેષ સોટ્ટા ચૂંટણીમાં ઘોડે સવારી કરી રહ્યા છે જ્યારે ઘોડાની રસ્સી પકડીને ઊભેલો યુવાન બીજો કોઈ નહીં પણ ખુદ પ્રમોદ પાંડે છે. આમ સોટ્ટા અને પાંડે વચ્ચે પહેલાથી જ સંબંધ હોવાનું સ્પષ્ટ થાય છે. કોર્ટમાં પોલીસે રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રમોદ પાંડેની ધરપકડ પછી નિયમ પ્રમાણે પરિવાર અથવા મિત્રને જાણ કરવાની હોય છે. જેમાં પોલીસે છોટા ઉદેપુરના જાણીતા બુટલેગર વિરાટ જયસ્વાલને ધરપકડની ટેલિફોનિક જાણ કર્યાનો ઉલ્લેખ છે.

આમ અહીં સવાલ માત્ર શૈલેષ સોટ્ટા સામે જ નહીં, પરંતુ છોટા ઉદેપુર પોલીસ સામે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, જો આશિષ જોષીને ફસાવવા માટે શૈલેષ સોટ્ટાએ ષડયંત્ર કર્યું હતું તો તેમાં પોલીસ પણ શામેલ હતી?








