Friday, July 3, 2026
HomeGujaratગુજરાતમાં 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો

ગુજરાતમાં 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં હજારો શાળાઓમાં શિક્ષકોની અછત અને વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને ગંભીર અસમાનતા જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 2936 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક કાર્યરત છે. એટલે કે એક જ શિક્ષક દ્વારા ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવાની સ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ, રાજ્યમાં એવી પણ 63 શાળાઓ હોવાનું સામે આવ્યું છે જ્યાં એકપણ વિદ્યાર્થી નથી, છતાં ત્યાં કુલ 78 શિક્ષકો ફરજ બજાવી રહ્યા હોવાનું જણાવાયું છે.

- Advertisement -

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આ આંકડાઓએ રાજ્યની સરકારી શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.

માહિતી મુજબ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સરેરાશ 24 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, જમીની હકીકત અલગ ચિત્ર રજૂ કરતી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન 5612 શાળાઓ બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે.

- Advertisement -

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં શિક્ષણ માટે 63,134 કરોડ રૂપિયાની જોગવાઈ હોવા છતાં મૂળભૂત સુવિધાઓ અને ગુણવત્તામાં જરૂરી સુધારો જોવા મળતો નથી. માહિતી મુજબ, રાજ્યમાં ધોરણ 10 સુધી પહોંચતા પહેલા 27.6 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે, જેનો આંકડો અંદાજે 2.3 લાખ જેટલો થાય છે. આ ઉપરાંત, આ વર્ષે 6.4 લાખ બાળકો અનટ્રેક્ડ હોવાનું પણ જણાવાયું છે.

રાજ્યમાં 42 હજાર વર્ગખંડોની અછત હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓ અંગે ચિંતા વધી છે. આ આંકડાઓ વચ્ચે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular